Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

લક્ષ્મીનગરના રામેશ્વર મહાદેવ-ખોડિયાર મંદિરમાં બિભત્સ પત્રો મોકલી હેરાનગતિ

માલવીયાનગર પીઆઇને રજૂઆતઃ પુજારી નિલેષભાઇ ભટ્ટ અને તેના પરિવારજનો વિરૂધ્ધ બેફામ લખાણ

રાજકોટ તા. ૩: લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલા રામેશ્વર મહાદેવ-ખોડિયાર મંદિરમાં અવાર-નવાર બિભત્સ ભાષામાં લખાણ લખી પત્રો મોકલી મંદિરના પૂજારી નિલેષભાઇ ભોગીલાલ ભટ્ટ તથા તેના કુટુંબીજનોને સતત હેરાન કરવામાં આવતાં હોઇ આ વિસ્તારના રહેવાસીઓ તેમજ હિન્દુ વાહિની અને આરએસએસના આગેવાનો કાર્યકરોએ માલવીયાનગરના પીઆઇ એન. એન. ચુડાસમાને લેખિત રજૂઆત કરી આવા પત્રો લખી પરેશાન કરતાં લોકોને શોધી કાઢી કાયદાનું ભાન કરાવવા માંગણી કરી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે લક્ષ્મીનગરમાં આવેલા રામેશ્વર મહાદેવ-ખોડિયાર મંદિરમાં નિલેષભાઇ ભટ્ટ અને પરિવારજનો સવાર સાંજ પૂજા-આરતી કરે છે. આ પહેલા આ મંદિરમાં નશો કરનારા તત્વો પડ્યા પાથર્યા રહેતાં હતાં. લત્તાવાસીઓએ આવા તત્વોને હાંકી કાઢી બધાના સહયોગથી મંદિરમાં અનેક સુધારા કર્યા છે. મ્યુ. કોર્પોરેશન તરફથી પણ મંદિરની બાજુની આંગણવાડીમાં વૃક્ષારોપણ કરી બાળકો માટે હીંચકા-લપસીયા ફીટ કરાયા છે. અહિ વડિલો-વૃધ્ધોની પણ સતત આવ જા રહે છે. જ્ઞાતિ-જાતીના ભેદભાવ વગર સોૈ કોઇ અહિ દર્શનાર્થે આવે છે અને વાર-તહેવારે મંદિરે ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેટલાક વિઘ્નસંતોષીઓ, હિતશત્રુઓ મંદિરના સરનામે અત્યંત બિભત્સ લખાણોવાળા પત્રો મોકલે છે. ખુબ જ નિમ્ન કક્ષાની ભાષા વાપરવામાં આવે છે. ઇરાદા પુર્વક કોઇ આવું કરી રહ્યું છે. આ કારણે પૂજારી અને તેમના પરિવારજનો ભયભીત થઇ ગયા છે. તેમના વિશે ખુબ જ ખરાબ ભાષા પત્રોમાં લખવામાં આવે છે. એકાદ પત્રમાં  લિખીતંગમાં પંચવટી-રાધાનગરના રહીશો એવું લખ્યું છે. પોલીસે આવા પત્રો લખનારાને તાકીદે શોધી કાઢી પગલા ભરે તેવી માંગણી છે.

રજૂઆતમાં મંદિરના પ્રમુખ નિલેષભાઇ ભટ્ટ, ઉપપ્રમુખ હસમુખસિંહ ગોહિલ, ટ્રસ્ટીઓ હસુભાઇ લાઠીયા, કિર્તીભાઇ રાઠોડ, વિક્રમસિંહ ગોહિલ, મજબૂતસિંહ જાડેજા, ભૂપતભાઇ ભટ્ટ, રામદેવસિંહ ગોહિલ, રવિરાજસિંહ રાણા, ભવ્ય દવે, જગદીશભાઇ વરમોરા, પંકજભાઇ તુવર, મહેશભાઇ પરસાણા, હિન્દુ વાહિનીના હરપાલસિંહ જાડેજા, બ્રિજેશ પાંડે, આનંદસિંગ તથા આર.એસ.એસ.ના રમણિક રાઠોડ, ભરત વેકરીયા, અનિશ બેચરા, શશીભાઇ શાહ, રોહિત રામાણી, યજુર્વેન્દ્રસિંહ રેવર, મહેન્દ્ર ટાંક, રાજુ લાઠીયા તથા સી. જે. ગ્રુપના ચિરાગ ધામેચા, ગોબરભાઇ હરણેશા, અરવિંદ ઝરીયા, સંદિપ શાહ, પ્રકાશ બગથરીયા, પ્રકાશ સહાની સહિતના જોડાયા હતાં.

(3:31 pm IST)