Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ખંઢેરીના મેદાનમાં સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ ટી-૨૦ ટુર્નામેન્ટ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા તા.૧૪ થી ૨૨ સુધી આયોજન : આઈપીએલ જેવી જ સટાસટી જામશે : પાંચ ટીમો વચ્ચે જામશે જંગ, સૌરાષ્ટ્રના ૧૦૦ જેટલા ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ભાગ લેશે : ચેતેશ્વર પૂજારા, રવિન્દ્ર જાડેજા ભાગ નહિં લઈ શકે : ક્રિકેટપ્રેમીઓ માટે ફ્રી એન્ટ્રી : અજય જાડેજાની ઉપસ્થિતિમાં આજે સાંજે લોન્ચીંગ સેરેમની : ૧૪મીએ ઓપનીંગ સેરેમનીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આમંત્રણ : તમામ મેચોનું સ્ટાર સ્પોટ્ર્સ ઉપર જીવંત પ્રસારણ

રાજકોટ : સૌરાષ્ટ્રના ઉગતા ક્રિકેટરોને એક વધુ પ્લેટફોર્મ મળે તેવા હેતુ સાથે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ખંઢેરીના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ ટી- ૨૦ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનની આ ખૂબ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ૧૪મી મેથી શરૂ થશે અને ફાઇનલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં ૨૨ મી મે રોજ યોજાશે.

સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ (એસપીએલ)ના લોગોનું અનાવરણ કર્યા પછી, સ્ટેડિયમ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાના મિત્રોને સંબોધિત કરતા બીસીસીઆઈના પૂર્વ સચિવ શ્રી નિરંજનભાઈ શાહે જણાવ્યું હતું કે ટી -૨૦ ફોર્મેટ વધુને વધુ લોકપ્રિય બની રહ્યું છે અને આઈપીએલ ટુર્નામેન્ટ વિશ્વભરમાં સૌથી લોકપ્રિય ક્રિકેટ ટુર્નામેન્ટ તરીકે ઉભરીઆવી છે, ત્યારે અમે વિચાર્યું કે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ (એસપીએલ) શરૂ કરવાથી સમગ્ર સૌરાષ્ટ્રના યુવાન અને ઉભરતા ક્રિકેટરોને એક નવું પ્લેટફોર્મ મળશે અને તેમની ક્રિકેટ કેરિયરના નવીતકના દ્વાર પણ અહીંથી ખુલશે.

છેલ્લા કેટલાક દાયકાઓમાં, સૌરાષ્ટ્રની ટીમે ક્રિકેટના તમામ ફોર્મેટમાં ખૂબ જ સારો દેખાવ કર્યો છે અને સૌરાષ્ટ્રએ ચેતેશ્વર પૂજારા, રવિન્દ્ર જાડેજા, જયદેવ ઉનડકટ અને અન્ય ઘણા સારા છે અને આ ક્રિકેટરોએ ભારતીય ટીમમાં સ્થાન પામીને સૌરાષ્ટ્રનું નામ પણ રોશન કર્યું છે. મને ખૂબ વિશ્વાસ છે કે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ (એસપીએલ) દરમિયાન સૌરાષ્ટ્રના અનુભવી ક્રિકેટરોની સાથે નવોદિત અને ઉભરાતા ક્રિકેટરોને ટામવાની તક મળશે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના જોઇન્ર્ટ સેક્રેટરી શ્રી મધુકરભાઈ વોરાએ જણાવ્યું હતું કે અમે અન્ડર ૧૪થી લઈને અંદર ૨૨ સુધીની અનેક ડીસ્ટ્રીકટ મેચના આયોજન કર્યા છે અને આજે સૌરાષ્ટ્રની ટીમમાં દરેક શહેર અને નાના ગામડામાંથી પણ ક્રિકેટરો આવે છે ત્યારે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ (એસપીએલ) દ્વારા સૌરાષ્ટ્રના ક્રિકેટરોને ટી ૨૦ મેચનો વધારે અનુભવ પણ મળશે અને તેમનું ક્રિકેટ કૌશલ્ય વિકસાવવા માટે પણ આ ટુર્નામેન્ટ બહુજ મહત્વની સાબિત થશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ઇતિહાસમાં આ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ (એસપીએલ) એક વધુ સુવર્ણ પેઈજ ઉમેરશે તેવો મને વિશ્વાસ છે.જે પાંચ ટીમ પસંદ થઇ છે તેમના ખેલાડીઓની ડ્રાફ્ટ ૪ મેના રોજ કરવામાં આવશે અને તમામ ટીમોની પ્રેકિટસ પણ સ્ટેડિયમ પણ શરુ કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ (એસપીએલ) વિષે વધુ માહિતી આપતા સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ કેપ્ટન અને સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ (એસપીએલ)ના ગવર્નિંગ બોડી મેમ્બર જયદેવ શાહે કહ્યું કે આ અમારૃં પ્રથમ વર્ષ છે પરંતુ આ અમારી દર વર્ષની વાર્ષિક ઇવેન્ટ બની જશે અને આ ટુર્નામેન્ટ દર વર્ષે યોજાશે.. આ વર્ષે અમે સૌરાષ્ટ્રની પાંચ ટીમ પસંદ કરી છે જેમાં સૌરાષ્ટ્રના ઐતિહાસિક ઇતિહાસ સાથે નામ જોડવામાં આવ્યા છે . ટીમોના નક્કી થયેલા નામોમાં સોરઠ લાયન્સ, ગોહિલવાડ ગ્લેડીયેટર્સ, હાલાર હીરોઝ, ઝલાવાડ રોયલ્સ અને કચ્છ વોરિયર્સ છે..

