Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

અર..ર..ર.. આ શું ? દવા - ઇન્‍જેકશનો બાદ હવે

શહેરમાં કોરોના ટેસ્‍ટની કીટની અછતઃ ટેસ્‍ટીંગ બુથ પર ટોળા : જબરો દેકારો

સિવિલ હોસ્‍પિટલમાં એન્‍ટીજન ટેસ્‍ટ પર બ્રેક : મ.ન.પા.ના કેકેવી ચોક અને રૈયા ચોકડીએ ટેસ્‍ટીંગ બુથ પર લોકોની જબરી ભીડ - ધમાલ મચી : રેપીડ ટેસ્‍ટીંગ પર તંત્રએ લગામ કસી : એન્‍ટીજન કીટની સંખ્‍યા અત્‍યંત મર્યાદિત હોઇ હવે આડેધડ ટેસ્‍ટીંગની ના પાડી દેવામાં આવે છે લોકોમાં ફફડાટ : તંત્ર હવે કોરોના સામે હાંફવા લાગ્‍યું હોય તેવો ઘાટ ઘડાયો

રાજકોટ તા. ૩ : શહેરમાં છેલ્લા અઠવાડિયાથી કોરોના સંક્રમણ ઝડપી ગતિથી વધવા લાગ્‍યું છે ત્‍યારે બે દિવસ અગાઉ દવા - ઇન્‍જેકશનનો જથ્‍થો ખાલી થયાની ફરિયાદો ઉઠી હતી અને હવે કોરોના ટેસ્‍ટ માટેની એન્‍ટીજન કિટ ખલાસ થઇ જતાં જબરો દેકારો બોલી ગયો છે.

આ અંગે અત્‍યંત આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્‍ત વિગતો મુજબ આજે સવારથી એન્‍ટીજન કીટની અછત દેખાવા લાગતા કોરોનાના રેપીડ ટેસ્‍ટ તેમજ આડેધડ ગમે-તે વ્‍યકિતને કરવામાં આવતા ટેસ્‍ટીંગ બંધ કરી દેવાયા છે.

જાણવા મળ્‍યા મુજબ સિવિલ હોસ્‍પિટલે ગઇકાલથી પ્રવાસીઓ માટે કોરોના ટેસ્‍ટ બંધ કરી દીધા છે અને આજે એન્‍ટીજન કીટ ખલાસ થઇ જતાં હવે માત્ર અત્‍યંત જરૂર હોય તેવા લોકોને આર.ટી.પી.આર. ટેસ્‍ટ કરવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે મ.ન.પા. દ્વારા રૈયા ચોકડી તથા કેકેવી ચોકમાં શરૂ કરાયેલ ટેસ્‍ટીંગ બુથમાં પણ સવારે ટેસ્‍ટીંગ ખૂટી જતાં ટેસ્‍ટીંગ અટકી પડયું હતું અને બંને બુથ પર લોકોના ટોળા જમા થવા લાગ્‍યા હતા જેથી મોટી ધમાલ મચી હતી.

આ ઉપરાંત મ.ન.પા.ના આરોગ્‍ય કેન્‍દ્રોમાં પણ એન્‍ટીજન ટેસ્‍ટ અત્‍યંત મર્યાદામાં થઇ રહ્યાનું તેમજ હવે સ્‍ટોરમાં માત્ર બે - ચાર દિવસ ચાલે તેટલી જ કીટ હોવાનું સૂત્રોએ જણાવેલ.

સુપર સ્‍પ્રેડરના ટેસ્‍ટ થતાં જ નથી

આમ એન્‍ટીજન કીટની અછત હોવાથી શહેરમાં મ.ન.પા.એ હજુ સુધી શાકભાજી ફેરિયા, ફૂડ ડીલિવરી બોય, વેપારીઓ બજાર વિસ્‍તાર વગેરેમાં સુપર સ્‍પ્રેડરના કોરોના ટેસ્‍ટ શરૂ થયા નથી અને રસીકરણ ઉપર વધુ ભાર મુકવામાં આવી રહ્યો છે.  આમ, શહેરમાં કોરોનાના દવા ઇન્‍જેકશનો બાદ હવે ટેસ્‍ટીંગ માટેની એન્‍ટીજન કીટ ખૂટવા લાગતા લોકોમાં જબરા ફફડાટ સાથે દેકારો બોલી ગયો છે અને સરકાર તાત્‍કાલીક કીટ ફાળવે તેવી માંગ ઉઠી રહી છે.

(3:48 pm IST)