Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

નવાગામના છપ્‍પનીયા ક્‍વાર્ટર પાસે દરોડોઃ વાહનના ચોરખાનામાં છુપાવેલો દારૂ પકડાયો

૪.૪૩ લાખનો મુદ્દામાલ એલસીબી ઝોન-૧ના પીએસઆઇ વી. કે. ઝાલા અને ટીમે કબ્‍જે કર્યો

રાજકોટ તા. ૪: શહેરના કુવાડવા રોડ પર નવાગામ છપ્‍પનીયા કવાર્ટર શક્‍તિ સોસાયટી પાસે આવેલા વંડામાં રખાયેલા સીઝ કરાયેલા એક માલવાહક વાહનમાંથી ડીસીપી ઝોન-૧ની એલસીબી ટીમે રૂા. ૪૩૨૦૦નો વિદેશી દારૂ ઝડપી લીધો છે. આ દારૂ વાહનમાં બનાવાયેલા ચોરખાનામાં છુપાવી રખાયો હતો.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે  કોનસ. સત્‍યજીતસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર અને દિઘ્‍યરાજ જાડેજાને બાતમી મળી હતી કે નવાગામમાં શક્‍તિ સોસાયટી પાસે આવેલા વંડામાં સીઝ કરેલા જે વાહનો રખાય છે તે પૈકીના ટાટા ઇન્‍ટ્રા જીજે૩૮ટી-૩૪૪૭ નંબરના માલવાહક વાહનમાં દારૂનો જથ્‍થો પડયો છે. આ માહિતીને આધારે ત્‍યાં પહોંચી તપાસ કરતાં વાહનનું ઠાઠુ ખાલી જોવા મળ્‍યું હતું.
પોલીસે વાહનની જીણવટભરી તપાસ શરૂ કરતાં તળીયાના ભાગે ચોરખાનુ બનાવાયેલુ મળ્‍યું હતું. તેની અંદરથી મૂનવોક વોડકાની ૭૨ અને વિન્‍ટેજ વોડકાની ૩૬ મળી રૂા. ૪૩૨૦૦ની બોટલો મળતાં તે તથા વાહન મળી રૂા. ૪,૪૩,૨૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો છે.  
લોન પર લેવાયેલા આ વાહનના હપ્‍તા ભરાયા ન હોઇ સીઝીંગ કંપનીએ વાહન સીઝ કરીને રાખ્‍યું હતું. આ વાહનના બંને સાઇડના પડીયામાં ચોરખાના બનાવી તેમાં દારૂની બોટલો છુપાવાઇ હતી. વાહન કોના નામે છે? કોણ ફેરવતું હતું? તેની તપાસ થઇ રહી છે.
પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ તથા ડીસીસી પ્રવિણકુમાર મીણાની રાહબરીમાં પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ, સત્‍યજીતસિંહ, રવિરાજભાઇ અને જીતુભા ઝાલાએ આ કામગીરી કરી હતી.

 

(3:50 pm IST)