સૌરાષ્ટ્રના કેટલાક શ્રેષ્ઠક્રિકેટરો પણ આ ટુર્નામેન્ટ માં રમવા જઈ રહ્યા છે અને વિવિધ ટીમ ફ્રેન્ચાઇઝના માલિકો તરફથી અમને આશ્ચર્યજનક રીતે બહુ જ ઉત્સાહપ્રેરક પ્રતિસાદ મળ્યો છે અને વિવિધ કોર્પોરેટ ગૃહો દ્વારા સપોર્ટ મળ્યો છે.આ ટુર્નામેન્ટ દરમિયાન રમાનાર તમામ ૧૧ મેચો સ્ટાર સ્પોટ્સ એચડી ૧ ચેનલ પર લાઈવ પ્રસારિત કરવામાં આવશે અને સાથોસાથ હોટસ્ટાર પર પણ લાઈવ જોઈ શકાશે.

આજે શુક્રવારે સાંજે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ ટી- ૨૦ ટૂર્નામેન્ટ લોન્ચિંગ સમારંભ અંગે બોલતાં, જયદેવ શાહે જણાવ્યું હતું કે તમામ ફ્રેન્ચાઇઝી ટીમના માલિકોને નિરંજન શાહ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનની ગવર્નિંગ બોડી ટીમ દ્વારા વેલકમ કરવામાં આવશે . આ લોન્ચિંગ સેરેમનીમાં ટ્રોફી પણ લોન્ચ કરવામાં આવશે શહેરના ૧૦૦ ટોચના પ્રતિષ્ઠિતો મહાનુભાવો અને સૌરાષ્ટ્ર કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરોને આમંત્રિત કરાયા છે. સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ (એસપીએલ) ૧૪ મી મેથી શરૂ થશે અને સૌરષ્ટ્ર પ્રીમિયર લીગ (એસપીએલ) ની પ્રથમ મેચની શરૂઆત કરવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ ખાસ હાજર રહેવાની શકયતા છે, એમ જયદેવ શાહે ઉમેર્યું હતું.

સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ (એસપીએલ)ની આ પ્રથમ આવૃત્ત્િ।માં કોઈ ટિકિટ રાખવામાં આવી નથી સૌરાષ્ટ્રના ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમમાં આવીને તમામ મેચો ફ્રી માં જોઈ શકશે. આ પત્રકાર પરિષદમાં શ્રી નિરંજનભાઈ શાહ (બીસીસીઆઈના પૂર્વ સચિવ), શ્રી મધુકરભાઈ વોરા (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. જોઈન્ટ સેક્રેટરી), શ્રી નીતિનભાઈ રાયચુરા, શ્રી સુરૂભાઈ દોશી અને શ્રી હિમાંશુભાઈ શાહ (મીડિયા મેનેજર) ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

