Gujarati News

Gujarati News

News of Friday, 2nd December 2022

રાજકોટની ચારેય બેઠક માટે રાજકીય પંડીતોની માથાપચ્ચી

કયા ગીને, કયા ના ગીને, કૈસી મુશ્કીલ હો... : છેલ્લા ૧૦ વર્ષમાં એટલે કે ગત બે વિધાનસભા ટર્મમાં આ વખતે સૌથી ઓછું મતદાન રાજકીય પક્ષો-ઉમેદવારોને અકળાવનારૃઃ લોકોમાં પણ હાર-જીતની ચર્ચાઃ ભાજપના ગઢ ગણાતા પશ્ચિમમાં ગયા વખત કરતા ૧૦% ઓછું મતદાન

રાજકોટ,તા. ૨ :  શહેરની ચાર અને જિલ્લાની ચાર સહિત ૮ બેઠકો પર મતદાનમાં ગત ચૂંટણીની તુલનાએ સુસ્તી જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નજર જેના પર હતી તે પીએમ મોદીના સૌ પ્રથમ મત વિસ્તાર તેમજ વજુભાઇ વાળાના ગઢ અને વિજયભાઇ રૃપાણી બે વખત ચૂંટાયા તે રાજકોટ પશ્ચિમ બેઠક પર ૨૦૧૭નાં ૬૭ ટકા મતદાન સામે આ વખતે માત્ર ૫૭.૦૩ ટકા મતદાન થયું છે. તો રાજકોટ જિલ્લાની ૮ બેઠકો પર ગત ચૂંટણીમાં સરેરાશ ૬૬.૭૮ ટકા મતદાન સામે આ વખતે ૭ ટકાનાં મોટા ઘટાડા સાથે અંદાજિત ૬૦.૪૨ ટકા મતદાન નોંધાયું છે. ત્યારે મતદાનનો આ ઘટાડો શુ નવાજુની સર્જે છે તે આવનારો સમય જ બતાવશે.

રાજકોટ પશ્ચિમ બેઠકમાં ભાજપના દિગ્ગજ નેતાઓને પહેલેથી જ રસ રહ્યો છે અને ૨૦૦૨થી ૨૦૧૭ સુધીની ૩ ચૂંટણીમાં ત્યાં મતદાન સતત વધતું રહ્યું છે પરંતુ, ૧૫ વર્ષમાં પ્રથમવાર મતદાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. નરેન્દ્રભાઇની સભા યોજાઇ હોવા છતાં મતદારોમાં ઉત્સાહ ઘટયો છે. આ બેઠક પર પ્રથમવાર ધારાસભાની ભાજપમાંથી ચૂંટણી લડતા ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ, કોંગ્રેસના આંતરિક વિરોધ વચ્ચે જેમને ટિકીટ મળી તે મનસુખ કાલરિયા વચ્ચે મુખ્ય જંગ હતો.

રાજકોટ પશ્ચિમ ઉપરાંત રાજકોટ દક્ષિણ કે જયાં ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી રમેશ ટીલાળા ભાજપમાંથી લડે છે અને પ્રથમવાર જ ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ્યા છે, આ બેઠક ૨૦૧૨માં રચાઈ છે અને ગત બે ચૂંટણીમાં ત્યાં ૬૪ ટકાથી વધારે મતદાન થયું છે, ત્યારે આ વખતે માત્ર ૫૬.૬૦ ટકાએ મત આપ્યો છે. જોકે ભાજપ-કોંગ્રેસના બે બળિયા વચ્ચે જયાં કસોકસનો જંગ છે તે રાજકોટ પૂર્વ બેઠકમાં શહેરની ચાર બેઠકોમાં સર્વાધિક ૬૨.૨૨ ટકા મતદાન થયું છે. ગત ચૂંટણીમાં ત્યાં ૬૭ ટકા મતદાન થયું હતુ. જયારે ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે તેવા રાજકોટ ગ્રામ્ય અનામત બેઠક પર મતદાનમાં અઢી ટકા જેવો ઘટાડો થયો છે, અને ગત ચૂંટણીનાં ૬૪.૧૨ ટકા સામે આ વખતે ૬૧.૨૫ ટકા મતદાન નોંધાયું છે.

