Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ગ્રીનલેન્ડ ચોકડીએ એલપીજી ગેસનું ટેન્કર ઉંધુ વળ્યું: સવાર સુધી પોલીસ-ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી

પીપાવાવથી ટેન્કર આવ્યુ હતું: રાત્રે બારેક વાગ્યે બનાવઃ અચાનક આડે ઉતરેલા શખ્સને બચાવવા જતાં ચાલકે કાબુ ગુમાવ્યોઃ સદ્દનસિબે લિકેજ ન થતાં દૂર્ઘટના ટળી

રાજકોટઃ કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી નજીક રાત્રીના બારેક વાગ્યે લાલપરી નદીના પુલ પર જીજે૦૬એએકસ-૮૯૯૧ નંબરનું એલપીજી ગેસનું ટેન્કર ઉંધુ વળતાં ટ્રાફિક જામ થઇ ગયો હતો. બનાવની જાણ થતાં બી-ડિવીઝન પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝ, પીએસઆઇ ડામોર, વિરમભાઇ ધગલ સહિતનો કાફલો પહોંચ્યો હતો. ટ્રાફિક પોલીસની ગાડીઓ પણ પહોંચી હતી અને ટ્રાફિક કલીયર કરાવવા તજવીજ કરી હતી. રાહદારી હિરેનભાઇએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ ઝાલાએ તાકીદે ફાયર બ્રિગેડને જાણ કરતાં સ્ટેશન ઓફિસર ઝીંઝુવાડીયા, ડ્રાઇવર જગદીશભાઇ, ફાયરમેન હરદેવસિંહ, અલ્તાફભાઇ, રવજીભાઇ સહિતની ટીમ પહોંચી ગઇ હતી. ટેન્કરમાંથી ગેસ લિક થયો નહોતો. આમ છતાં તકેદારી રૂપે ફાયર બ્રિગેડને પાણીનો મારો કર્યો હતો. પોલીસ અને આઇઓસીના સેફટી ઓફિસર તથા ફાયર બ્રિગેડની ટીમોએ મળી પ્રાઇવેટ ક્રેઇન બોલાવી ટેન્કરને સીધુ કર્યુ હતું. એક ફાયર ફાઇટર દ્વારા કૂલીંગ માટે પાણીનો મારો ચાલુ રખાયો હતો. સદ્દનસિબે લિકેજ ન થવાથી કોઇ જાનહાની થઇ નહોતી. આઇઓસીના સેફટી ઓફિસર અભિષેક રાવત સતત હાજર હતાં. રાતથી સવાર સુધી પોલીસ, ફાયર બ્રિગેડ અને આઇઓસીની ટીમો કામે લાગી હતી. મહાવીર રોડલાઇન્સના મુકેશભાઇના કહેવા મુજબ આ ટેન્કર પીપાવાવથી ગેસ ભરીને રાજકોટ ડેપોમાં આવ્યું હતું. અચાનક એક વ્યકિત રોડ વચ્ચે દોટ મુકીને આવતાં તેને બચાવવાના પ્રયાસમાં ચાલકે કાબુ ગુમાવતાં ઉંધી વળ્યું હતું. તસ્વીરમાં ઉંધુ વળેલુ ટેન્કર અને તેને ક્રેઇનથી મહામહેનતે ઉભુ કરાયું તે કામગીરીના દ્રશ્યો જોઇ શકાય છે. 

(11:30 am IST)