Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

શાસ્ત્રોકત દ્રષ્ટિએ નોરતા સુધી વરસાદના યોગ,ચૌદસનું શ્રાધ્ધ ઘટે છેઃ તા. ૨૯મીએ પહેલુ નોરતુ

પૂર્વ અને ઉતરા ફાલ્ગુની, ચિત્રા, સ્વાતિ વગેરે નક્ષત્રોની સવારી આવી રહી છે : હવનની આઠમ ૬ ઓકટોબરે, દશેરા તા. ૧૦મીએઃ ૨૮ ઓકટોબરે નૂતન વર્ષ

રાજકોટ, તા. ૨ :. જન્માષ્ટમીના તહેવારો પુરા થતા હવે ભાદરવા અને આસો મહિનાના તહેવારો નજીક આવ્યા છે. આજથી ગણપતિ ઉત્સવ શરૂ થયો છે. વિઘ્નહર્તા અને વરસાદદાતા બન્નેએ આજે સાથે જમાવટ કરી છે. આવતા દિવસોમાં નોરતા સુધી વરસાદ વરસે તેવા શાસ્ત્રોકત દ્રષ્ટિએ યોગ છે.  શાસ્ત્રી લલિતકુમાર લાભશંકરભાઈ ભટ્ટના કથન મુજબ ૩૧-૮થી પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનો પ્રારંભ થયો છે. તેનુ વાહન અશ્વ છે. સૂર્ય-ચંદ્ર સાથે છે. આ સમયમાં પર્વતીય વિસ્તારમાં વધુ વરસાદના અને મેદાન વિસ્તારમાં વધુ પવનના યોગ છે. ૧૪ સપ્ટેમ્બરથી ૨૬ સપ્ટેમ્બર સુધી ઉતરા ફાલ્ગુની નક્ષત્ર છે. તેનુ વાહન મોર છે. સૂર્ય-ચંદ્ર સંલગ્ન છે. તેમા પણ વરસાદ વરસી શકે છે. ૨૭ સપ્ટેમ્બરથી ૧૦ ઓકટોબર સુધી હાથીયો નક્ષત્ર છે. તેનુ વાહન ગધેડો છે. આ નક્ષત્ર વરસાદ સૂચવે છે. ૧૧ ઓકટોબરથી ૨૭ ઓકટોબર સુધી ચિત્રા નક્ષત્ર છે તેનુ વાહન દેડકો છે. ત્યાર પછી ૬ નવેમ્બર સુધી ઉંદરના વાહનવાળુ સ્વાતિ નક્ષત્ર છે. વિવિધ નક્ષત્રો અને શાસ્ત્રોકત દ્રષ્ટિએ મળતા સમીકરણો નોરતા સુધી વ્યાપક વિસ્તારોમાં હળવા-ભારે વરસાદના સંકેત આપે છે.

શાસ્ત્રીજીએ જણાવેલ કે, આ વખતે એક શ્રાધ્ધ ઘટે છે. નોરતા પુરા નવેનવ છે. ૧૪ સપ્ટેમ્બરથી પૂનમથી શ્રાધ્ધનો પ્રારંભ થાય છે. ચૌદસનો ક્ષય છે તેથી ચૌદસનું શ્રાદ્ધ તા. ૨૭મીએ તેરસની સાથે થશે. તા. ૨૮મીએ અમાસે શ્રાદ્ધ પુરા થશે. તા. ૨૯-૯થી નવરાત્રિ પ્રારંભ થશે. ૬ ઓકટોબરે હવન અષ્ટમી છે. દશેરા ૮ ઓકટોબરે ઉજવાશે. ૨૭ ઓકટોબરે દિપાવલી પર્વ અને બીજા દિવસે તા. ૨૮મીએ બેસતુ વર્ષ છે. ૨૯મીએ ભાઈબીજ અને ૧ લી નવેમ્બરે લાભપાંચમનો તહેવાર આવી રહ્યો છે.

(8:52 am IST)