Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

બિમાર માતાની કચ-કચથી કંટાળી ગયો'તો એટલે મારી નાંખીઃ કપાતર દિકરાની કબૂલાત

૨૭/૯ના સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં બનેલી એ ઘટના આકસ્મિક મોતની નહિ પણ હત્યાની હતીઃ ખળભળાટ : નિવૃત શિક્ષીકા જયશ્રીબેન નથવાણી (ઉ.૬૪)ને બ્રેઇન હેમરેજનું ઓપરેશન કરાવેલુ હતું: તે ચાલી પણ શકતા નહોતાં: અવાર-નવાર સૂર્યનારાયણને અર્ધ્ય આપવા અગાસી ઉપર ટેકો આપી લઇ જતાં પુત્રએ અગાસીએથી જ માતાનેે ધક્કો મારી દીધાનું ખુલ્યું: નનામી અરજી અને સીસીટીવી ફૂટેજને આધારે ભાંડો ખુલ્યો

જયશ્રીબેનને દિકરો મોતના મુખમાં ધકેલવા લઇ જઇ રહ્યો હતો ત્યારના  દ્રશ્યોના સીસીટીવી ફૂટેજ :વૃધ્ધ જનેતાને કયાં ખબર હતી કે દિકરો અગાસીએ જવા મદદ નથી કરી રહ્યો, પણ 'પરલોકની સીડી' ચઢાવી રહ્યો છે! :ચાર મહિના પહેલા પ્રોફેસર સંદિપ નથવાણીએ પોતાના એપાર્ટમેન્ટના ચોથા માળની અગાસીએથી બિમાર-અશકત વૃધ્ધ જનેતા જયશ્રીબેનને ધક્કો મારી ફેંકી દઇ મોતને ઘાટ ઉતારી દીધા બાદ કંઇ બન્યું ન હોય તેમ ઘરમાં જતો રહ્યો હતો. બાદમાં નીચેથી એક રહેવાસી 'તમારા બા પડી ગયા' તેમ કહેવા આવતાં દોટ મુકી નીચે ગયો હતો અને પોક મુકવાનું નાટક કર્યુ હતું. આકસ્મિક મોતની નોંધાયેલી આ ઘટના સીસીટીવી ફૂટેજને આધારે હત્યાની હોવાનું સ્પષ્ટ થયું છે. પોલીસે આપેલા ફૂટેજના દ્રશ્યો અહિ પ્રસ્તુત છે.  તસ્વીરમાં જયશ્રીબેન દિકરા સંદિપની મદદથી ફલેટમાંથી બહાર નીકળે છે, તેની પુત્રવધુ રચનાબેન દરવાજો બંધ કરે છે તે તથા પુત્ર ધીમે-ધીમે માંડ માંડ કરીને માતાને સીડી ચઢાવી રહેલો દેખાય છે. જયશ્રીબેનને ત્યારે કયાં ખબર હતી કે પોતે અગાસીએ જવાનો દાદરો નથી ચઢી રહ્યા, પણ પરલોક જવાની દાદરો ચઢી રહ્યા છે!?...વચ્ચેની તસ્વીરમાં જ્યાં ઘટના બની તે ફલેટ અને એ દિવસે એટલે કે ૨૭/૯ના રોજ જે હાલતમાં જયશ્રીબેનનો મૃતદેહ પોલીસને મળ્યો હતો તે દ્રશ્ય જોઇ શકાય છે. નીચેની તસ્વીરોમાં જયશ્રીબેન પડી ગયાની જાણ કરવા એક રહેવાસી આવ્યો અને તેની સાથે સંદિપ નીચે ઉતર્યો તે તથા સંદિપની પત્નિ રચના દરવાજામાં ઉભેલી જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

બનાવ વિશે બપોરે ડીસીપી ઝોન-૨ ડો. કરણરાજ વાઘેલા, એસીપી હર્ષદ મહેતા અને યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. જી. બી. બાંભણીયાએ માહિતી આપી હતી

