Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

સામા કાંઠાના કોલેજીયન યુવાન કનૈયા અને મિત્ર હિતેષ પર ત્રિકોણ બાગ પાસે છરીથી હુમલોઃ યુવતિનું પ્રકરણ?

યોગેશ અને વિમલ અને અજાણ્યા શખ્સે વાત કરવા બોલાવ્યા બાદ ઘા ઝીંકયાઃ બંને વિગતો છુપાવતાં હોઇ વિશેષ તપાસ

રાજકોટ તા. ૩: સામા કાંઠે રહેતાં અને કોલેજમાં અભ્યાસ કરતાં એક યુવાન તથા તેના મિત્ર પર સવારે ત્રિકોણ બાગ પાસે ત્રણેક શખ્સોએ હુમલો કરી છરીના ઘા ઝીંકી દેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોઇ છોકરીના મામલે આ હુમલો થયાની ચર્ચા છે. જો કે આ બંને પોલીસ સમક્ષ કોઇ સ્પષ્ટ વિગતો જણાવતાં ન હોઇ પોલીસે પોતાની રીતે તપાસ શરૂ કરી છે.

જાણવા મળ્યા મુજબ સંત કબીર રોડ પર રામાપીર મંદિર પાસે ભગીરથ સોસાયટી-૧૩માં રહેતો અને પ્રાઇવેટ નોકરી કરતો હિતેષ રવજીભાઇ બાંભવા (ઉ.વ.૧૯) તથા તેનો મિત્ર કનૈયાલાલ બટુકભાઇ ઝીંઝુવાડીયા (ઉ.વ.૧૯) સવારે ત્રિકોણ બાગ પાસે હતાં  ત્યારે કોઇ છરીથી હુમલો કરી ભાગી જતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજભાઇએ એ-ડિવીઝન પોલીસને જાણ કરતાં હેડકોન્સ. ભાવેશભાઇ તથા ક્રિપાલસિંહ ફરિયાદ નોંધવા માટે આવ્યા હતાં.

કનૈયાલાલ કોલેજમાં અભ્યાસ કરે છે અને હિતેષ પ્રાઇવેટ નોકરી કરે છે. બંનેને કોઇ સાથે ફોન પર વાત થયા બાદ બંને ત્રિકોણ બાગ પાસે આવ્યા હતાં અને એ પછી તેના પર ત્રણ શખ્સો છરીથી હુમલો કરી ભાગી ગયા હતાં. પોલીસે દોઢ-બે કલાક સુધી આ બંને પાસેથી માહિતી મેળવવા મથામણ કરી હતી. પરંતુ કોઇ સ્પષ્ટ વિગતો જણાવી નહોતી. લાંબી મથામણ બાદ પોતાના પર હુમલો કરનારા ત્રણ પૈકી બે શખ્સોના નામ વિમલ અને યોગેશ હોવાનું બંનેએ કહેતાં પોલીસે ગુનો નોંધવા તજવીજ કરી હતી. હુમલા પાછળ યુવતિનું કારણ હોવાની ચર્ચા છે. જો કે ઘાયલ થયેલા બંને મિત્રો સાચી વિગતો છુપાવી રહ્યા હોય તેમ જણાય છે. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

(3:40 pm IST)