Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

કારના ચાલકે દરવાજો ખોલતાં ટુવ્હીલર અથડાઇને ફંગોળાયા બાદ બસની ઠોકરે ચડી જતા બ્રહ્માકુમારી મયુરીબેનનું મોત

કુવાડવા રોડ પર વાહન ચાલકોની બેદરકારી બની જીવલેણ અકસ્માતનું કારણ : પાછળ આવી રહેલી એસટી બસનું વ્હીલ ફરી વળ્યું: ચાલકે અવાજ સાંભળતા જ બ્રેક મારી દીધાનું એસટી અધિકારીનું કથનઃ બસની ઠોકર લાગી છે કે કેમ? તે અંગે પોલીસ તપાસઃ મૃતક મયુરીબેન બેંકના કામ સબબ જઇ રહ્યા હતાં અને કાળ ભેટ્યો

તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત વાહનો અને બ્રહ્માકુમારી મયુરીબેનનો નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૩: કુવાડવા રોડ પર ડી માર્ટથી આગળ ગંગેશ્વર મહાદેવ નજીક એક કાર ચાલકની બેદરકારીને કારણે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ઉભેલી કારના ચાલકે અચાનક દરવાજો ખોલતાં ટુવ્હીલર અથડાતાં ટુવ્હીલરના ચાલક બ્રહ્માકુમારી મહિલા ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે. તે અથડાઇને ફંગોળાયા એ વખતે પાછળ એસટી બસ આવતી હોઇ તેનું વ્હીલ પેટ પર ફરી વળતાં લાગતાં ગંભીર ઇજા થઇ હતી. બ્રહ્માકુમારીને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો.

જાણવા મળ્યા મુજબ કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે જગદંબા ભુવન ખાતે આવેલા બ્રહ્માકુમારી ભવનમાં રહેતાં બ્રહ્માકુમારી મયુરીબેન જયંતીભાઇ મુંગપરા (ઉ.૨૭) સવારે સાડા અગિયાર પોણાબાર આસપાસ પોતાનું એકસેસ નં. જીજે૩કેએમ-૯૨૭૦ હંકારીને જગદંબા ભુવનથી બેંકના કામ સબબ નીકળ્યા ત્યારે કુવાડવા રોડ ગંગેશ્વર મહાદેવ પાસે પહોંચ્યા તે વખતે સ્વીફટ કાર જીજે૦૩એચઆર-૫૮૮૩ રોડ  પર ઉભી હોઇ તેના ચાલકે અચાનક થુંકવા માટે કે અન્ય કારણે દરવાજો ખોલતાં મયુરીબેને દરવાજા સાથે વાહન ન અથડાય એ માટે જોરદાર બ્રેક લગાવી હતી. છતાં દરવાજામાં અથડાયા હતાં અને ટુવ્હીલર સહિત ફંગોળાઇ ગયા હતાં. તે વખતે જ પાછળ કૃષ્ણનગર-અમદાવાદ-દ્વારકા રૂટની એસટી બસ જીજે૧૮ઝેડ-૧૯૫૪ આવતી હોઇ તેનું વ્હીલ બ્રહ્માકુમારીના પેટ પર ફરી વળતાં ગંભીર ઇજા પહોંચી હતી.

ગંભીર ઇજાગ્રસ્ત બ્રહ્માકુમારી મયુરીબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલાએ જાણ કરતાં બી-ડિવીઝનના એએસઆઇ કે. યુ. વાળા તથા રાઇટર મહેશભાઇ રૂદાલતાએ હોસ્પિટલે અને ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

મૃત્યુ પામનાર બ્રહ્માકુમારી મયુરીબેનના પિતા જયંતિભાઇ મુંગપરા અને બીજા પરિવારજનો રણછોડનગરમાં રહે છે. તેણી એક ભાઇથી નાના હતાં અને સાતેક વર્ષ પહેલા ફાર્મસીનો અભ્યાસ પુરો કર્યા બાદ બ્રહ્માકુમારીમાં જોડાઇ ગયા હતાં. પિતા જયંતિભાઇ પાનની દૂકાન ચલાવે છે. બ્રહ્માકુમારી પરિવાર તથા મુંગપરા પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

ઘટના સ્થળે પહોંચેલા એસટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે એકસેસ કારના દરવાજામાં અથડાઇને ફંગોળાતા અવાજ સાંભળીને બસના ડ્રાઇવરે બ્રેક લગાવી દીધી હતી. બસની ઠોકર લાગી નહોતી. જો કે પોલીસ તપાસમાં બસની પણ ટક્કર લાગ્યાનું બહાર આવ્યું હોઇ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(3:25 pm IST)