રાજકોટ તા. ૪: ગાંધીગ્રામમાં સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ  રામેશ્વર પાર્ક-૨માં દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં ફલેટ નં. ૩૦૧માં રહેતાં લોહાણા વૃધ્ધા જયશ્રીબેન મથુરદાસ નથવાણી (ઉ.૬૪) ૨૭/૯/૧૭ના સવારે ચોથા માળની અગાસીએ વોકીંગ કરતી વખતે ચક્કર આવતાં નીચે પડી જતાં મોત નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. જે તે દિવસે આ ઘટના આકસ્મિક મોતની ગણી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પરંતુ એક નનામી અરજીએ આ બનાવ હત્યાનો હોવાનો અને હત્યારો બીજો કોઇ નહિ ખુદ આ વૃધ્ધાનો પ્રોફેસર પુત્ર સંદિપ વિનોદભાઇ નથવાણી હોવાનું ખુલતાં ખળભળાટ મચી ગયો છે.  ડીસીપી ડો. કરણરાજ વાઘેલાએ અંગત રસ લઇ અરજીને આધારે સીસીટીવી ફૂટેજ મેળવી ઉંડી તપાસ કરતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. બિમાર અશકત માતાની સતત કચકચથી ત્રાસી જઇ તેને અગાસીએથી ધક્કો દઇ મારી નાંખ્યાની કબુલાત કપાતર પુત્રએ આપતાં તેના પર ફિટકાર વરસી રહ્યો છે.

બનાવની વિગત એવી છે કે ૨૭/૯ના રોજ વૃધ્ધા જયશ્રીબેન નથવાણી ચાર માળના એપાર્ટમેન્ટની અગાસીએથી પડી ગયાની જાણ થતાં ૧૦૮ના ઇએમટી દિવ્યાબેન અને પાઇલોટ ગોપાલભાઇ ડાંગર પહોંચી ગયા હતાં. ઇએમટી દિવ્યાબેનની તપાસમાં જયશ્રીબેન મૃત્યુ પામ્યાનું જણાતાં પોલીસને જાણ કરવામાં આવતાં યુનિવર્સિટીના હેડકોન્સ. શૈલેષપરી ગોસાઇ અને મયુરભાઇએ પહોચી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસે મૃતકના પુત્ર, પુત્રવધુ, પુત્રી સહિતના તેમજ અડોશી-પડોશીના નિવેદન નોંધ્યા હતાં. ત્યારે  પુત્ર સંદિપ નથવાણીએ કહેલું કે માતા જયશ્રીબેનને બ્રેઇન હેમરેજ હોઇ થોડા દિવસ પહેલા જ ઓપરેશન કરાવેલુ હતું. આ કારણે તેમને અવાર-નવાર ચક્કર આવતાં હતાં. સવારે તે માતાને વોકીંગ કરાવવા અગાસી પર લઇને ગયો હતો. બાદમાં માતા જયશ્રીબેનને સૂર્યનારાયણને અર્ધ્ય આપવાનું હોઇ પોતે પાણીની લોટી લેવા માટે નીચે ઉતર્યો હતો. પાછો ઉપર ગયો ત્યાં માતા નીચે પડી ગયાની ખબર પડી હતી. ચક્કર આવતાં તે પડી ગયાની શંકા વ્યકત કરાઇ હતી. પોલીસે આ કેફીયતને આધારે એ.ડી. (એકસીડેન્ટલ ડેથ)ની નોંધ કરી હતી.

જો કે બનાવના થોડા દિવસ પછી કોઇ જાગૃત નાગરિકે નનામી અરજી પોલીસને કરી હતી. આ અરજી ડીસીપી ઝોન-૨ ડો. કરણરાજ વાઘેલા પાસે પહોંચી હતી. એ દરમિયાન સીટી પોલીસ કન્ટ્રોલ રૂમના કોન્સ. બિપીન પટેલને પણ આ ઘટના આકસ્મિક મૃત્યુની નહિ પણ હત્યાની હોવાની અને સીસીટીવી ફૂટેજ ચેક થાય તો સત્ય બહાર આવે તેમ હોવાની વિગતો મળતાં તેણે ડીસીપી શ્રી વાઘેલાને વાત કરી હતી.

