Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડો બીજા દિવસે પણ સજ્જડ બંધ

કેન્દ્ર સરકાર દ્વારા ૧ કરોડના રોકડ ઉપર ૨ ટકા ટીડીએસ લાગુ કરવાના નિયમનો વેપારીઓ દ્વારા ઉગ્રવિરોધઃ ગઈકાલે બંધમાં ન જોડાયેલ વિસાવદર, જૂનાગઢ, અમરેલી, મોરબી તથા જેતપુર યાર્ડ બંધમાં જોડાયા

તસ્વીરમાં યાર્ડમાં બીજા દિવસે પણ દુકાનો બંધ નજરે પડે છે

રાજકોટ, તા. ૨ :. કેન્દ્ર સરકાર દ્વારા ૧લી સપ્ટેમ્બરથી ૧ કરોડની રોકડ ઉપાડવા ઉપર ૨ ટકા ટીડીએસ લગાડવાના નિર્ણયના વિરોધમાં આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડો આજે બીજા દિવસે પણ બંધ રહેતા કરોડોનું ટર્નઓવર ઠપ્પ થઈ ગયુ હતું.

કેન્દ્ર સરકારે ૧ કરોડની રોકડ ઉપાડવા પર બે ટકા ટીડીએસનો નિર્ણય લાગુ કરતા આ નિર્ણયના વિરોધમાં ઉંઝા સહિત ઉત્તર ગુજરાતના તમામ માર્કેટીંગ યાર્ડમાં ૧લી સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલનું એલાન આપ્યુ છે. ઉંઝા યાર્ડના વેપારીઓને સમર્થન આપી સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશને બે દિવસ યાર્ડમાં હડતાલનું એલાન આપ્યુ હતું.

ગઈકાલ બાદ આજે કેન્દ્ર સરકારના બે ટકા ટીડીએસ લાગુ કરવાના નિર્ણયના વિરોધમાં આજે રાજકોટ યાર્ડ સજ્જડ બંધ રહ્યુ હતું અને તમામ જણસીઓની હરરાજી ઠપ્પ થઈ જતા લાખોનું ટર્નઓવર અટકી ગયુ હતુ. રાજકોટ યાર્ડ સાથે સૌરાષ્ટ્રના તમામ યાર્ડો બંધ રહેતા કરોડોનું ટર્નઓવર ઠપ્પ થઈ ગયુ છે.

બે દિ'ના યાર્ડ બંધના એલાનમાં ગઈકાલે બંધમા ન જોડાયેલ વિસાવદર, જૂનાગઢ, અમરેલી, મોરબી તથા જેતપુર યાર્ડના વેપારીઓએ બંધ પાળી હડતાલને ટેકો જાહેર કર્યો હતો. ગઈકાલે ગોંડલ યાર્ડના વેપારીઓ પણ હડતાલમાં જોડાયા ન હતા. આજે ગોંડલ યાર્ડમાં સવંત્સરીની જાહેર રજા છે.

સૌરાષ્ટ્ર એમપીએમસી વેપારી એસોસીએશનના પ્રમુખ અતુલ કામાણીએ જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર દ્વારા એક કરોડની રોકડ ઉપાડવા પર બે ટકા ટીડીએસ લગાડવાના નિર્ણયના વિરોધમાં ઉંઝા યાર્ડના વેપારીઓએ આપેલ બંધના એલાનને સમર્થન આપવા રાજકોટ યાર્ડના વેપારીઓ સહિત સૌરાષ્ટ્ર યાર્ડના વેપારીઓ બંધ પાડી ટેકો જાહેર કરેલ છે. આવતીકાલથી રાજકોટ સહિત તમામ યાર્ડો રાબેતા મુજબ ચાલુ થઈ જશે.

(11:43 am IST)