Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

હસતા રમતા સાવ અચાનક...લોખંડનો ડેલો પડતાં ૨ વર્ષના આયુષનું ને ભોં ટાંકામાં ડૂબતાં ૧ાા વર્ષના ક્રિયાનનું મોત

ભાયાસર અને સંતોષીનગરમાં બે માસુમને રમતાં-રમતાં મોત ભેટી જતાં કોળી-આહિર પરિવારમાં શોક

રાજકોટ તા. ૩: બે જુદી-જુદી ઘટનામાં બે માસુમ બાળકોને હસતા રમતા સાવ અચાનક કાળ ભેટી જતાં પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

જાણવા મળ્યા મુજબ આજીડેમ પોલીસ મથક તાબાના ત્રંબા નજીક આવેલા ભાયાસર ગામમાં રહેતાં સુરેશભાઇ ભાલારા (કોળી)નો પુત્ર આયુષ (ઉ.વ.૨) સાંજે પાંચેક વાગ્યે ઘરના લાકડાની ફ્રેમમાં ફીટ કરેલા લોખંડના ડેલા પાસે રમતો હતો ત્યારે વરસાદને કારણે ફ્રેમ નબળી પડી ગઇ હોઇ ડેલો અચાનક પડતાં માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે ૧૦૮ના જયદિપભાઇ સહિતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલના જગુભા ઝાલાએ જાણ કરતાં આજીડેમના હેડકોન્સ. હેમતભાઇ તળાવીયા અને ભીખુભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. આયુષ માતા-પિતાનો એક જ પુત્ર હતો.

બીજા બનાવમાં પોપટપરા સંતોષીનગરમાં રહેતાં રાજેશભાઇ હરિભાઇ લોખીલ અને ગુડ્ડીબેન રાજેશભાઇ લોખીલનો પુત્ર ક્રિયાન (ઉ.વ.૧ાા) બપોરે ઘરમાંથી રમતો રમતો બહાર નીકળ્યો હતો. દસ-પંદર મિનીટ પછી માતા તેને લેવા બહાર નીકળતાં તે જોવા ન મળતાં શોધખોળ શરૂ કરી હતી. દસેક મિનીટ બાદ કોઇએ ઘરના ભોં ટાંકામાં જોતાં તેમાં માસુમ ક્રિયાન બેભાન મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ જાણ કરતાં પ્ર.નગરના હેડકોન્સ. વિજયસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. પિતા રાજેશભાઇ ડ્રાઇવીંગ કરે છે. બનાવથી સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(1:18 pm IST)