Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

કલબ યુવી દ્વારા રવિવારે મા અમૃતમ - મા વાત્સલ્ય કાર્ડનો કેમ્પ

ત્રણ હજાર કડવા પાટીદાર પરિવારે મા કાર્ડ કઢાવ્યા : પાંચમીએ નાના મવા સર્કલ ખાતે વિતરણ કેમ્પ : સંસ્થાના ૧૦૮ સભ્યોની ટીમ કાર્યરત : સરકારી યોજનાનો લાભ લેવા મૌલેશભાઈ પટેલ - પુષ્કર પટેલનો અનુરોધ

રાજકોટ, તા. ૩ : કલબ યુવી દ્વારા 'મા અમૃતમ કાર્ડ તથા મા વાત્સલ્ય કાર્ડ' કઢાવી આપવા માટે કડવા પાટીદાર પરીવાર માટે રાજકોટ મહાનગરપાલિકા સાથે રહીને આયોજન કરેલ. તેમાં કડવા પાટીદાર પરીવારના ૩૦૦૦થી વિશેષ પરીવારોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવેલ અને તે અન્વયેનો કેમ્પ તા.૫ના રાખવામાં આવેલ હોવાનું કલબ યુવીના એમડી મહેન્દ્રભાઈ ફળદુ તથા મહાનગરપાલિકાના પૂર્વ ચેરમેન અને કોર્પોરેટર પુષ્કરભાઈ પટેલની યાદીમાં જણાવાયુ છે.

કલબ યુવીની ટીમે આ કાર્યવાહી  માટે અલગ અલગ ટીમો બનાવીને પ્લાનીંગ કરેલ. આ કાર્યમાં પ્રથમ મીટીંગમાં જ ૧ હજારથી વિશેષ કાર્યકરોએ ભાગ લઈ પોતપોતાના વિસ્તારમાં 'મા અમૃતમ કાર્ડ તથા મા વાત્સલ્ય કાર્ડ' માટે પ્રચાર અને પ્રસાર કરેલ. આ અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન અને કોર્પોરેટર પુષ્કરભાઈ પટેલે પાટીદાર પરીવારના ઘરે ઘરે 'મા અમૃતમ કાર્ડ તથા મા વાત્સલ્ય કાર્ડ' હોવુ જોઈએ અને તે માટે કલબ યુવીની ટીમને કામે લાગી જવા હાકલ કરતાં ૩૦૦૦ પરીવારો એટલે કે આશરે ૧૨૦૦૦ વ્યકિતઓએ 'મા અમૃતમ કાર્ડ તથા મા વાત્સલ્ય કાર્ડ'થી સુરક્ષિત કરેલ છે.

કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, વાઈસ ચેરમેન સ્મિતભાઈ કનેરીયા તથા બોર્ડ ઓફ ડાયરેકટરોનું માર્ગદર્શન નથી મળી રહેલ. તેમના માર્ગદર્શન હેઠળ કોર કમીટીના સુરેશભાઈ પટેલ, સંદિપભાઈ માકડીયા, અજયભાઈ દલસાણીયા, બીપીનભાઈ બેરા, આશિષભાઈ વાછાણી, રેનીશભાઈ માકડીયા, રોહિતભાઈ ફળદુ એ સતત કામગીરી કરેલ.

ઉલ્લેખનીય છે કે કલબ યુવી વિમેન્સ વિંગ દ્વારા આશરે ૧૦૦૦ બહેનોને મેમોગ્રાફી અને ૫૫ સ્મીયર ટેસ્ટ ફ્રીમાં કરી આપેલ. કલબ યુવીમાં ધીમે ધીમે હેલ્થ કલબ કાર્યરત થઈ રહી છે. ફેમીલીમાં અણધારી ગંભીર માંદગી આવી પડે તો તેનો આર્થિક બોજ કોઈ વખત સમગ્ર કુટુંબની આર્થિક વ્યવસ્થાને ખોરવી નાખે છે. તે બાબત કલબ યુવી દ્વારા કડવા પાટીદાર પરીવારના સભ્યોને સમજાવવામાં આવેલ અને ગુજરાત સરકારની 'મા અમૃતમ કાર્ડ તથા મા વાત્સલ્ય કાર્ડ' યોજના ખૂબ જ મદદકર્તા બની રહે છે. આ કાર્ડની ઉપયોગીતા તથા 'મા અમૃતમ કાર્ડ તથા મા વાત્સલ્ય કાર્ડ' યોજના વિશે દરેકને માહિતી હોવા છતા મોટાભાગના ફેમીલીએ હજુ સુધી કાર્ડ બનાવેલ નથી તેમ કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેકટર્સના ધ્યાનમાં આવેલ છે. તેથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન - આરોગ્ય સમિતિના સહયોગથી પાટીદાર પરીવાર માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

