Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

સંયમ માં ના ખોળે ઝૂલીને શપથ ગ્રહણ કર્યા દીક્ષાર્થીઓએ

લાખો ભોગી હોય ત્યારે એકાદ યોગી થવાના માર્ગ પર નીકળતાં હોય છેઃ બળે અને બાળે તે સંસાર અને ચમકેને ચમકાવે તે સંયમઃ પૂ.નમ્રમુનિ મ.સા.

રાજકોટ,તા.૪: દીક્ષાદાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં પરમ શરણમાં વધુ બે આત્માઓ શુદ્ઘિ-વિશુદ્ઘિની શિક્ષા લેવા ઉત્સુક બની રહ્યાં છે ત્યારે ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર આ ઐતિહાસિક અવસરનું સાક્ષીદાર બની રહ્યું છે.

રાજકોટના આંગણે ઉજવાઈ રહેલાં મુમુક્ષુ શ્રી ઉપાસનાબેન શેઠ અને મુમુક્ષુ શ્રી આરાધનાબેન ડેલીવાળાના શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના દ્વિતીય દિવસે શ્રી સંદ્યપતિ માતુશ્રી રમાબેન દિનેશચંદ્ર ગાંધી, હસ્તે શ્રી મયુરભાઈ ગાંધી પરિવાર દ્વારા અત્યંત અહોભાવથી ગુરૂભગવંતના પ્રવેશ વધામણાં કર્યા બાદ આ પરિવારનું ગૌરવવંતી પાઘડી અને શાલ અર્પણ કરીને એમને સત્કારવામા આવ્યાં હતાં.

આ સાથે જ જેમનાં પ્રવેશ માટે વિશાળ સમુદાય રાહ જોઈ રહ્યો હતો એવાં મુમુક્ષુ બહેનોને શ્રી રોયલ પાર્ક સંઘ મહિલા મંડળનાં બહેનો સુંદર ચંદરવો, અષ્ટ મંગલના શુભ પ્રતિક સાથે અત્યંત અહોભાવ પૂર્વક દાદાનાં દરબારમાં દોરી આવતાં સમગ્ર સમુદાય નતમસ્તક બન્યો હતો. સંઘપતિ શ્રી ગાંધી પરિવાર દ્વારા દીક્ષાર્થીઓના ભાલ પર વિજય તિલક કરીને એમને વધાવવામાં આવ્યાં હતાં.

આ અવસરે અત્યંત મધુર શૈલીમાં ઉપસ્થિત સમુદાયને ત્યાગી આત્માઓનું મહત્વ સમજાવતાં રાષ્ટ્રસંત પૂજયશ્રીએ ફરમાવ્યું હતું કે, જગતનાં લાખો લાખો ભોગી આત્માઓની વચ્ચે કોઈ એકાદ આત્મા યોગી થવાનાં માર્ગ પર નીકળી પડતાં હોય છે.  કાળા કોલસાની ખાણ જેવાં આ સંસારમાંથી કોઈક જ ડાયમંડ જેવા આત્મા મળી આવે છે, જેને માત્ર એક ઝવેરી સ્વરૂપ જ્ઞાની આત્મા જ ઓળખી શકતાં હોય છે. આજે આ સંસારરૂપી કોલસાની ખાણમાંથી નીકળીને બે આત્માઓ જિનશાસનના તાજ પર કોહિનૂર બનીને ચમકવા જઈ રહ્યાં છે. જ્ઞાનીની દ્રષ્ટિમાં બળે અને બાળે તેવો આ સંસાર છે અને ચમકે તેમજ ચમકાવે તેવો આ સંયમ ધર્મ છે.

ઉપરાંતમાં ભાવિકોને બોધ આપતાં આ અવસરે રાષ્ટ્રસંત પૂજયશ્રીએ કહ્યું હતું કે, એકવાર સત્યની પ્રાપ્તિ જે આત્માને થવા લાગે છે તેવા આત્માઓ સ્વજનોના આંસુથી કદી રોકાતાં નથી. તેઓ જાણતા હોય છે કે, બે ની આંખોના આંસુના રાગમાં રહી જઈશું તો અનંતના આંસુનું કારણ બની જઈશું. એક આત્મા જયારે સંયમના માર્ગ પર આવે છે ત્યારે તે અનંત જીવોના આંસુ રોકવાનું કારણ બની જતાં હોય છે. માટે જ, જો લઇ શકાય તો સંયમ લઇએ અને જો ન લઇ શકાય તો કોઈના સંયમમાં અંતરાયરૂપ કદી ન બનીએ.

