Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

આજથી દેશના ટોચના કલાકારો સૂર, તાલ, નૃત્ય પ્રદર્શિત કરશે

નિઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા સપ્તરંગી સાપ્તાહિક શાસ્ત્રીય સંગીત સમારોહ 'સપ્તસંગીતિ-૨૦૨૦'નો ધમાકેદાર પ્રારંભ : પ્રથમ દિવસે વિદુષી શ્રી કલા રામનાથનું વાયોલિન વાદન માણવાનો રાજકોટવાસીઓને મોકો મળશે : સભાના પ્રથમ ચરણમાં રાજકોટના ઉભરતા કલાકાર ઉન્નતિ અજમેરા મોહિની અટ્ટમ નૃત્ય રજુ થશે

રાજકોટ : શહેરની કલા રસીક જનતાની આતુરતાનો અંત સાથે આજરોજ તા. ૩ જાન્યુઆરી શુક્રવારના રોજ  નૂતન વર્ષના આરંભ સાથે કલા આધારીત સાત દિવસનો રંગા-રંગ મહોત્સવ 'સપ્ત-સંગીતિ-૨૦૨૦' હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે સાંજથી શરુ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં દેશના ખ્યાતિ-પ્રાપ્ત અને અગ્ર પંકિતના કલાકારો સુર, તાલ અને નૃત્ય દ્વારા પોતાની કલા રજુ કરનાર છે.

સમાજ સેવા તથા રચનાત્મક કાર્યના પ્રકલ્પોને કંઇક અનોખી રીતે કરી છુટવાના ધ્યેયથી રચાયેલ નીઓ રાજકોટ ફાઉન્ડેશન છેલ્લા ત્રણ વર્ષોથી લગાતાર રાજકોટની કલાની કદરદાન પ્રજાને સતત સાત-સાત દિવસો સુધી સુર, તાલ અને નૃત્યથી તરબોળ કરી અને ૨૦૨૦ના નૂતન વર્ષે ખ્યાતનામ કલાકારોની કલા માણવાની તકરુપી ભેંટ આપવા જઈ રહી છે. વર્ષો વર્ષ રાજકોટવાસીઓનો પ્રેમ અને પ્રતિસાદ સપ્ત સંગીતિ તરફ ઉતરોતર વધી રહ્યો છે. આ વર્ષે આ નિૅંશુલ્ક કાર્યક્રમ માણવા માટે સંસ્થાની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન રુપે લોકોનો અપ્રતિમ પ્રતિસાદ સાંપડયો અને આ પડકારરૂપ કાર્યને નીઓ રાજકોટની ટીમ દ્વારા બખુબી પાર પાડવામાં આવ્યું છે.

'સપ્ત સંગીતિ ૨૦૨૦'માં આજરોજ વાયોલિન વાદક શ્રી કલા રામનાથ સાથે તબલા વાદક શ્રી રામદાસ પલસુલેનું તબલાવાદન માણવા મળશે. ૦૪ જાન્યુઆરીના રોજ જાણીતા સિતારવાદક શ્રી પુરબયન ચેટરજી સાથે ઈશાન દ્યોષનું તબલાવાદન માણવા મળશે, ૦૫ જાન્યુઆરીના રોજ જાણીતા સરોદવાદક શ્રી પાર્થો સારોથી સાથે તબલા સહયોગી તરીકે પં.યોગેશ સમસી કલા પીરસશે, ૦૬ જાન્યુઆરી એ મહાન બાસુરી વાદક શ્રી રોનુ મજુમદાર સાથે તબલા વાદક શ્રી શુભ મહારાજની સંગત રાજકોટવાસીઓને માણવા મળશે. તારીખ ૦૮ જાન્યુઆરીના રોજ રાજકોટવાસીઓને સમર્પણ ફ્યુઝન બેન્ડના ૦૬ કલાકારો દ્વારા શાસ્ત્રીય અને પાશ્યાત્ય સંગીતના ફ્યુઝનનો આનંદ માણવા મળશે. જયારે તા. ૦૯ જાન્યુઆરીની રોજ રાજકોટના આંગણે પદ્મવિભુષણ પંડિત શ્રી જસરાજજી સાથે સાથી ગાયક કલાકાર તરીકે શ્રી રતનમોહન શર્મા અને શ્રી અંકિતા જોષી જોડાશે.

