Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

કૂચીયાદડની સાંથણીમાં અપાયેલ ૩૦ એકર જમીનની ખોટી માપણીનું કૌભાંડઃ કલેકટર દ્વારા આકરા પગલા..

૧૯૬૭ - ૭૧ - ૭૬માં સર્વે નં. રપ૬ પૈકીની પારેવાડાના સીમાડા તરફ અપાયેલ જમીનનું સ્થળ નેશનલ હાઇવે બાજુ કરી નખાયુઃ DILRના સર્વેયર-અધિકારી સામે પગલા લેવા સેટલમેન્ટ કમિશ્નરને દરખાસ્તથી સન્નાટોઃ કૂચીયાદળના તલાટી સામે પગલા લેવા ડીડીઓને રીપોર્ટઃ નેશનલ હાઇવે પાસે માપણી કરાતા લાખોની જમીન કરોડોની થઇ ગઇઃ સનસનાટીઃ અમૂક કેસો રીવીઝનમાં લઇ રદ્દ કરવાની કાર્યવાહી કલેકટર દ્વારા ચાલુઃ કલેકટર ડો.વિક્રાંત પાંડેએ મહેસૂલના નિયમો મુજબ રીવીઝનમાં લઇ રદ્દ કરવા દરખાસ્ત

રાજકોટ તા.૩ : રાજકોટ જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ કૂચીયાદળની કુલ આઠ કેસોની સર્વે નં.રપ૬ પૈકીની કુલ ૩૦ એકર જમીન કે જે જમીન વર્ષો પહેલા સાંથણીમાં અપાયેલ હતી તે જમીનની ખોટી રીતે માપણી થયાનું અને ખોટી જગ્યાએ માપણી કરી આ જમીન જે તે જવાબદારોએ બેસાડી હોય, જમીનની મુળ કિંમત લાખોની થાય તેના બદલે કરોડોની થઇ ગયાનું પણ શોધી કાઢી આ તમામ ૮ કેસોમાં ગુજરાત જમીન મહેસુલ નિયમો ૧૯૭રના નિયમ ૧૦૮ (૬) નીચે રીવીઝનમાં લઇ રદ કરવા સરકારમાં દરખાસ્ત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

હવે કુલ આવી ૩૦ એકર જેટલી જગ્યા થવા જાય છે તે ૧૬-૬-૧૯૬૭, ર૬-પ-૧૯૭૧ અને ર૭-પ-૧૯૭૬માં દલિતોને સાંથણી માટે જમીન અપાયેલ પરંતુ તેમાં જવાબદાર સર્વેયર અને તલાટી કમ મંત્રી તથા અન્ય જવાબદાર અધિકારી કે અન્યોએ મીલાપીપણા કરી આ જમીન કે જે મુળ પારેવાડાના સીમાડા તરફ પારેવાડાના ચાર બાજુ સાંથણીમાં ફાળવાયેલ, તે ૩૦ એકર જેટલી જમીનના સ્થળ બદલીને નેશનલ હાઇવે ઉપર માપી કબજો આપી દેતા જમીનની કિંમત લાખોને બદલે કરોડોની થઇ ગઇ છે અને કલેકટર તથા તેમની ટીમ દ્વારા આ બાબત શોધી કાઢી આકરા પગલા લેવાનુ શરૂ કર્યુ છે, આ માટે બે જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ દરખાસ્ત કરતા અને રિપોર્ટ કરતા ખળભળાટ મચી ગયો છે.

ટોચના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ કલેકટર દ્વારા આ આઠ કેસમાંથી અમૂક અથવા તો મોટાભાગના કેસ રીવીઝનમાં લઇ અપાયેલ સાંથણીની જમીનની મંજુરી રદ્દ કરવા અને જમીન ખાલસા કરવા અંગે કાર્યવાહી ચાલુ કરી દીધી છે. ટુંકમાં એન્ટ્રી પડી ગઇ હોય અમૂક કેસમાં તે બાબત રીવીઝનમાં લઇ એન્ટ્રી રદ કરવા અંગે કાર્યવાહી ચાલુ કરાઇ છે. જમીનની મુળ માપણી કૂચીયાદડ ગામની દક્ષિણે ગામથી ૩ કિ.મી. અંદર પારેવાડાના સીમાડા-મારગ તરફ હતી, તેના બદલે જે તે સર્વેયર અને તલાટી કમ મંત્રી અને જે તે ડીઆઇએલઆરના જવાબદાર કર્મચારી-અધિકારીએ મીલીભગત કરી કૂચીયાદડ ગામની ઉત્તરે નેશનલ હાઇવે ઉપરની સરકારી જમીનમાં કબજો બેસાડી નવા સ્થળે માપણી કરી નાંખી છે, કહેવાતા કૌભાંડકારોએ માપણીમાં આખી દિશા ફેરવી નાંખી છે, દક્ષિણના બદલે ઉત્તરે માપણી કર્યાનું બહાર આવ્યુ છે.

રાજકોટ જીલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડે આ ૩૦ એકર જેટલી જગ્યાનું આવુ થયાનું જાણી ચોંકી ઉઠયા હતા અને રાજયના સેટલમેન્ટ કમિશ્નરને દરખાસ્ત કરી નેશનલ હાઇવે ઉપર સરકારી જમીનમાં માપણી કરી આપનાર ડીઆઇએલઆરના સર્વેયર સામે પગલા લેવા તથા માપણી રદ કરવા સુચવ્યુ છે.

આ ઉપરાંત માપણી કરનાર સર્વેયર ઉપરાંત ડીઆઇએલઆરના જવાબદાર કર્મચારી-અધિકારી સામે પણ તપાસ કરી કડક પગલા લેવા સેટલમેન્ટ કમિશ્નરને દરખાસ્ત કરી છે તો માપણી કરી આપવામાં કુચીયાદડના જે તે તલાટી મંત્રીએ મદદગારી કરી હોય તેની સામે કડક પગલા લેવા જીલ્લા વિકાસ અધિકારી-ડીડીઓને પણ ભલામણ કરતા સનસનાટી મચી જવા પામી છે.

કલેકટરે માપણી કેસ સંબંધે સીટમાં કેસ મુકવા પણ નિર્ણય કર્યો હોય કુલ ૮ કેસ અંગે ભારે ઉત્તેજના પણ છવાઇ છે. (૩-૧૩)

(4:24 pm IST)