Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

બે દિ' ૩૫૦ બસો રોકાતા અન્ય હજારો મુસાફરોને ભારે હાલાકીઃ ૨૪૦૦થી વધુ ટ્રીપો રદ્દ...

કાલે લોક રક્ષક દળ પરીક્ષાઃ બપોર સુધીમાં રાજકોટથી પોરબંદર-જામનગર તરફ ૫૦થી વધુ બસો રવાના...

બપોર સુધી ભાવનગર-જામનગરથી ૪૧ હજારથી વધુ ઉમેદવારો રાજકોટ આવશે રાજકોટ શહેર-જીલ્લામાં ૧૫૦થી વધુ કેન્દ્રોઃ ૭૫ હજારથી વધુ ઉમેદવારોઃ ૩ હજારથી વધુ સુપરવાઈઝરોઃ કલેકટર તંત્ર દ્વારા સતત મોનીટરીંગ

રાજકોટ, તા. ૫ :. આવતીકાલે રાજકોટ સહિત રાજ્યભરમાં લોક રક્ષક દળની પરીક્ષા લેવાશે. રાજકોટ શહેર-જિલ્લામાં ૭૫ હજાર ઉમેદવારો પરીક્ષા આપશે.

લોક રક્ષક દળની પરીક્ષા તા.૬ ને રવિવારના રોજ યોજાવાની છે ત્યારે રાજય સરકારના આદેશ અનુસાર એસટી વિભાગ દ્વારા તા.૫ અને તા.૬ ના રોજ પરીક્ષાર્થીઓને વિનામુલ્યે મુસાફરી કરવા માટે એસટીની બસો ફાળવવામાં આવનાર હોઈ સામાન્ય મુસાફરોને આવતીકાલ તા.૫ ને શનિવાર તેમજ તા.૬ ને રવિવાર રોજ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. દરમિયાન રાજકોટ એસ.ટી.એ ૩૫૦ બસો ફાળવી છે. જેમાથી આજે બપોરે ૨ વાગ્યા સુધીમાં રાજકોટથી ૫૦થી વધુ બસો પોરબંદર-જામનગર તરફ રવાના થઈ હતી.

લોકરક્ષક દળની પરીક્ષા માટે એસટી બસની વિનામુલ્યે મુસાફરી માટેની વ્યવસ્થા અંગે ભાવનગરના ડીસીઓ વિશ્રાણીભાઈએ જણાવ્યુ હતુ કે, ભાવનગરથી શનિવારે સવારના ૭/૦૦ કલાકથી બસોની ટ્રીપો રાજકોટ, અમરેલી, મહુવા, તળાજા, પાલિતાણા સહિતના રૂટો પર શરૂ થઈ ગઈ છે. જેમાં ભાવનગરની ૩૪૪ બસો ફાળવવામાં આવી છે. જયારે ભાવનગર ૫૦ સ્કૂલ વાહનો અને બોટાદના ૩૦ સ્કુલ વાહનોનો સહારો લેવાયો છે. ભાવનગરમાં કુલ ૮૧૦૦ પરીક્ષાર્થીઓએ બુકીંગ કરાવ્યુ છે. પરીક્ષાર્થીઓને જે તે સ્થળે લઈ જવા માટે તમામ સ્ટાફ સાથે પૂર્ણ તૈયારી થઈ ગઈ છે. આવતીકાલ શનિવાર અને રવિવારના રોજ એસટીની ટ્રીપો પરીક્ષાર્થીઓ માટે શરૂ થઈ જવાની હોવાથી સંખ્યાબંધ લોકલ બસોના રૂટો રદ થવાની સંભાવના છે. જેના કારણે બે દિવસ સુધી સામાન્ય મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

પાલિતાણા એસટી ડેપોની લોકલ બસોના રૂટ લોકરક્ષક પરીક્ષાને કારણે શનિવાર અને રવિવારના રોજ રદ થવાની સંભાવના છે. જેના કારણે આ વિસ્તારના લોકોને તાલુકા મથકે જવા આવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડશે. અહિ આવતા પ્રવાસીઓને ધર્મશાળામાં ફરજિયાત રોકાણ કરવુ પડશે. જયારે સામાન્ય મુસાફરો અને શાળાઓના વિદ્યાર્થી ભાઈ-બહેનોને ના છુટકે ખાનગી વાહનોનો સહારો લેવો પડશે.

દરમિયાન રાજકોટ એસ.ટી.ના ડિવીઝનલ નિયામક શ્રી દિનેશ જેઠવાએ 'અકિલા'ને ઉમેર્યુ હતુ કે, વિદ્યાર્થીઓ-ઉમેદવારો હસતા મોઢે રવાના થયા છે, કોઈ પ્રકારની કોઈ મુશ્કેલી નથી, ભાવનગર-જામનગરથી બપોર બાદ ઉમેદવારો રાજકોટ આવી જશે, તે લોકોના રાજકોટ બહાર કેન્દ્રો હશે તો તે માટે પણ એસ.ટી. બસની અલગથી વ્યવસ્થા કરી દેવાય છે.

આજે અને કાલે એમ બે દિ' રાજકોટ ડિવીઝનની ૩૫૦થી વધુ બસો રોકાયેલી હોય હજારો મુસાફરોને ભારે હાલાકી પડી છે, દેકારો બોલી ગયો છે. કાલ રાત સુધીમાં ૮ હજારથી વધુ ઉમેદવારોએ ઓનલાઈન બુકીંગ કરાવ્યુ હતું. ૩૫૦ બસો રોકાતા રાજકોટ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારની ૨૪૦૦થી વધુ ટ્રીપો રદ્દ થઈ છે.(૨-૭)

(11:39 am IST)