૫ ટીમો - માલિકો

(૧) હાલાર હિરોઝ (માલિક - અજય જાડેજા, ટેકમેટ એન્જીનિયરીંગ સોલ્યુશન્સ, જામનગર)

(૨) ડી.જી. ગોહિલવાડ ગ્લેડીએટર્સ (માલિક - દિપક નાકરાણી, ડી.જી. નાકરાણી - રાજકોટ)

(૩)  સોરઠ લાયન્સ (માલિક - નરેશ જૈન, જુપિકોર્સ સ્પોટ્ર્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટ - એલએલપી - રાજકોટ)

(૪) ઝાલાવડ રોયલ્સ (માલિક - ગુરપ્રિતસિંઘ - જીએસએચ સ્પોટ્ર્સ ગ્લોબલ એલએલપી - રાજકોટ)

(૫) નિલકંઠ કચ્છ વોરિયર્સ (માલિક - ચંદ્રશેખર અયાચી, નિલકંઠ કોન્કાસ્ટ પ્રા. લી. - આદિપુર - કચ્છ)

મોટાભાગના મેચો સાંજે ૭:૩૦ વાગ્યાથી શરૂ થશે

(૧) તા.૧૪ હાલાર હિરોઝ વિ. કચ્છ વોરીયર્સ (૨) તા.૧૫ સોરઠ લાયન્સ વિ. ઝાલાવડ રોયલ્સ (૩) તા.૧૬ હાલાર હિરોઝ વિ. ગોહિલવાડ ગ્લેડીએટર્સ (૪) તા.૧૭ ગોહિલવાડ ગ્લેડીએટર્સ વિ. ઝાલાવડ રોયલ્સ (૫) તા.૧૮ હાલાર હિરોઝ વિ. ઝાલાવડ રોયલ્સ (બપોરે ૩:૩૦ વાગ્યે), સોરઠ લાયન્સ વિ. કચ્છ વોરિયર્સ (૬) તા.૧૯ ગોહિલવાડ ગ્લેડીએટર્સ વિ. કચ્છ વોરીયર્સ (બપોરે ૩:૩૦ વાગ્યે), સોરઠ લાયન્સ વિ. હાલાર હિરોઝ (૭) તા.૨૦ ગોહિલવાડ ગ્લેડીએટર્સ વિ. સોરઠ લાયન્સ (૮) તા.૨૧ ઝાલાવડ રોયલ્સ વિ. કચ્છ વોરિયર્સ (૯) તા.૨૨ ફાઈનલ.

ખંઢેરીના મેદાનમાં ખેલાડીઓ - દર્શકો માટે પૂરતી સુવિધા : સૌરાષ્ટ્રના ક્રિકેટરોમાં ખૂબ જ ટેલેન્ટ : નિરંજનભાઈ શાહ

રાજકોટ : બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પૂર્વ સેક્રેટરી શ્રી નિરંજનભાઈ શાહે જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગની શરૂઆત  કરવાનું ઘણા સમયથી વિચાર હતો. હાલમાં રાજકોટ સ્થિત ખંઢેરીના મેદાનમાં અમારી પાસે પુરતી સગવડતાઓ છે. ૧૨મી મેથી આઈપીએલ પુરૂ થાય છે અને ૨૩મીએ ચૂંટણીનું રિઝલ્ટ છે ત્યારબાદ તરત જ વર્લ્ડકપ પણ શરૂ થઈ રહ્યો હોય આ સમયગાળો પરફેકટ છે. સમગ્ર દેશ જાણે છે કે સૌરાષ્ટ્રના ક્રિકેટરોમાં ખૂબ જ ટેલેન્ટ છે. સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગમાં કુલ ૫ ટીમો વચ્ચે ૧૧ મેચો રમાશે. આ મેચોનું સ્ટાર સ્પોટ્ર્સ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આઈપીએલની જેમ જ ચોગ્ગા - છગ્ગા વખતે ડીજેની રમઝટ જામશે. તેઓએ ખંઢેરી સ્થિત ગ્રાઉન્ડ અંગે જણાવ્યુ હતું કે, અહિં આંતરરાષ્ટ્રીય કક્ષાના મેચો રમાઈ ચૂકયા છે. ખેલાડીઓ અને દર્શકો માટે પૂરી સગવડતા હોવાનું તેઓએ અંતમાં જણાવ્યુ હતું.

(3:31 pm IST)