Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

સિવિલ હોસ્પિટલમાં બે મોબાઇલની ચોરી કરનારા ગોંડલના બે શખ્સને સિકયુરીટીની ટીમે પકડી લીધા

ટ્રોમા સેન્ટર અને ઓપીડીમાંથી મોબાઇલ સેરવ્યા'તાઃ પકડાયેલા બે માંથી એકને અગાઉ પણ એક શખ્સને સિકયુરીટીએ ફોન ચોરી કરવામાં દબોચ્યો હતો

સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના સિટી સ્કાન વિભાગમાં ગઇકાલે ધોરાજીના ઇલ્યાસભાઇ હાજીભાઇ મન્સુરીના ખિસ્સામાંથી તથા ઓપીડીની લિફટમાં જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં રહેતાં અશોકભાઇ અર્જુનભાઇ ઢાંકેચાના ખિસ્સામાંથી નજર ચુકવી ગઠીયાઓએ બે મોબાઇલ ફોન સેરવી લીધા હતાં. આ બાબતની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલની સિકયુરીટીના ઇન્ચાર્જ નિવૃત પીઆઇ એ.ડી. જાડેજા અને ટીમના જનકસિંહ ઝાલા સહિતે તુર્ત જ તપાસ શરૂ કરી દીધી હતી. સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતાં મોબાઇલ સેરવતા બે ગઠીયા નજરે પડી જતાં તેને ટ્રોમા સેન્ટર પાસેથી જ પકડી લેવાયા હતાં. આ શખ્સોના નામ રોહિત અશોકભાઇ મકવાણા (રહે. ગોંડલ) તથા અજય સૂરજભાઇ સોલંકી (રહે. ગોડલ) હોવાનું ખુલતાં બંનેને પ્ર.નગર પોલીસને સોંપવા તજવીજ થઇ હતી. આ અગાઉ પણ રોહિતને સિવિલ હોસ્પિટલની સિકયુરીટી દ્વારા મોબાઇલ ચોરી સબબ પકડી લેવામાં આવ્યો હતો. તસ્વીરમાં પકડાયેલા બંને શખ્સ અને જેના ફોન ચોરાયા હતાં તે વ્યકિત જોઇ શકાય છે.

(3:48 pm IST)