ડો. કરણરાજ વાઘેલાએ જાતે રસ લઇ જ્યાં ઘટના બની હતી તે એપાર્ટમેન્ટમાં લગાવાયેલા સીસીટીવીના ૨૭/૯ના તમામ ફૂટેજ મંગાવ્યા હતાં. તેમજ ડીવીઆર કબ્જે કરાવી લીધુ હતું. તબક્કાવાર ફૂટેજની ચકાસણી થતાં એક પછી એક રહસ્ય સામે આવતાં ગયા હતાં. જેમાં આ ઘટના હત્યાની જ હોવાનું લગભગ સ્પષ્ટ થઇ જતાં મૃતક જયશ્રીબેનના પુત્ર પ્રો. સંદિપ નથવાણીને પુછતાછ માટે બોલાવી તેની સમક્ષ સીસીટીવી ફૂટેજ રજૂ કરાતાં અને વિશીષ્ટ પુછતાછ થતાં તેણે ગલ્લા તલ્લા બાદ અંતે ભાંગી પડી હત્યાનો ગુનો કબુલી લીધો હતો. તેના આધારે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં સરકાર તરફે હેડકોન્સ. શૈલેષપરી સોમપરી ગોસાઇએ ફરિયાદી બની પ્રો. સંદિપ નથવાણી સામે આઇપીસી ૩૦૨ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસની તપાસમાં ખુલ્યું છે કે હત્યાનો ભોગ બનેલા વૃધ્ધા જયશ્રીબેન સતત બિમાર રહેતાં અને અશકત થઇ ગયા હતાં. બ્રેઇન હેમરેજના ઓપરેશન બાદ તેમનો સ્વભાવ વધુ ખરાબ થઇ ગયો હતો. તેમની સતત કચકચથી અને ઘરમાં કોઇપણ બાબતમાં પોતાનું જ ચાલે તેવી જીદથી ઘરમાં સતત કલેશ થતો હતો. આથી કંટાળીને માતાનો કાંટો કાઢી નાંખવાનો પ્લાન ઘડી પ્રોફેસરે તેને ચોથા માળેથી ધક્કો દઇ મારી નાંખ્યા હતાં. વિધીસર ધરપકડ બાદ વધુ વિગતો બહાર આવશે. પી.આઇ. જી. બી. બાંભણીયા, શૈલેષપરી ગોસાઇ, બલભદ્રસિંહ અને યોગેન્દ્રસિંહ વધુ તપાસ કરે છે. આ બનાવે ભારે ચકચાર જગાવી છે.

દરમિયાન ડીસીપી ડો. કરણરાજ વાઘેલા, એસીપી હર્ષદ મહેતા અને પી.આઇ. જી. બી. બાંભણીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજને આધારે આ  ગુનાનો ભેદ ઉકેલાયો છે. જયશ્રીબેન ચાલી પણ નહોતાં શકતાં તેને પુત્ર સૂર્યનારાયણને અર્ધ્ય આપવા માટે અગાસીએ લઇ ગયો હતો. તે વખતે જ તેના માતા જયશ્રબીને અકસ્માતે પડી ગયાની તેણે જાહેરાત કરી હતી. જો કે સીસીટીવી ફૂટેજ જોતાં જયશ્રીબેન નીચે પટકાયા ત્યારે પણ પુત્ર ઉપર જ હોવાના પુરાવા મળ્યા હતાં. તેના આધારે કડક પુછતાછ થતાં સંદિપ નથવાણીએ હત્યા કબુલી છે.

