Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

રાજકોટમાં અષાઢી બીજની યાત્રાની પૂર્વ તૈયારી માટે આજે રાત્રે બેઠક

સ્વૈચ્છિક સંસ્થાઓ, ગૌભકતો, કાર્યકરોને ઉપસ્થિત રહેવા અપીલ

રાજકોટ, તા. ૪ :. અષાઢી બીજને તા. ૧૪ જુલાઈએ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નિકળશે. રાજકોટની આ ૧૧ મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે.

સમગ્ર સમાજ ભગવાન જગન્નાથજીની આ ભવ્ય રથયાત્રામાં જોડાયે તે માટે વિવિધ રીતે પ્રચાર-પ્રસાર સાથે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવે છે. આ બેઠકમાં સૌ પ્રથમ સાંકેત ત્યાગી રામકિશોરદાસજી બાપુ કે જેઓએ રાજકોટમાં ભગવાન જગન્નાથજીનુ ભવ્ય મંદિર નિર્માણ કરેલ સાથે કૈલાસધામ-આશ્રમ નાનામૌવામાં સ્થાપપના કરેલ સાથે રાજકોટની ધર્મપ્રેમી જનતાને ભગવાન જગન્નાથજીના દર્શન સાથે ભવ્ય રથયાત્રાની ભેટ આપેલ તેવા પૂજ્યશ્રીને શ્રધ્ધાંજલી અર્પણ કરેલ. રથયાત્રાની વ્યવસ્થા માટે વિવિધ સમિતિઓ વિવિધ કાર્યક્રમો, રથયાત્રા રૂટ, સ્વાગત વ્યવસ્થા, વિવિધ ફલોટસની વ્યવસ્થા, પ્રચાર અર્થે હોર્ડીંગ પત્રિકા, નિમંત્રણ કાર્ડ, ડી.જે. વ્યવસ્થા, વિવિધ અખાડા વ્યવસ્થા, વાહન વ્યવસ્થા, પ્રસાદી વ્યવસ્થા, બહારથી આવનારા પૂજ્ય સંતોની વ્યવસ્થા માટે વિશેષ ચર્ચા આયોજન કરેલ. ભકતો પાસેથી આ વખતની યાત્રા ભવ્ય બને તેના વિવિધ સૂચનો પણ માંગેલ. બાદમાં પૂજ્ય ત્યાગી મનમોહનદાસજીનાં આશિર્વચન લઈ બેઠક પૂર્ણ થયેલ. સમગ્ર બેઠકમાં માર્ગદર્શન ચમનભાઈ સિંધવ દ્વારા કરવામાં આવેલ. આજે બુધવારે રાત્રે ૮ કલાકે વિવિધ મંડળો, ટ્રસ્ટો, ગૌશાળાના શ્રેષ્ઠીઓ દ્વારા બેઠક કૈલાસધામ આશ્રમ, નાનામૌવા ખાતે યોજાશે. મંડળો, સંસ્થાઓ કાર્યકરો સૌને આમંત્રણ છે.(૨-૧૨)

(4:00 pm IST)