Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

સો કરોડની જમીનમાં કૌભાંડ કરવા ખોટા કાગળો ઉભા કર્યાની ગોપાલ બાસીડા વિરૂધ્ધ લેખિત ફરિયાદ

મુકેશભાઇ લુણાગરીયાની રાજકોટ રેવન્યુ સર્વે નં. ૫૮ પૈકીની જમીનના ખરા માલિકો દિનેશભાઇ, મુકેશભાઇ અને રમેશભાઇ લુણાગરીયા છેઃ આ જમીનનો બાસીડા દ્વારા ખોટા દસ્તાવેજોને આધારે દાવો દાખલ કરાયાની ફરિયાદઃ ૧ કરોડ ૩૯ લાખ ૭૫ હજાર ૫૦૦ની રકમ ચુકવી હોવાનો મનસ્વી કરારઃ હકિકતે ૨૦ હજારથી વધુની રકમ હોય તો ચેકથી ચુકવવી પડે અને કરાર કે દસ્તાવેજોની નોંધણી ફરજીયાત હોય છે છતાં ખોટા દસ્તાવેજને આધારે દાવો કરાયાની રજૂઆત

રાજકોટ તા. ૩: અમીન માર્ગ પર ટાગોરમાં સિયારામ ખાતે રહેતાં પટેલ વેપારી રમેશભાઇ પોપટભાલ લુણાગરીયાએ રણછોડનગર સોસાયટી-૪માં રમેશ કુંજ ખાતે રહેતાં ગોપાલભાઇ પ્રાગજીભાઇ બાસીડા વિરૂધ્ધ  અંદાજે સો કરોડની કિંમતની જમીનના ખોટા દસ્તાવેજો ઉભા કરી, તેના આધારે ખોટા દાવા લાવી મોટી રકમો પડાવવા ધમકીઓ અપાતી હોવાની લેખિત ફરિયાદ કરી છે. આ મામલે આજે યોજાયેલા લોક દરબારમાં પણ ડીસીપી ઝોન-૨ સમક્ષ રમેશભાઇ લુણાગરીયા અને પરિવારજનોએ રજૂઆત કરી છે.

રમેશભાઇએ લેખિત ફરિયાદમાં  આક્ષેપો સાથે જણાવ્યું છે કે કોંગ્રેસ કિસના સેલ રાજકોટના કન્વીનર નાગજીભાઇ બાસીડાના ભાઇ ગોપાલભાઇ બાસીડા દ્વારા જમીન કૌભાંડ કરવા ખોટા કાગળો ઉભા કરાયા છે. શહેરમાં યેનકેન પ્રકારે કોઇપણ જમીનને વિવાદી જમીન બનાવવા ખોટા કૃત્યો થઇ રહ્યા છે. તે અંતર્ગત મોરબી રોડ પર આવેલ રાજકોટના રેવન્યુ સર્વે નં. ૫૮ પૈકીની જમીનના વારસદાર મુકેશભાઇ પોપટભાલ લુણાગરીયા ભોગ બન્યા છે. તેઓએ પોલીસ કમિશ્નરશ્રી સમક્ષ ગોપાલભાઇ બાસીડા સામે ફરિયાદ કરી છે. તેમાં જણાવ્યું છે કે ગોપાલભાઇ બાસીડા ઉપરોકત જમીન કે જેના ખરા માલિકો દિનેશભાઇ પોપટભાઇ લુણાગરીયા, મુકેશભાઇ પોપટભાઇ લુણાગરીયા અને રમેશભાઇ પોપટભાઇ લુણાગરીયા સંયુકત રીતે છે તે જમીન હાલ ડેવલપ કરી રહ્યા હોઇ ધોરણસર કલેકટરશ્રીમાં ખેતીમાંથી બીનખેતીમાં ફેરવવાની કાર્યવાહી કરી છે.

આ અંગેની કાયદેસરની કાર્યવાહી ચાલતી હોઇ ગોપાલભાઇ પ્રાગજીભાઇ બાસીડા દ્વારા પ્રથમ દાદાગીરી કરી ખંડણી ઉઘરાવતા હોય એ રીતે રકમની માંગણી કરી હતી. તેને વશ ન થતાં તેઓએ ખોટા કરારને આધારે રાજકોટની દિવાની અદાલતમાં ૨૦૧૦ના વર્ષનો કહેવાતો કરારની અમલવારી કરવા દાવો કરેલ. જે કરારમાં ૧ એકરના પંચાવન લાખ લેખે જમીન વેંચાણથી આપવા કરાર થયેલ હોય અને તેના ૩૩ ટકા રકમ રૂપિયા એક કરોડ ઓગણચાલીસ લાખ પંચોતેર હાજર પાંચસો ચુકવેલ હોઇ તેવો ગેરકાયદેસરનો કરાર ૨૫/૧/૨૦૧૦ તથા રૂ. ૧૨-૦૩-૨૦૧૦ના રોજના રૂ. ૫૦ના બે સ્ટેમ્પ પેપર ડી.યુ. વકીલ એવોકેટના નામના હોય તેવા ઝેરોક્ષ સ્ટેમ્પ પેપર ઉપર કરાર કરી દાવો કરેલ છે.

ખોટા ઉભા કરેલા કરારને આધારે મનસ્વી અને આવડી મોટી રકમ એટલે કે એક કરોડ ઓગણચાલીસ લાખ પંચોતેર હજાર પાંચસો પુરા રોકડા ચકવેલનું દશાવૈલ છે. વીસ હજારથી વધુ રકમો ચુકવવા માટે ચેકથી રકમ ચુકવી શકાય તેવો કાયદો હોઇ તેમજ કોઇપણ મિલ્કત સંબંધીત દસ્તાવેજો કે કરારો નોંધણી કરવો ફરજીયાત હોઇ તેમ છતાં આવા કોઇ નોંધાયેલ ન હોઇ તેવા ખોટા ઉભા કરેલા દસ્તાવેજો આધારે દાવો કરેલ છે.  દૈનિક પત્રમાં ૨/૨/૧૮ના રોજ શ્રી હેમેન એમ. ઉદાણી, એડવોકેટ મારફ જમીનને બદનામ કરવાના ઇરાદાથી જાહેર ચેતવણી પ્રસિધ્ધ કરેલ છે અને કોઇ કરાર કયારેય મુકેશભાઇ પોપટભાઇ લુણાગરીયાએ કરેલ ન હોવા છતાં સ્ટેમ્પ પેપરના ઝેરોક્ષ કાગળો ઉભા કરી અને કહેવાતી જમીન કે જેની કિંમત સો કરોડથી વધુ થવા જાય છે તેવી જમીનની મનસ્વી રકમો દર્શાવી ખોટા કરાર કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરવા પ્રયત્ન કરતાં ખોટા દાવા કરેલ છે. તેથી તેની સામે ખોટા દસ્તાવેજો કરવા બદલ અને ખોટા દસ્તાવેજોને આધારે મોટી રકમ પડાવવાના પ્રયત્ન કરવા બદલ કાર્યવાહી કરવા અમારી માંગણી છે. તેમ લેખિત ફરિયાદના અંતમાં રમેશભાઇ લુણાગરીયાએ જણાવી પોતાની મિલ્કતનું રક્ષણ થાય તેવા પગલા ભરાવવા માંગણી કરી છે. આ અંગેની લેખિત ફરિયાદ પોલીસ કમિશ્નર કચેરી સામાન્ય અરજી શાખામાં નોંધાયેલી છે.

(3:58 pm IST)