Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

જસદણના ભાજપના ઉમેદવાર અને પાણી-પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અકિલાની શુભેચ્છા મુલાકાતે : "જસદણ પંથકમાં કલ્પનાતિત વિકાસના દ્વાર ખૂલી ગયા છે - કોંગ્રેસ માટે મેં જાત ઘસી નાખી છતા મને હાંસીયામાં ધકેલ્યો હતો - કુંવરજીભાઈ"

મારી આંગળી પકડી રાજકારણના પાઠ શિખેલા મારા હરીફ બન્યાઃ પ્રજા એને માફ નહિ કરે : અલણસાગરમાં નર્મદાના નીર ઠાલવવાનું કામ દોઢ મહિનામાં પુરૂ થશેઃ કનેસરામાં નાની સિંચાઈનું કામઃ પશુપાલન-આરોગ્ય ક્ષેત્રે નવી સુવિધા : ઘણા કોંગી અગ્રણીઓ સંપર્કમાં છે, મોટા ધડાકા સંભવ - ભરત બોઘરા

જસદણના ભાજપના ઉમેદવાર પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજે અકિલાની શુભેચ્છા મુલાકાત લઈ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને એકઝીકયુટીવ એડીટર શ્રી નિમિષ ગણાત્રા સાથે ચર્ચા કરેલ. તે પ્રસંગની તસ્વીરમાં સાથે ભાજપના અગ્રણીઓ મોહનભાઈ કુંડારિયા, ડી.કે. સખીયા, ભરત બોઘરા, ભાનુભાઈ મેતા, રાજુ ધ્રુવ, અકિલા પરિવારના નરેન્દ્રસિંહ જાડેજા, ડો. અનિલ દશાણી ઉપસ્થિત છે. અકિલાના પ્રતિનિધિ વિજય વસાણીએ કુંવરજીભાઈને મીઠુ મોઢુ કરાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૪ :. જસદણ વિધાનસભાની પેટાચૂંટણીના ભાજપના ઉમેદવાર પાણી પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોતાના પ્રયત્નો અને સરકારના હકારાત્મક અભિગમને કારણે જસદણ પંથકમાં કલ્પનાતિત વિકાસના દ્વાર ખુલી ગયાનો વિશ્વાસ વ્યકત કર્યો છે. અલણસાગર ડેમમાં નર્મદાના નીર ઠાલવવા માટે આવતા દોઢ મહિનામાં પાઈપ લાઈનનું કામ પૂર્ણ થઈ જશે. તેમ તેમનુ કહેવું છે. ઉપરાંત સિંચાઈ, આરોગ્ય, માર્ગ-મકાન, શિક્ષણ, પશુપાલન વગેરે ક્ષેત્રે વિકાસ કામોની હારમાળા આવી રહ્યાની તેમણે વધામણી આપી છે.

આજે અકિલાની મુલાકાતે આવેલા કુંવરજીભાઈએ જણાવેલ કે, જસદણ પંથકમાં પીવાના પાણીનો પ્રશ્ન ઘણો હળવો થઈ જશે. આવતા ૧૫ વર્ષની જરૂરીયાતને ધ્યાને રાખી મત ક્ષેત્રના દરેક ગામ માટે પાણીનું આયોજન થઈ રહ્યુ છે. વિંછીયાની હોસ્પીટલને અપગ્રેડ કરવામાં આવશે. વિંછીયામા ભૂગર્ભ ગટરના કામ હાથ ધરાશે. જસદણમાં વિજ્ઞાન પ્રવાહની ગ્રાન્ટેડ કોલેજ શરૂ કરાવવાનો પ્રયત્ન છે. સૌની યોજના હેઠળ ૧૧૫ ડેમો નર્મદાના પાણીથી ભરવાનું આયોજન છે. તે પૈકી ૯ ડેમો માત્ર જસદણ-વિંછીયા તાલુકાના છે. સમગ્ર ક્ષેત્રમાં કલ્પનાતિત વિકાસ થઈ રહ્યો છે.

તેમણે જણાવેલ કે, વિરોધ પક્ષના ધારાસભ્ય હોય અને સરકારમાં મંત્રી હોય તે બે બાબત અલગ છે. સરકારમાં બેઠા હોય એટલે વિકાસ કામને ગતિ મળે તે સ્વાભાવિક છે. મેં લોકલાગણી ધ્યાને રાખી જસદણના વિકાસ માટે ભાજપમાં જોડાવાનું પસંદ કર્યુ હતું. હું કાયમ નિષ્ઠા અને પ્રામાણિકતાથી લોકોની વચ્ચે રહ્યો છું. સમાજની ચિંતા કરી છે. મારી કમનસીબી એ છે કે, મારી આંગળી પકડીને જે લોકો રાજકારણનો એકડો શિખ્યા છે તે મોટા ભાગના મારા હરીફ બન્યા છે. ગુરૂ તરીકેનો કે વડીલ તરીકેનો નાતો જાળવવાના બદલે મારી સાથે બેવફાઈ કરી રહ્યા છે. તેમને જસદણ-વિંછીયા પંથકની પ્રજા કયારેય માફ નહિ કરે. મને જંગી બહુમતીથી ચૂંટીને પ્રજા ફરીથી સેવા કરવાનો મોકો આપશે તેવો વિશ્વાસ છે.