સંદિપને સંતાનમાં એક વર્ષની દિકરી

. માતાને અગાસીએથી ધક્કો દઇ મોતને ઘાટ ઉતારી દેનાર આજીડેમ પાસેની બી. કે. મોદી ફાર્મસી કોલેજના આસી. પ્રોફેસર સંદિપ વી. નથવાણીને સંતાનમાં દોઢ વર્ષની એક પુત્રી છે. પિતાના કૃત્યથી આ બાળકી તદ્દન અજાણ છે. જ્યારે ખબર પડશે કે મારા પપ્પાએ દાદીને મારી નાંખ્યા છે, ત્યારે તેની હાલત કેવી થશે? તે વિચાર પણ ધ્રુજાવી મુકે તેવો છે.

એક માત્ર અગાસી જ એવી હતી જ્યાં સીસીટીવી કેમેરા નહોતાઃ સવારે એકટીવા લઇ બહાર નીકળી બે વખત સંદિપે અગાસી તરફ જોયુ'તું:

બાદમાં માતાને ઉપર લઇ ગયો'તો સીસીટીવીનો સમગ્ર ઘટનાક્રમ રહસ્ય ઉકેલવામાં મદદરૂપ થયો

. પ્રોફેસર સંદિપ નથવાણીએ હત્યાનો વ્યવસ્થિત પ્લાન ઘડ્યો હતો. તે વધુ એક ગંભીર ગુના પરથી પરદો ઉંચકવામાં 'તીસરી આંખ' એટલે કે સીસીટીવી કેમેરા ઉપયોગી થયા છે.  સંદિપને ખબર હતી કે આખા બિલ્ડીંગમાં સીસીટીવી કેમેરા છે, પણ અગાસીએ કેમેરા નથી. આથી તે બનાવ પહેલા બહાર નીકળી દૂરથી અગાસી તરફ જોવા ગયો હતો. કયાંથી માતાને ફેંકવા? એ કદાચ નક્કી કર્યુ હતું અને બાદમાં માતાને ઉપર લઇ જઇ કામ તમામ કર્યુ હતું. ડીસીપી ડો. કરણરાજ વાઘેલાએ ૨૭/૯/૧૭ના સીસીટીવી ફૂટેજ કબ્જે કરાવી ચકાસણી કરતાં સવારે ૮:૨૭ કલાકે પ્રો. સંદિપ તેના માતા જયશ્રીબેનને ફલેટમાંથી પોતાની બાથમાં લઇને ટેકો આપતો લિફટમાં લઇ જતો દેખાયો હતો. બાદમાં સવારે ૮:૩૦ કલાકે માતાને ટેકો આપી લિફટમાંથી ચોથા માળની અગાસી પર લઇ જતો દેખાયેલ. માતા ચાલી પણ શકતા ન હોઇ તે માંડ માંડ લઇ જતો અને પોતે ઉઘાડા પગે હોવાનું પણ દેખાયેલ. સવારે ૮:૩૯ કલાકે તે એકલો નીચે આવ્યો હતો અને ચોથા માળની ડોરબેલ વગાડી ત્યાં રહેતાં મહિલા પાસેથી માતાને બેસાડવા ખુરશી માંગી હતી. ત્યાર પછી એ મહિલા અને એક પુરૂષ ખુરશી લઇ અગાસીએ ગયા હતાં. ૮:૪૫ કલાકે આ બંને નીચે આવી ગયા હતાં. બાદમાં સંદિપ અને તેના માતા જયશ્રીબેન એકલા અગાસીએ હતાં. ૮:૫૭ કલાકે સંદિપ અગાસીએથી એકલો નીચે ઉતરતો દેખાયો હતો. તે વખતે તેણે માતાના ચપ્પલ પહેર્યા હતાં.

ત્રીજા માળના સીસીટીવીમાં સંદિપ ૮:૫૭ કલાકે પોતાના ફલેટમાં જતો દેખાયો હતો. જો કે ગ્રાઉન્ડ ફલોરના કેમેરા ચેક કરતાં સંદિપ ૭:૫૬ કલાકે એકટીવા લઇ બહાર જતો અને થોડે દુર જઇ અગાસી તરફ નજર કરતો દેખાયો હતો. બીજી વખત પણ તેણે અગાસી પર જોયું હતું. બાદમાં ૮:૫૬ કલાકે તેના માતા જયશ્રીબેન અગાસીએથી પટકાયા હતાં. આ દ્રશ્ય પણ સીસીટીવીમાં દેખાયું હતું. સંદિપ ૮:૪૫ થી ૮:૫૭ સુધી માતા સાથે જ હતો. માતા નીચે પડ્યા ત્યારે પણ તે ઉપર જ હોવાનું ફલીત થયું હતું.