આ અવસરે અરિહંતની અદાલતના અત્યંત રસપ્રદ કાર્યક્રમમાં ગુનેગારના કઠેરામાં દીક્ષાર્થી અને દીક્ષાર્થીઓના માતા- પિતાને રાખીને એમના પર વકીલ પાત્ર શ્રી અમીબેન દોશી દ્વારા જોરદાર પ્રશ્નોની ઝડી વરસાવવામાં આવી હતી. તો સામે પક્ષે દીક્ષાર્થીઓ અને તેમના માતા-પિતા દ્વારા ચોટદાર અને સચોટ જવાબ આપવામાં આવતાં અંતે સત્યને નિર્દોષ અને વિજયી જાહેર કરવામાં આવ્યાં હતાં.

હજારો ભાવિકોની ભરી સભામાં સર્જાએલાં અદાલતના આ દ્રશ્યોથી જાણે વિશાળ સમુદાય સંયમ સબંધી હૃદયમાં ઉઠતાં અનેક અનેક પ્રશ્નોના સમાધાન પ્રાપ્ત કરી સંતુષ્ટ બન્યો હતો.

વિશેષમાં માઁ નો મમતાળુ ખોળો ત્યાગીને સંયમ માઁ ના જતના રૂપી ખોળાને સ્વીકારવા જઈ રહેલાં દીક્ષાર્થીઓને અષ્ટ પ્રવચન રૂપી માતાના પાત્રમાં જતના ધર્મની સુંદર સમજ આપતો વિશિષ્ટ કાર્યક્રમ સંયમ માઁ ના ખોળેની પ્રસ્તુતિ ઉપસ્થિત સર્વને અંતરથી અહોભાવિત કરી ગઈ હતી.

એની સાથે જ મુમુક્ષુ શ્રી ઉપાસનાબેન અને મુમુક્ષુ શ્રી આરાધનાબેનના જુગલબંધી સંવાદોએ સહુને બંને મુમુક્ષુઓના આંતરિક ભાવો પ્રત્યે વંદિત અને નમસ્કૃત કરી દીધાં હતાં. આવા ઉત્કૃષ્ટ ઉત્સાહસભર માહોલની વચ્ચે દીક્ષાર્થી બહેનોએ અષ્ટ પ્રવચન માતા સમક્ષ શપથ વિધિ ગ્રહણ કરીને આજીવન જતના પૂર્વકનું જીવન જીવવા માટેની બાહેંધરી આપી હતી.

ઉજવાઈ રહેલાં દીક્ષા મહોત્સવના દરેકે દરેક અવસર અનેક અનેક ભાવિકોના હૃદયમાં ત્યાગ, સમર્પણ અને સંયમના કલ્યાણકારી ભાવોને ઉજાગર કરી રહ્યાં છે ત્યારે આવતીકાલ તા. ૪ મંગળવારે સવારના ૮ કલાકે ધર્માનુરાગી શ્રી હેમલભાઈ પ્રવિણચંદ્ર મહેતાના નિવાસસ્થાન ખુશ્બુ એપાર્ટમેન્ટ, નારાયણ નગર બગીચાની સામે, સત્ય સાંઈ હોસ્પિટલ સામેની ગલી, રાજકોટ ખાતેથી સંયમ અનુમોદના શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા બાદ સવારના ૯ કલાકે ૧૮ પાપસ્થાનકની આહૂતિ સ્વરૂપ 'હું હતો, હું હોઈશ'ના અત્યંત સુંદર અને મનનીય કાર્યક્રમના આયોજન સાથે બપોરના ૩ કલાકે સંયમ સાંજીનો કાર્યક્રમ શ્રી ડુંગર દરબાર, અમીન રોડ જંકશન, ૧૫૦ રીંગ રોડ, જેડ બ્લુની સામે, રાજકોટ ખાતે  યોજાયેલ.  આત્મહિત અને આત્મશ્રેય કરાવી દેનારા આવા દરેક કાર્યક્રમમાં પધારવા દરેકે દરેક આત્મપ્રેમી ભાવિકોને આત્મિય આમંત્રણ આપવામાં આવ્યું છે.

(11:53 am IST)