Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

સીન ભારે પડ્યાઃ ઇન્દ્રજીતસિંહે લોકોમાં ભય ફેલાય એ રીતે જીપ સળગાવી ને મિત્ર વાળંદ યુવાને વિડીયો ઉતાર્યો!:બંનેની ધરપકડ

મિત્રને ગણપતિ ઉત્સવમાં જીપ આપવી'તી પણ ટાણે જ ચાલુ ન થઇ એટલે બાપુને ગુસ્સો ચડી ગયો... : કોઠારીયા રોડ હુડકો ફાયર બ્રિગેડ પાસેના બનાવમાં ભકિતનગર પોલીસે બંને સામે ગુનો નોંધી કાર્યવાહી કરી

પોતાની જીપને સળગાવનાર ઇન્દ્રજીતસિંહ પ્રથમ તસ્વીરમાં જોઇ શકાય છે (આગ લગાડી ત્યારે શ્રાવણ માસની દાઢી વધારેલો ચહેરો હતો). બીજી તસ્વીરમાં ઇન્દ્રવિજયસિંહ (સફેદ શર્ટ, દાઢી ઉતરાવી નાંખેલી) તથા મિત્ર મુન્નો વાળંદ (ટી-શર્ટમાં) જોઇ શકાય છે

રાજકોટ તા. ૩: કોઠારીયા રોડ પર હુડકો ફાયર બ્રિગેડ સામે જ ગઇકાલે દરબાર શખ્સે પોતાની જ જીપ સળગાવી નાંખી હતી અને તેના મિત્રએ તેનો વિડીયો ઉતાર્યો હતો. આ વિડીયો વાયરલ થયા બાદ ભકિતનગર પોલીસે તપાસ કરી બંનેને શોધી કાઢ્યા હતાં. લોકોમાં ભય ફેલાય અને જાનહાની થાય તેવું કર્યુ હોઇ કામ જાણીજોઇને કર્યુ હોઇ બંને સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

ભકિતનગર પોલીસ મથકના પીએસઆઇ પી. બી. જેબલીયાએ ફરિયાદી બની કોઠારીયા રોડ આશાપુરા સોસાયટી-૧માં રહેતાં અને પારસી અગીયારી ચોકમાં ઓટો પાર્ટસની ઓફિસ ધરાવતાં ઇન્દ્રજીતસિંહ નાથુભા જાડેજા (ઉ.૩૩) તથા તેના મિત્ર કોઠારીયા રોડ હુડકો કવાર્ટર સી-૧૯૯માં રહેતાં અને વાળંદ કામ કરતાં નિમેષ ઉર્ફ મુન્નો અમૃતલાલ ગોહેલ (વાળંદ) (ઉ.૨૮) સામે આઇપીસી ૨૮૫, ૧૧૪ મુજબ જાહેર રોડ પર જાણીજોઇને લોકોમાં ભય ફેલાય અથવા જાનહાની થાય એ રીતે જીપ નંબર પીયુટી-૪૧૬૧ને જ્વલનશીલ પ્રવાહીથી સળગાવવા અને વિડીયો ઉતારવા સબબ ગુનો નોંધ્યો હતો.

ગઇકાલે આ વિડીયો વાયરલ થતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી એચ.એલ. રાઠોડે જાહેરમાં આવુ જોખમી કૃત્ય કરનારને શોધી કાઢવા સુચના આપતાં પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, નિલેષભાઇ મકવાણા, રણજીતસિંહ પઢારીયા, કોન્સ. વાલજીભાઇ જાડા, ભાવેશભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ ઝાલા, હિતેષભાઇ અગ્રાવત, રાજેશભાઇ ગઢવી, મનિષભાઇ શિરોડીયા સહિતે તપાસ શરૂ કરી હતી.

તપાસ શરૂ થતાં વિડીયોમાં જીપ સળગાવનાર યુવાન ઇન્દ્રજીતસિંહ જાડેજા હોવાનું અને આશાપુરાનગરમાં તેનું રહેણાંક હોવાની માહિતી મળતાં તેને સકંજામાં લઇ પુછતાછ કરતાં તેણે કબુલ્યું હતું કે પોતાની માલિકીની જીપ ગણેશ ઉત્સવમાં મિત્રોને આપવાની હતી. પરંતુ ખરે ટાણે જ સેલ્ફનો પ્રોબ્લેમ ઉભો થયો હતો. થોડા દિવસ પેહલા સેલ્ફ રિપેર કરાવ્યો હતો છતાં આવુ થતાં પોતાને ગુસ્સો આવ્યો હતો અને જાહેરમાં જ જીપને સળગાવી દીધી હતી. આ વખતે મિત્ર નિમીષ ઉર્ફ મુન્ના વાળંદે વિડીયો ઉતાર્યો હતો. આ કેફીયત પરથી બંને સામે જાહેરમાં જોખમી કૃત્ય કરવા સબબ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી અને કાયદાનું ભાન કરાવાયું હતું.

એસીપી એચ.એલ. રાઠોડ અને પી.આઇ. વી. કે. ગઢવીએ સવારે આ અંગે મિડીયા સમક્ષ વિગતો જાહેર કરી હતી.

(2:03 pm IST)