અરરર...કોંગીએ પક્ષપલ્ટો ન કરવા સોગંદનામા કરાવ્યાં

રાજકોટ, તા. ૪ :. ભાજપના અગ્રણી ભરત બોઘરાએ આજે જણાવેલ કે, જુથબંધીના કારણે કોંગ્રેસને સતત બીક રહે છે. જસદણની ટીકીટ માટે દાવેદારો હતા તે બધા પાસે પોતાને ટીકીટ ન મળે તો પક્ષપલ્ટો નહી કરે તેવા સોગંદનામા કરાવ્યા હતા. અમુક દાવેદારોને તો ફોર્મ ભરવાનો સમય પુરો થતા સુધી પ્રદેશના નેતાઓએ રેઢા મુકયા ન હતા. પક્ષ નહિ છોડે તેવા મતલબના સોગંદનામા કરાવવા પડે તેટલી હદે કોંગ્રેસની સ્થિતિ ખરાબ છે.

કોંગ્રેસ માટે મેં જાત ઘસી નાખી છતા મને હાંસીયામાં ધકેલ્યો હતોઃ કુંવરજીભાઈ

સૌરાષ્ટ્રમાં મેં કોંગ્રેસને જીવતી રાખેલ, એની પાસે મારો વિકલ્પ હતો નહિ

રાજકોટ, તા. ૪ :. આજે અકિલાના આંગણે ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાએ કોંગ્રેસમાં પોતાની અપમાનજનક અવગણના થયાના મુદ્દાએ પક્ષપલ્ટા તરફ વાળવામાં મહત્વનો ભાગ ભજવ્યાનો પર્દાફાશ કર્યો હતો.

તેમણે અકિલાને જણાવેલ કે, મેં મારી જીંદગીના કિંમતી વર્ષો નિષ્ઠા, પ્રમાણિકતાથી અને વફાદારીથી જનસેવામાં વિતાવ્યા છે. મેં હંમેશા પરિવારની ચિંતા કરવાના બદલે સમસ્ત સમાજની ચિંતા કરી છે. મને ઘણુ આપ્યાનો કોંગ્રેસ પ્રચાર કરે છે પરંતુ કોંગ્રેસે મેં પાર્ટી માટે જે મહેનત કરી છે તે પણ ધ્યાને લેવુ જોઈએ. સૌરાષ્ટ્રમાં જે તે વખતે મેં કોંગ્રેસને જીવતી રાખેલ. કોંગ્રેસ માટે જાત ઘસી નાખેલ છતા ૨૦૧૭ની ચૂંટણી પછી કોંગ્રેસના નેતાઓએ મને હાંસીયામાં ધકેલવાનું શરૂ કરેલ. મારી મહેનત અને આવડતને કારણે હું સૌરાષ્ટ્રમાં છવાઈ જઈશ તેવો ભય અનુભવતા કોંગ્રેસના નેતાઓ મારી અપમાનજનક અવગણના કરતા હતા. બીજી તરફ ભાજપે મને સન્માન આપ્યુ અને જસદણ પંથકના વિકાસમાં હિસ્સેદાર બનવાની તક આપી તેથી હું ભાજપમાં જોડાયો છું.

ઘણા કોંગી અગ્રણીઓ સંપર્કમાં છે,મોટા ધડાકો સંભવઃ ભરત બોઘરા

ભાજપના અગ્રણીનો દાવો વાસ્તવિક કે વમળ સર્જવાનો પ્રયાસ ?

રાજકોટ, તા. ૪ :. જસદણ વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસને આંચકો આપતો મોટો રાજકીય ધડાકો સંભવ હોવાનો ઈશારો કુંવરજીભાઈ બાવળિયાના સાથીદાર પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરાએ કર્યો છે.

તેમણે આજે અકિલાની મુલાકાત પ્રસંગે જણાવેલ કે કોંગ્રેસના ઘણા લોકો અમારા સંપર્કમાં છે. એકદમ ટૂંક સમયમાં જ ભાજપ માટે બહુ સારા સમાચાર આવી શકે છે. જો કે તેમણે આ અંગે હાલ વિશેષ કંઈ કહેવાની અનિચ્છા દર્શાવેલ પરંતુ ભાજપ દ્વારા કોંગ્રેસમાં મોટી તોડફોડનો પ્રયાસ થઈ રહ્યાનું તેમની વાત પરથી માનવામાં આવે છે. કોંગ્રેસના ગણના પાત્ર લોકો ખરેખર બોઘરાની કલ્પના મુજબ ધડાકો કરશે કે બોઘરાએ રાજકીય હેતુસર આવી વાત ઉછાળી છે ? તે ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ જશે.