આ ઉપરાંત સપ્ત સંગીતિની દર વર્ષની પરંપરા મુજબ સ્થાનિક ઉભરતી યુવા પ્રતિભાઓને પણ કલા મંચનો ભાગ બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવા જઈ રહ્યુ છે. જેમાં આ વર્ષે પાંચથી છ આપણા શહેર અને વિસ્તારના ઉભરતા કલાકારોને પોતાની કલા રજુ કરવાનો અવસર મળવાનો છે. પહેલા દિવસે સભાના પ્રથમ ચરણમાં રાજકોટના ઉભરતા કલાકાર ઉન્નતિ અજમેરાનું મોહિની અટ્ટમ નૃત્ય રજુ થશે.

આ સંગીત સમારોહની ખાસીયત એ છે કે આ સમગ્ર આયોજન રાજકોટના કલાપ્રેમી પેટ્રનોની દિલાવરીને આભારી છે, જેથી દર વર્ષની માફક તમામ કાર્યક્રમો શ્રોતાઓ માટે નિૅંશુલ્ક રહેશે.  આ સદ્યળા આયોજન નો યશ નીઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેકટર શ્રીઓને તેમજ સ્વયં સેવકોની સમર્પિત ટીમને જાય છે. ગત ત્રણેય વર્ષોના આયોજનોમાં શ્રોતાઓએ પણ વ્યવસ્થામાં પૂરતો સહકાર આપીને તમામ કાર્યક્રમોને અપ્રતિમ સફળતા અપાવી હતી.

દિવસ-૧ના કલાકાર

તબલા ઉસ્તાદ શ્રી રામદાસ પલસુલે

મુખ્ય કલાકાર વિદૂષી શ્રી કલા રામનાથ (વાયોલીન વાદક) સાથે તબલા સંગત

રાજકોટ : પંડિત રામદાસ પલસુલે એક પ્રસિધ્ધ તબલા વાદક તરીકે હિન્દુસ્તાની સંગીતના ચાહકો માટે ખૂબ જ પરિચિત નામ છે. તેમણે ખૂબ જ નાની ઉંમરે આ ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. પં. રામદાસ પલસુલે એ એન્જિીનયરીંગમાં સ્નાતકની ડીગ્રી મેળવવા છતાં તબલા વાદક તરીકે પોતાની કારકિર્દી બનાવવાનુ નક્કી કર્યુ હતુ.  શ્રી રામદાસને પ્રખ્યાત તબલા ઉસ્તાદ પંડિત સુરેશ તલવાલકરના વરિષ્ઠ શિષ્ય તરીકે ઓળખવામાં આવે છે.

તેઓ એકલ પઠન અને તબલા સહયોગી તરીકે બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેમણે સમગ્ર ભારત અને વિદેશમાં વ્યાપક પ્રવાસ કર્યો છે અને દ્યણા જાણીતા ગાયકો, વાદ્યકારો અને નૃત્યકારોની સાથે તેઓએ તબલાવાદન કર્યુ છે. વિદેશમાં  તેમણે શ્.લ્.ખ્,  કેનેડા, જર્મની, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને ગલ્ફ જેવા દેશો સહિત અનેક દેશોમાં પ્રદર્શન કર્યું છે. તેમણે ઘણા ખ્યાતનામ કલાકારો જેવા કે સ્વ.પંડિત જીતેન્દ્ર અભિષેકી, પંડિત જસરાજ, પંડિત શિવકુમાર શર્મા, પંડિત ઉલ્હાસ કાશલકર, ઉસ્તાદ શાહિદ પરવેઝ, ઉસ્તાદ સુલતાન ખાન, પંડિત વિશ્વમોહન ભટ્ટ, પંડિત તરુણ ભટ્ટાચાર્ય, ડો.એન.રાજમ, પંડિત રોનુ મજુમદાર, શ્રીમતી માલિની રાજુરકર, શ્રીમતી વીણા સહસ્ત્રબુદ્ઘ, શ્રીમતી રોહિણી ભાટે, શ્રીમતી શમા ભાટે અને શ્રીમતી. શાશ્વતી સેન સાથે તબલા સહયોગી તરીકે બખુબી ભુમિકા નિભાવી છે. હાલમાં તેઓ યુવા તબલાકારોને પ્રશિક્ષિત કરી રહ્યા છે.