જયશ્રીબેનનું બ્રેઇન હેમરેજનું ઓપરેશન થયું હોઇ તા. ૪/૯થી અગિયાર દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા હતાં. તે ચાલી પણ શકે તેમ નહોતાં, ખુબ અસ્વસ્થ હતાં તો અઢી ફુટની અગાસીની પાળી કઇ રીતે ઠેંકી શકે કે કઇ રીતે જાતે નીચે ઝંપલાવી શકે? સીસીટીવીના મુદ્દાઓ અને જુદા-જુદા સવાલો સંદિપ સામે આવતાં અંતે તે પોલીસ સમક્ષ ભાંગી પડ્યો હતો .રાજકોટમાં ૨૭/૯ના સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં બનેલી એ ઘટના આકસ્મિક મોતની નહિ પણ હત્યાની હતીઃ હત્યારો ખુદ પુત્ર!

પુત્રવધૂ રચનાનો પણ સાસુની હત્યામાં રોલ છે કે કેમ? તેની પણ તપાસ

. પ્રોફેસર સંદિપ નથવાણી જ્યારે તેના વૃધ્ધ માતાને અગાસી ઉપર લઇ જાય છે ત્યારે દરવાજો બંધ કરવા માટે સંદિપની પત્નિ રચનાબેન આવે છે. રચનાબેન અને નણંદ અંકિતા વચ્ચે પણ સેવા ચાકરી બાબતે માથાકુટ થતી હતી. સાસુની હત્યામાં પુત્રવધૂ રચનાબેનની પણ સંડોવણી હતી કે કેમ? પતિના પ્લાનમાં તે સામેલ હતી કે કેમ? તે સહિતના મુદ્દે પણ તપાસ થઇ રહી છે.

ડીસીપી કરણરાજ વાઘેલાને મળેલી નનામી અરજી અને કોન્સ. બિપીન પટેલને મળેલી માહિતી પરથી ભેદ ખુલ્યો

. લોહાણા વૃધ્ધા અકસ્માતે પડી નથી ગયા પણ તેમની હત્યા થઇ છે તેવી શંકા દર્શાવતા અનેક મુદ્દાઓ ટાંકીને જાગૃત નાગરિકે નનામી અરજી કરી હતી. એ પહેલા પોલીસ કન્ટ્રોલ રૂમના કોન્સ. બિપીન પટેલને પણ બનાવ આપઘાતનો નહિ પણ હત્યાનો હોવાની માહિતી મળી હતી. દરમિયાન નનામી અરજી મળતાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી.એસ. ભટ્ટે આ બાબતે ડીસીપી ઝોન-૨ ડો. કરણરાજ વાઘેલાને તપાસ સોંપી હતી. તેઓ એક કર્મચારી સાથે અરજી બાબતે ચર્ચા કરતાં હતાં એ વખતે જ કોન્સ. બિપીન પટેલ સંજોગોવસાત ત્યાં જતાં તેણે બનાવ અંગે પોતાની પાસે પણ માહિતી હોવાનું જણાવતાં ડીસીપી વાઘેલાએ અંગત રસ લઇ બિલ્ડીંગના સીસીટીવી ફૂટેજ અને ડીવીઆર કબ્જે કરાવી જીણવટ ભરી તપાસ કરી હતી. તપાસને અંતે બનાવ હત્યાનો હોવાનો ભાંડો ફુટી ગયો હતો.

