Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

શહેર ભાજપ પ્રમુખના વોર્ડમાં વરસતુ તંત્ર

વોર્ડ નં.૯માં લાયબ્રેરી, મહિલા સ્વિમીંગપુલની ભેટ ધર્યા બાદ કોમ્યુનીટી હોલ બનાવાશે

રાજકોટ તા.૪: શહેરીજનોને વિવિધ સુવિધા હેતુ તંત્ર દ્વારા અલગ-અલગ વિસ્તારમાં પ્રોજેકટ હાથ ધરવામાં  આવતા હોય છે પરંતુ છેલ્લા એક-બે વર્ષથી માત્ર એક જ વોર્ડમાં તંત્ર વરસી રહ્યાનું અને લાખો - કરોડોના પ્રોજેકટો મુકીને શહેરનાં અન્ય વિસ્તારોમાં વિકાસમાં બ્રેક લાગી રહ્યાનું ચર્ચાઇ રહ્યુ છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વોર્ડ નં.૯માં આધુનીક કોમ્યુનીટી હોલ બનાવવામાં આવનાર છે. લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ છેલ્લા એક વર્ષમાં વોર્ડ નં.૯ના સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં આધુનિક લાયબ્રેરી, મહિલા સ્નાનાગાર તથા ઓડિટોરીયમની ભેટ આ વિસ્તારવાસીઓને ધરવામાં આવી છે ત્યારે વધુ એક પ્રોજેકટ આ વોર્ડમાં  કેમ ? તેવા સવાલો ઉઠયા છે.

તંત્ર દ્વારા સર્વત્ર વિકાસની વાતો કરવામાં આવી રહી છે. ત્યારે છેલ્લા બે વર્ષથી માત્ર એક જ વોર્ડમાં વિકાસકામોની વણઝાર થઇ રહી છે અને બીજી તરફ શહેરનાં ઘણા વોર્ડના વિસ્તારવાસીઓ સુવિધાઓ ઝંખી રહ્યા છે. આમ, શાસકોની બે મોઢાની વાતથી લોકોમાં કચવાટ ફેલાયો છે.

(3:54 pm IST)