Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

'અકિલા' સાથેની મુલાકાતમાં મ્યુ. કમિશ્નરે દિલ ખોલીને શુભેચ્છા વરસાવી

'સૌની' થકી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલઃ લોકોનાં ટોળા ન આવ્યા તેનો આનંદ : પાની

રાજકોટ, તા., ૩: શહેરમાં છેલ્લા ૩ વર્ષથી મ્યુનિસિપલ કમિશ્નર પદે ફરજ બજાવી અને હવે સુરત શહેરના મ્યુનિસિપલ  કમિશ્નર તરીકે બદલી પામી નિયુકત થયેલા બંછાનીધી પાનીએ આજે અકિલા કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત દરમિયાન અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે તેઓના રાજકોટના કાર્યકાળ અંગે દિલ ખોલીને વાતચીત કરી હતી. આ તકે તેઓએ રાજકોટમાં સૌની યોજનાથી આજી અને ન્યારી ડેમ ભરી દેવાના પ્રોજેકટ થકી આ શહેરની પાણી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નિમિત બન્યાનો અને તેના કારણે કોર્પોરેશન કચેરીમાં રજુઆત માટે લોકોના ટોળા આવતા બંધ થઇ ગયા તેનો આનંદ વ્યકત કર્યો હતો.

બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે રાજકોટના નગરજનોએ ૩ વર્ષમાં અપારપ્રેમ વરસાવ્યો છે જેના કારણે રાજકોટ હવે પરિવારસમુ બની ગયું છે. તેઓએ શહેરમાં સ્માર્ટ સીટીથી નવા આધુનિક રસ્તાઓ, અટલ સરોવર સહિત ૩ નવા સરોવરો વગેરેનું આયોજન કરવાનું સદભાગ્ય પણ સાંપડયું હોવાનું જણાવેલ. આજી ડેમ ખાતે નિર્માણ થઇ રહેલ અર્બન ફોરેસ્ટ રાજકોટના ફેફસા સમાન બનશે તેમ તેઓએ જણાવેલ. કેમ કે હરીયાળીના કારણે શહેરમાં કાર્બનનું ઉત્સર્જન ઘટશે અને લોકોને શુધ્ધ હવા મળશે.

રાજકોટે આધુનિકતા તરફ કદમ માંડયા છે અને મ્યુનિસીપલ કમિશ્નર તરીકે તેઓએ ગંદકી અને ટ્રાફીક નિયમન, પાર્કીગ પ્રતિબંધ,  પ્લાસ્ટીક પ્રતિબંધ વગેરે જેવા આકારા દંંડની ઝુંબેશમાં પણ પ્રજાએ ભરપુર સહયોગ આપ્યો છે. હવે આ એક નવુ અને સુંદર રાજકોટ બની રહયું છે તેમ શ્રી પાનીએ જણાવેલ.  શહેરીજનોએ મેરેથોન, દિવાળી ફેસ્ટીવલ, મોડલ હોકર્સ ઝોન, ફલાવર શો સહિતના કાર્યક્રમોમાં પણ લોકોનો ભરપુર સહયોગ મળ્યો છે. ગાંધી મ્યુઝીયમ અને આઇવે પ્રોજેકટ થકી તંત્રને થયેલ ૧ર કરોડની આવકના આયોજનો તેઓના કાર્યકાળમાં થયાનો સંતોષ શ્રી પાનીએ આ તકે વ્યકત કર્યો હતો.

અંતમાં શ્રી પાનીએ કોટેચા ચોકમાં સીટી બસનો નવો ડેપો, તેમજ સીટી બસની ઓનલાઇન ટીકીટની યોજનાઓ પાઇપલાઇનમાં હોવાની વાત કરી હતી.  તેઓના ૩ વર્ષના કાર્યકાળમાં રાજકોટવાસીઓ તેમજ અહીના મીડીયા જગત રાજકીય આગેવાનો કાર્યકરો વગેરેએ જે ભરપુર સહયોગ આપ્યો તે કદી ભુલાય તેમ નથી તેમ જણાવી સૌનો જાહેર આભાર માન્યો હતો.(૪.૧૦)

અકિલાના આંગણે બંછાનિધિ પાનીઃ રાજકોટનો પ્રેમ હંમેશા યાદ રહેશે

રાજકોટ ત્રણ વર્ષમાં પરિવાર જેવું થઇ ગ્યું : સ્માર્ટ સીટી ગાંધી મ્યુઝિયમ, આઇ-વે પ્રોજેકટને સાકાર કર્યાનો સંતોષઃ કોટેચા ચોકમાં સીટી બસનો ડેપોઃ ઓનલાઇન બસ ટિકીટની યોજના પણ પાઇપલાઇનમાં છે!

મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાની આજે સાંજે તેઓનો ચાર્જ છોડી આવતીકાલે સુરત મ્યુ.કમિશ્નર તરીકે  ચાર્જ સંભાળવાનાં છે તે પુર્વ આજે અકિલા કાર્યાલયે શુભેચ્છા મુલાકાતે આવેલ તે વખતની તસ્વીરોમાં અકિલાનાં મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે તેઓએ પારિવારીક માહોલમાં રાજકોટના કાર્યકાળ અંગે ચર્ચાઓ કરી હતી. તે નજરે પડે છે.અન્ય તસ્વીરમાં તેઓનું ફુલહારથી સ્વાગત કરી રહેલા શ્રી કિરીટભાઇ દર્શાય છે તેમજ અકિલા પરિવારનાં રણજીતીસંહ ચૌહાણ તથા અમિત જોશી અને શ્રી કિરીટભાઇ સાથે યાદગાર તસ્વીર લેવડાવી હતી. તે નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:48 pm IST)