Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

મનપાની આરોગ્ય શાખા દ્વારા પછાત વિસ્તારોમાં મોબાઈલ મેડીકલ કેમ્પઃ ૩૦૩૫ લોકોએ લાભ લીધો

રાજકોટઃ ચોમાસા ઋતુ દરમિયાન વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળાના અટકાવ અને નિયંત્રણને અનુલક્ષીને મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખા  દ્વારા  શહેર ગરીબ તથા પછાત વિસ્તારોમાં છેવાડાના માનવીને ઘર આંગણે આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે મોબાઈલ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તા.૨૧ ઓગષ્ટથી આજ દિન સુધી કુલ ૨૦ જેટલા વિવિધ પછાત વિસ્તારોમાં મોબાઈલ મેડીકલ કેમ્પ કરવામાં આવેલ છે. આ કેમ્પ માં અંદાજે કુલ ૩૦૩૫ જેટલા લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધેલ છે.આ ફકત તાવ, શરદી-ઉધરસ, ઝાડા-ઉલ્ટી, પાણીજન્ય રોગોના દર્દી, વાહકજન્ય રોગોના દર્દી, સ્ત્રી રોગ, ચામડીના રોગો તેમજ અન્ય રોગના દર્દીઓને તપાસી સ્થળ પર સારવાર આપવામાં આવેલ છે. તેમજ ૬૫ જેટલા દર્દીઓને વધુ સારવાર અર્થે આરોગ્ય કેન્દ્ર પર રીફર કરવામાં આવેલ છે. આ કેમ્પમાં ૧૩૦ જેટલા તાવના દર્દીઓને રેપીડ ડાયગ્નોસ્ટીક કિટદ્વારા લોહીની તપાસ કરીને એનું નિદાન કરીને સ્થળ પર જ સારવાર આપવમાં આવી. આ ઉપરોકત આ પછાત વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળા ના અટકાયતી અને નિયંત્રણ પગલાના ભાગ રૂપે કુલ ૨૩૬૪ જેટલા ઓ.આર.એસ. અને કુલ ૧૯૪૯૪ જેટલી કલોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ વાહકજન્ય રોગો સામે જન જાગૃતી માટે વિવિધ કુલ ૧૦૬૪૭ જેટલી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું. મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકરની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(3:35 pm IST)