પ્રો. સંદિપ નથવાણીએ કહ્યું-બિમાર માતાની સતત ટેન્શન આપતા'તાઃ એક બહેનના લગ્નનું ટેન્શન અને પત્નિ સાથે માતાને થતાં ઝઘડાથી કંટાળ્યો'તો

આજીડેમ પાસેની કોલેજમાં લેકચરર તરીકે ફરજ બજાવતાં

. અગાઉ જે બનાવ આપઘાતનો હતો તે હત્યાનો હોવાનું ડીસીપી ડો. કરણરાજ વાઘેલાની અંગત તપાસમાં બહાર આવતાં  ગુનો નોંધાયો છે. શ્રી વાઘેલાએ આરોપી સંદિપ વિનોદભાઇ નથવાણીની પુછતાછ કરતાં તેણે કહ્યું હતું કે પોતે આજીડેમ પાસેની બી. કે. મોદી કોલેજમાં લેકચરર તરીકે નોકરી કરે છે. તેણે કબુલ્યું હતું કે બિમાર-અશકત માતાની ખુબ સેવા કરી હતી. પરંતુ તેમનો સ્વભાવ વધુ ખરાબ થઇ ગયો હતો. દરરોજ કચ-કચ કરતાં, તે કહે એમ જ અમારે કરવાનું. મારા પત્નિ સાથે પણ તેમને માથાકુટ થતી રહેતી હતી. મારા એક બહેનના લગ્ન પણ હજુ બાકી છે. બધા ટેન્શન વચ્ચે બિમાર-અશકત માતા ખુબ ત્રાસરૂપ બની ગયા હતાં. તેથી તેનો કાંટો કાઢી નાંખવાનું નક્કી કરી અગાસીએ લઇ જઇ ત્યાંથી ધક્કો દઇ પછાડી દીધા હતાં.

આગળની તપાસ યુનિવર્સિટી પોલીસને સોંપવામાં આવતાં પી.આઇ. જી.બી. બાંભણીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ, શૈલેષપરી ગોસ્વામી સહિતનો સ્ટાફ વિશેષ તપાસ કરે છે.

સગી જનેતાનો જીવ લઇ લેનારો પ્રોફેસર તાજો-માજો હતોઃ પોલીસે ભાંડો ફોડતાં જ હોસ્પિટલ ભેગો

. ચાર મહિના પહેલા બિમાર-અશકત સગી જનેતાને ચોથા માળની અગાસીએથી ધક્કો દઇ મોતને ઘાટ ઉતારી દેનાર  પ્રોફેસર પુત્ર સંદિપ વિનોદભાઇ નથવાણી (ઉ.૩૬) પોતે ઘડેલા પ્લાનમાં સફળ થઇ જતાં ખુશખુશાલ હતો. માતા અકસ્માતે અગાસીએથી પડી ગયાની તેણે પોલીસ સમક્ષ જે તે વખતે સ્ટોરી ઘડી હતી અને તેની ધારણા મુજબ પોલીસ એ સ્ટોરી મુજબ જ આગળ વધી હતી અને ત્યારે એકસીડેન્ટલ ડેથ (એ.ડી.)ની નોંધ કરી લીધી હતી. નિવેદનમાં પણ સંદિપ, તેની પત્નિ રચના, બહેનો ભાવીશાબેન, અંકિતાબેન સહિતનાએ બનાવ આકસ્મિક જ હોવાનું કહ્યું હતું. ઘટના બન્યા પછી જાણે કંઇ જ નથી બન્યું તેમ આ ક્રુર, કપાતર દિકરો પોતાના રૂટીનમાં પરોવાઇ ગયો હતો. પરંતુ તેને કયાં ખબર હતી કે પાપ છાપરે ચડશે?...સીસીટીવી કેમેરાએ તેના આ હીચકારા કૃત્યનો ભેદ ઉકેલી નાંખ્યો અને પોલીસે તેને સકંજામાં લેતાં જ તેને છાતીમાં ગભરામણ થઇ ગઇ હતી. તે સાથે તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ થઇ ગયો છે. ત્યાંથી રજા અપાયે ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે તેના પર પહેરો મુકી દીધો છે.

(3:03 pm IST)