Gujarati News

Gujarati News

News of Saturday, 3rd August 2019

દશામાન વ્રતના દિવસોમાં પરપ્રાંતના ભીખારીઓ ગુજરાતમાં ઉતરી પડે છે : સાવધ રહેવા જન વિજ્ઞાન જાથાની અપીલ

મૂર્તિ ઉપરાંત વ્રતની ચોપડી, સીડી, ડીવીડી, કેસેટ સહીતનો ધમધોકાર કારોબાર

રાજકોટ તા. ૩ : શ્રધ્ધાળુઓની શ્રધ્ધા સાથે ખીલવાડ થતો હોય તેમ ૧ ઓગસ્ટથી ૧૦ ઓગસ્ટ સુધી ઉજવાતા દશામાના વ્રત અને શ્રાવણ માસને ધ્યાને લઇ પરપ્રાંતના ભીખારીઓ ગુજરાતમાં ઉતરી આવતા હોય લોકોએ સાવધ બનવા ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા અપીલ કરાઇ છે.

જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવેલછે કે દશામાનું વ્રત ચાલુ થાય એટલે દશામાની મૂર્તિ અને તેમના વાહન સાંઢણીની મૂર્તિનું ધમધોકાર વેંચાણ ચાલુ થઇ જાય છે. એજ રીતે સાધના - કથાની ચોપડી, કેસેટો, સીડીઓનું પણ જબ્બર વેંચાણ થાય છે. આ વ્રત દરમિયાન ૨૫૦ કરોડનો આવો કારોબાર ચાલતો હોવાનો અંદાજ લગાવી શકાય છે. જેનો મહત્તમ ફાયદો વેપારીઓ ઉપરાંત ચાલાક ભુઇમા અને લેભાગુઓ ઉઠાવે છે. ધૂણવાના કે ચમત્કારના નામે પણ ભાવીકોને ભોળવી જવાતા હોવાના સંખ્યાબંધ કિસ્સાઓ નોંધાય છે.

વ્રતની ચોપડીમાં જો તમે બીજાને આ ચોપડીનો પ્રચાર નહી કરો તો માતાજી આફતમાં મુકશે તેવી બીક લેભાગુઓ દ્વારા બતાવવા આવી હોય છે. આવી બધી બાબતોમાં લોકોએ નહીં ભોળવાઇ જવા અને શ્રધ્ધા બરાબર છે પરંતુ અંધશ્રધ્ધા સુધી નહીં જવા વિજ્ઞાન જાથા દ્વારા અપીલ કરાઇ છે.

વ્રતના સમાપન સમયે મૂર્તિ કે સાંઢણીને પીવાના પાણીના સ્ત્રોતોમાં પધરાવવામાં આવે છે. તે પણ અયોગ્ય છે. પીવાનું પાણી પ્રદુષિત થવાની જન આરોગ્ય જોખમાય છે. પ્રદુષણનો વિચાર કરી મૂર્તિઓને અમુક સમય એકાંતમાં રાખી ખાતર તરીકે ઉપયોગમાં લઇ શકે અથવા પીવા માટે પાણીનો ઉપયોગ થતો ન હોય તેવા ચેકડેમોમાં પધરાવવા વિજ્ઞાન જાથાના જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) એ યાદીના અંતમાં અપીલ કરી છે.

(11:42 am IST)