શ્રી પુષ્કરભાઈ પટેલે વિશેષમાં જણાવેલ કે આ કાર્ડમાં હૃદય, કિડની, મગજના રોગો, અકસ્માતના કારણે થયેલ ગંભીર ઈજાઓ, નવજાત શિશુઓના ગંભીર રોગો, કેન્સર (કેન્સર સર્જરી, કેમોથેરાપી તથા રેડીયોથેરાપી), ઘુંટણ અને થાપાના રીપ્લેસમેન્ટ તેમજ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન, લીવર ટ્રાન્સપ્લાન્ટેશન અને પેન્ક્રીયાઝ ટ્રાન્સપ્લાન્ટેશન જેવી બિમારીઓ, દાઝી ગયેલની બિમારી સહિતના નિયત થયેલ રોગો માટે શહેરની નામાંકિત હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર મળે છે. કેન્સર હોસ્પિટલ, બી.ટી.સવાણી હોસ્પિટલ, સ્ટર્લીંગ હોસ્પિટલ, એચ.સી.જી. હોસ્પિટલ, સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ, યુનિકેર હોસ્પિટલ, દોશી હોસ્પિટલ, ક્રાઇસ્ટ હોસ્પિટલ સહિતની નિયત થયેલ હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે. મા કાર્ડ આજીવન હોય છે તેથી તે રીન્યુઅલ કરાવવાની જરૂરીયાત રહેતી નથી. તેમજ મા વાત્સલ્ય કાર્ડ દર ત્રણ વર્ષે રીન્યુઅલ કરાવવાનું હોય છે.

દરેક પરીવારના દરેક સભ્યોને આ કાર્ડ કઢાવવા માટે રામભાઈ પટેલ, મનીષ સાપરીયા, વસંતભાઈ કનેરીયા, ગોપાલભાઇ પટેલ, ચેતનભાઈ ભુત, શૈલેષભાઈ ફળદુ, રમેશભાઈ ફળદુ, મનસુખભાઈ પોકર, વિમલભાઈ લાલાણી, રાજુભાઈ ધુલેશીયા, ખુશાલભાઈ ઝાલાવડીયા, કિશનભાઈ સીણોજીયા, જસ્મીનભાઈ પટેલ, નિરવભાઈ પટેલ, રજનીભાઈ ધમસાણીયા, દર્પણભાઈ કાલરીયા, પાર્થભાઈ મોટેરીયા, નમનભાઈ પટેલ, ધવલભાઈ ખાનપરા, રાજુભાઇ હાંસલીયા, ભવ્યભાઈ અઘેરા, માધવભાઈ લાડાણી, કાજલબેન પટેલ, મીરલબેન માકડીયા તથા ગોવાણી છાત્રાલયની યુવા ટીમ તથા કલબ યુવીની ૧૦૮ની ટીમ ફરજ બજાવેલ છે.

કલબ યુવીના બોર્ડ ઓફ ડાયરેકટરોમાં શ્રી મૌલેશભાઈ ઉકાણી, ચેરમેન સ્મિતભાઈ કનેરીયા, વાઈસ ચેરમેન, મહેન્દ્રભાઈ ફળદુ, એમ.ડી., શૈલેષભાઈ માકડીયા, એમ.એમ. પટેલ, જીવનભાઈ વડાલીયા, જવાહરભાઈ મોરી, મનુભાઈ ટીલવા, કાન્તિલાલ ઘેટીયા ફરજ બજાવી રહ્યા છે. તેમજ કોર કમીટી, ૧૦૮ની કમીટી, બિઝનેસ વીંગ, વિમેન્સ વિંગ, સાંસ્કૃતિક કલબ, કરાઓકે કલબ સહિતના હોદ્દેદારો આ કાર્યક્રમમાં સામેલ થયા હોવાનું યાદીમાં જણાવાયુ છે.

(2:32 pm IST)