સાત પેઢીથી શાસ્ત્રીય વાયોલીન વાદનની પરંપરાને જીવંત રાખનાર શ્રી કલા રામનાથ

રાજકોટ : શ્રી કલા રામનાથનો જન્મ સાત પેઢીથી શાસ્ત્રીય વયોલિન વાદનની પરંપરાને જીવિત રાખનાર પરિવારમાં થયો છે. તેમણે વાયોલિન વાદનની તાલિમ તેમના પૈતૃક કાકા પ્રોફેસર ટી. એન.ક્રીષ્નન અને પૈતૃક કાકી ડો. એન. રાજન પાસેથી લીધી છે. બાલ્યાવસ્થાથી જ તેમના કૌશલ્યને પારખીને તેમના દાદા શ્રી એન. નારાયણે તેમને શાસ્ત્રીય સંગીતની તાલીમ આપવાની શરુઆત કરી હતી. શ્રી કલા રામનાથ તેમની 'સિંગિંગ વાયોલિન' સાથે વિશ્વના શ્રેષ્ઠ, સૌથી પ્રેરણાદાયી સાધનવાદીઓમાં સ્થાન ધરાવે છે. તેઓ પ્રથમ પંડિત જસરાજના શિષ્યા બન્યા, તેમની પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવા દરમિયાન તેમણે કંઠય અવાજવાળી વાયોલિનની શોધ તરફ એક નવી ક્રાંતિની શરૂઆત કરી. આ દરમિયાન ભારતીય અને બિન ભારતીય વાયોલિન વાદનની તકનિકને સંમિશ્રીત કરીને શ્રી કલા રામનાથે 'સિંગિગ વાયોલિન' નો આવિષ્કાર કર્યો. 

તેમણે પોતાના સંગીતને ગ્રેમી એવોર્ડ નોમીનેટેડ માઇલ્સ પ્રોજેકટમાં પ્રસ્તુત કર્યો છે. યુકે થી પ્રસિદ્ધ થતા જાણીતા સોંગલાઇન મેગેઝીન એ તો વિશ્વના ૫૦ શ્રેષ્ઠ વાદ્યકારોમાં શ્રી કલા રામનાથની ગણના કરી છે અને તેના આલ્બમ કલાને શ્રેષ્ઠ ૫૦ રેકોર્ડીંગમાં સ્થાન આપ્યું છે. ધ સ્ટાર્ડ નામના વાયોલીન વાદકના બાઇબલ સમા આંતરરાષ્ટ્રીય મેગેઝીનમાં શ્રી કલા રામનાથ પહેલા અને ફ્કત એક જ ભારર્તીય વાયોલીન વાદક તરીકે સ્થાન પામ્યા છે. તેમનું સંગીત હોલીવુડના ઓસ્કર એવોર્ડ નોમીનેટેડ બ્લડ ડાઇમંડ અને બીજા દ્યણા આલ્બમમાં સ્થાન પામ્યું છે. શ્રી કલા રામનાથે ભારતના વિવિધ શહેરોમાં યોજાતા સંગીત સમ્મેલનો ઉપરાંત વિદેશમાં સિડની, પેરીસ, લંડન, સેન ફ્રાન્સીસ્કો, સિંગાપોર, ન્યુયોર્ક, જર્મની અને સ્કોટલેન્ડના એડીન્સબર્ગ  સંગીત સમારોહમાં પણ તેમની કલાનો પરિચય આપ્યો છે.

તેમને ૨૦૧૭માં ભારતનો નામાંકીત સંગીત નાટય અકાદમી પુરસ્કાર તેમના હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં વાયોલીન વાદનના તેમના પ્રદાન બદલ હાંસલ થયો છે. તે ઉપરાંત તેમને રાષ્ટ્રીય કુમાર ગાંધર્વ સન્માન, પં. જસરાજ ગૌરવ પુરસ્કાર, અને સુર રત્ન જેવા નામાંકીત એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે.

વાહનો આસપાસની શેરીઓમાં ન રાખવા : વિરાણીના મેદાનમાં નિઃશુલ્ક વ્યવસ્થા

રાજકોટ : આ વર્ષે પણ આયોજકો રાજકોટવાસીઓને અવિસ્મરણીય કાર્યક્રમોની વણઝાર આપવા કટીબદ્ઘ છે. આયોજકો દ્વારા કાર્યક્રમ માણવા આવનાર નગરજનોને પોતાના વાહન આસપાસની શેરીઓમાં ન કરવા અને વિસ્તારના રહેવાસીઓને કનડગત થાય તે રીતે ન કરવા અનુરોધ કરવામાં આવે છે. પાર્કીંગ માટે આયોજકો દ્વારા વિરાણી હાઇસ્કુલના મેદાનમાં નિૅંશુલ્ક વ્યવસ્થા હોય લોકોને શિસ્તપૂર્વક તે મેદાનમાં વાહનો પાર્ક કરવા વિનંતી કરાઇ છે. એન્ટ્રી માટે આપને મળેલ પ્રવેશ પાસની પ્રીન્ટ આઉટ સાથે રાખવી જરુરી છે. પ્રવેશ પાસમાં છાપેલ બારકોડ સ્કેન કરી પ્રવેશ અપાશે, જેથી સુચારુ વ્યવસ્થામાં સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે.

(2:33 pm IST)