Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

શામળાબાપા આશ્રમના શ્રી મોહનદાસ બાપા દ્વારા રાજકોટની નાયડુ સ્કુલમાં કન્યા પૂજન

દેશ અને સમાજના વિકાસ, ઘડતર અને સંસ્કૃતિ રક્ષણ સંવર્ધનમાં સંતો મહંતોનો ફાળો અમુલ્ય : રાજુ ધ્રુવઃ બાળાઓને ચાંદીની પાયલ, સોનાની ચૂક, ચાંદીનું પેડલ પ્રસાદરૂપે અપાયા

રાજકોટ : મ્યુ. કોર્પોરેશન સંચાલિત શ્રીમતી સરોજીની નાયડુ શાળામાં બાલિકા વંદના - કન્યા પૂજન સાથે મહિલા સશકિતકરણનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગર જિલ્લાના રૂપાવટી ગામના શામળાબાપા આશ્રમના સંત શ્રી મોહનદાસ બાપા દ્વારા અહીં ર હજાર જેટલી બાળાઓને ભેટ પ્રસાદરૂપે ચાંદીની પાયલ, સોનાની ચુક, ચાંદીનું પેંડલ અને રૂ.૧૦૦ રોકડા સાથે ચોકલેટનું વિતરણ કરાયુ હતુ. સંતશ્રી મોહનબાપાએ પોતાના હસ્તે જ બાળાઓને ભેટ પ્રસાદ વિતરણ કરી જીવનમાં સર્વાંગી વિકાસના આશીર્વાદ આપ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે મોહનદાસ બાપા દ્વારા   ભકતો સેવક સમાજના સહયોગથી મહિલાઓના શૈક્ષણિક વિકાસ અને આરોગ્ય વિકાસ સેવાઓમાં યથા યોગ્ય આશીર્વાદ ભેટ અપાઇ રહી છે. કુદરતી આપત્તિના સમયે આ આશ્રમ હંમેશા લોકોની પડખે ઉભો રહ્યો છે. શ્રી મોહનદાસ બાપાએ રાજુભાઇ ધ્રુવ, નરેન્દ્રસિંહ ઠાકુર અને અન્ય અગ્રણીઓ સાથે શાળા સંકુલમાં દિવ્યાંગ બાળકોના શૈક્ષણિક વિકાસ માટે ચાલતી વિશિષ્ટ શાળાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ અને ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે જણાવ્યુ હતુ કે સંતશ્રી મોહનદાસ બાપા વર્ષોથી બાલિકા વંદના- કન્યા પૂજન અને મહિલા સશકિતકરણની પ્રવૃત્તિઓ કરી નવતર અભિગમ અપનાવી રહ્યા છે. દેશ અને સમાજનાં વિકાસ, ઘડતર અને ભારતીય સંસ્કૃતિના રક્ષણ સંવર્ધનમાં આપણા સંતો મહંતોનો ફાળો અમુલ્ય રહ્યો છે. આપણા સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રાજયના વિકાસ માટે અથાગ પ્રયત્નો કરી કરી રહ્યા છે અને લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ભારતને વિશ્વગુરૂ બનાવવા અથાગ પુરૂષાર્ણ કરી રહ્યા છે. ત્યારે આવા સંતો મહંતોના આશીર્વાદ મહત્વપૂર્ણ બની રહે છે. કાર્યક્રમમાં શહેરની બાળ જેટલી શાળાઓની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીનીઓ માટે સમૂહ પ્રસાદની વ્યવસ્થા કરાઇ હતી. રૂપાવટી આશ્રમના મુંબઇ, ભાવનગર, રાજકોટ જેવા સ્થળોએથી ભકતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધોળકીયા સ્કુલવાળા કૃષ્ણકાંતભાઇ ધોળકીયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, ધર્મેશભાઇ મીનાવાલા, રત્નેશભાઇ, અશોકભાઇ ગાંધી, ભરતભાઇ મુંજીયાસરા, પ્રકાશભાઇ મીઠાણી, ઇશ્વરભાઇ ડોડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સંચાલન ભાવેશભાઇ માધાણીએ કર્યુ હતુ. કાર્યક્રમની સફળતા માટે જગદીશભાઇ રઘાણી, કીરીટભાઇ ગોરસીયા, જીજ્ઞેશભાઇ લોટીયા, નીકુંજભાઇ લોટીયા, પંકજભાઇ શેઠ, સંજયભાઇ લોટીયા, રમેશભાઇ કારાવડીયા, પ્રદીપભાઇ ધાબલીયા, મહેન્દ્રભાઇ મહેતા, કેતનભાઇ કાચલીયા, રશ્મિનભાઇ ઘાટલીયા, રાકેશ તલાટી, કેયુર શ્રીમાંકર, અલ્પેશ ધ્રુવ, કમલેશભાઇ શાહ, ડો. જીજ્ઞેશ તલાટી, શાળાના આચાર્યશ્રી સોનલબેન ફળદુ, શિક્ષિકાઓ, ભકતો, કાર્યકરો અને આશ્રમના સેવકગણે જહેમત ઉઠાવી હતી.

(11:45 am IST)