કોંગ્રેસના કેટલાક લોકો સંપર્કમાં હોવાની બાબતને કુંવરજીભાઈએ પણ સમર્થન આપ્યુ હતું. અવસર નાકીયાનું નામ કોંગ્રેસના ઉમેદવાર તરીકે પોતે સૂચવ્યાની સોશ્યલ મીડીયાની વાતને તેમણે નકારી હતી. જો કે તેમણે સ્વીકારેલ કે અવસરભાઈની બદલે ભોળાભાઈ ગોહીલ ઉમેદવાર હોત તો અવસરભાઈની સરખામણીએ કોંગ્રેસ માટે થોડા ચડીયાતા ઉમેદવાર ગણાત. કોંગ્રેસના ઉમેદવાર ગમે તે હોય મારી જીત વિશે કોઈ શંકા નથી.

બોઘરા કહે છે પાટીદારો ભાજપ ભેગા જ,ધાનાણી-ચાવડાને કોઈએ સ્થાન ન આપ્યું !

કોંગી ઉમેદવારે ફોર્મ ભર્યુ ત્યારે સ્થાનિક પાટીદાર આગેવાન હાજર હતા નહિ

રાજકોટ, તા. ૪ :. જસદણ મતક્ષેત્રના પાટીદાર સહિત સમાજના તમામ વર્ગના લોકો ભાજપની સાથે હોવાનો પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરાનો દાવો છે.

ભરત બોઘરાએ અકિલાના આંગણે જણાવેલ કે, મેં અને કુંવરજીભાઈએ કદી જ્ઞાતિ પૂછીને કામ કર્યા નથી. અમે સર્વજ્ઞાતિના કામો કરીએ છીએ. કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યુ ત્યારે બહારથી કાર્યકરો લાવવા પડયા હતા. જસદણના કોઈ પાટીદાર આગેવાન ફોર્મ ભરતી વખતે હાજર હતા નહિ તે જ બાબત બતાવે છે કે, પાટીદારો ભાજપની સાથે છે. અમિત ચાવડા અને પરેશ ધાનાણી જસદણમાં રોકાયેલા અને પોતે વેપારીઓને મળવા માગે છે તેવુ કહેવડાવેલ છતા તેમને મળવા કોઈ ગયેલ નહિ. બન્નેને રોકાવા માટે કોેઈએ જગ્યા આપેલ નહિ તેથી ગેસ્ટહાઉસમાં રોકાયા હતા.

બોેઘરાએ જણાવેલ કે, કુંવરજીભાઈ પાટીદાર સમાજમાં સ્વીકૃત નેતા છે. કોળી સમાજમાં આ વખતે જબ્બર કલર દેખાય છે. તેઓ ૩૫થી ૫૧ હજાર મતની સરસાઈથી જીતશે.

 કુંવરજી બાવળિયાનો ધડાકો, 'મેં જ કોંગ્રેસને અવસર નાકિયાને ટિકિટ આપવા કહ્યું હતું'

જસદણ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત થતા જ માહોલ જામ્યો

રાજકોટ, તા.૪: જસદણ વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત થતા જ માહોલ જામ્યો છે. આ સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને જસદણ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા ન્યૂઝ ૧૮ ગુજરાતીના કેમેરામાં એવું બોલતા ઝડપાઈ ગયા છે કે મેં જ કહ્યું હતું કે અવસર નાકીયાને ટિકિટ આપજો.

ઉલ્લેખનીય છે કે કુંવરજી બાવળીયાને ખબર ન હતી કે ટીવીનો કેમેરો ચાલું હતો. કોંગ્રેસે બાવળીયા સામે અવસર નાકીયાને ટિકિટ આપી છે.

કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે કોંગ્રેસ સાથે મારી વાતચીત થઈ હતી. મેં જ કહ્યું હતું કે ભોળાભાઈ ગોહિલના બદલે અવસર નાકીયાને ટિકિટ આપજો. જેથી અમારી વધારે કસરત કરવી ના પડે. આ પછી કહે છે કે ભોળાભાઈને ટિકિટ ના મળતા તેમનું મોઢું પડી ગયું હતું અને રડવા જેવા થઈ ગયા હતા. મેં તો તેમને પહેલા પણ કહ્યું હતું કે તમે મારી સાથે આવી જાવ.આ વિશે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાએ કહ્યું હતું કે તે કયા કોંગ્રેસ નેતાના સંપર્કમા હતા તેનું જાહેર કરે. ભાજપવાળા ખોટુ બોલે છે. આવું કશું જ નથી. તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે તેમનું ચાલતું હતું. હવે ચાલે નહીં. ભાજપમાં પણ તેમનું ચાલશે નહીં.આ બાબતે ભોળાભાઈ ગોહિલે કહ્યું હતું કે અમારી પાર્ટીએ સર્વે કરાયો હતો અને આ પછી જ નાકીયાને ટિકિટ મળી છે. મને સહેજ પણ દુખ નથી. કોને ટિકિટ આપવી કોને નહીં તે તો પાર્ટી નક્કી કરે છે. કુંવરજી ખોટુ બોલી રહ્યા છે.

(8:04 pm IST)