Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

સગીરોને તમાકુ વેંચનારા ચેતજો...પોલીસે ગુના નોંધી ધરપકડ કરવાની શરૂઆત કરી

ભકિતનગર પોલીસે સહકાર રોડ પરના વેપારી હીરા વાઢેર સામે જુવેનાઇલ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી

રાજકોટ તા. ૪: સગીર વયના છોકરાઓ ગુટકા, તમાકુ સેવનના રવાડે ચડીગયા હોઇ આ દુષ્ણ અટકાવવા સરકાર દ્વારા અવાર-નવાર જાહેરનામા તથા ગાઇડલાઇન બહાર પાડવામાં આવે છે. આમ છતાં દુકાનદારો દ્વારા અમલ થતો ન હોઇ અને સગીરોને પણ ગુટકા-તમાકુ વેંચવામાં આવતાં હોઇ તે અંતર્ગત આવા વેપારીઓ સામે પોલીસે જુવેનાઇલ જસ્ટીસ એકટ હેઠળ કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ છે. જેમાં ભકિતનગર પોલીસે એક વેપારી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

શહેરમાં પાનની દૂકાનો તથા અન્ય ગલ્લાઓ, લારીઓમાં સગીર વયના છોકરાઓને પણ તમાકુની પ્રોડકટસનું બેરોકટોક વેંચાણ થતું હોવાની ફરિયાદો પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને મળતાં તેમની તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી તથા ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈની અને એસીપી પૂર્વ પ્રદિપસિંહ જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ ભકિતનગરના ઇન્ચાર્જ પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરી હેઠળ ટીમે તપાસ શરૂ કરી હતી.

એ દરમિયાન સહકાર મેઇન રોડ પર ભકિત હોલની નીચે દુકાન નં. ૩માં આવેલી શુભમ્ ડિલકસ પાન નામની દૂકાને દૂકાનદાર હીરા જગમાલભાઇ વાઢેર (આહિર) (ઉ.૨૮-રહે. સહકાર સોસાયટી-૪) સગીર છોકરાને તમાકુની પડીકી વેંચતો રંગેહાથ ઝડપાઇ જતાં તેની સામે જુવેનાઇલ એકટ હેઠળ ગુનોનોંધી ધરપકડ કરી રૂ. ૧૦ની કિંમતની તમાકુની એક પડીકી કબ્જે કરવામાં આવી છે. પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક, મહેન્દ્રસિંહ ડોડીયા, સલીમભાઇ મકરાણી, કોન્સ. વિક્રમભાઇ ગમારા, દેવાભાઇ ધરજીયા, ભાવેશભાઇ મકવાણા, હિતેષભાઇ અગ્રાવત, રાજેશભાઇ ગઢવી સહિતે આ કામગીરી કરી હતી.

(3:46 pm IST)