શહેરની ચારેય બેઠકના આંકડાકીય વિશ્લેષણો નીચે મુજબ છે.

રાજકોટ-૬૮

રાજકોટ શહેરમાં ધારાસભા-૬૯માં હાઇ પ્રોફાઇલ જંગ છે તો બીજી બાજુ  રાજકોટ ૬૮ (પુર્વ) માં બે બળીયા વચ્ચે ટકકર જામવા એંધાણની ભારે ચર્ચા છે.ે શહેરમાં યુ.કે. (સામાકાંઠા) તરીકે  ઓળખાતા આ મતક્ષેત્રમાં ભાજપની ટીકીટ પુર્વ મેયર અને ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ ઉદય કાનગડને મળી છે. તો સામે કોંગ્રેસે પણ પુર્વ ધારાસભ્ય  ઇન્દ્રનીલ રાજગુરૃને ટીકીટ આપી હતી.  જયારે આમ આદમી પાર્ટીમાંથી ગત કોર્પોરેશનની ચુંટણી લડેલા અને ૧૦ હજાર મત મેળવાનાર રાહુલ  ભુવા ચુંટણી લડ્યા હતા. છે. અંહી ત્રીપાંખીયો જંગ જામ્યો છે.

ઉપલાકાઠાનો વિસ્તાર જુના રાજકોટ તરીકે ઓળખાય છે. અહી જ્ઞાતિગત સમીકરણો સમજનાર પક્ષ જીતે છ.ે ૨૦૧૨ની ચૂંટણીમાં કોંગ્રેસના ઇન્દ્રનીલ જીત્યા હતા તો ૨૦૧૭માં તત્કાલીન કોર્પોરેટર અને શહેર યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અરવીંદ રૈયાણીએ ફરીથી આ બેઠક ભાજપને      અપાવી હતી. આ ચૂંટણીમાં રૈયાણી સામે  કોંગ્રેસના મિતુલ દોંગા અને આપમાંથી અજીત લોખીલ ઉમેદવારો હતા. ગત ચૂંટણીમાં અરવીંદ રૈયાણીનો ૨૩ હજાર મતોથી વિજય થયેલ અને ૨૦૨૧માં ભુપેન્દ્રભાઇની સરકારમાં રાજય કક્ષાના  વાહન વ્યવહાર મંત્રી બન્યા હતા.

૮ ઉમેદવારો વચ્ચે જામશે જંગ

 આ વખતે ભાજપ અને કોંગ્રેસે ગત વખતની ચૂંટણીના ઉમેદવારોને રીપીટ નથી કર્યા. આમ આદમી પાર્ટીદ્વારા પણ નવા ચહેરાને ટીકીટ આપવામાં આવી છે. ગઇ કાલે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસના અંતે કુલ ૮ ઉમેદવારો ચૂંટણી જંગમાં નોંધાયા છે. જેમાં ભાજપ, કોંગ્રેસ, આપ તથા ભારતીય સામ્યવાદી  પક્ષ તથા અપક્ષના ઉમેદવારો મતદારોને રીઝવવા પ્રચાર કરી રહ્યા છે.

ગત ચુંટણીમાં ભાજપે મેદાન માર્યુ હતું

વિધાનસભા ૨૦૧૨ની ચુંટણીમાં ભાજપના કશ્યપભાઇ શુકલ સામે કોંગ્રેસના ઇન્દ્રનીલભાઇ રાજ્યગુરુ ચંુટણી લડ્યા હતા. જેમાં કોંગ્રેસના ઇન્દ્રનીલભાઇ રાજયગુરુનો ૪૫૦૦ મતોથી વિજય થયો હતો. ગત ૨૦૧૨ની ચુંટણીમાં રાજકોટ -૬૮ બેઠક પરથી જીપીપીના પ્રવિણભાઇ આંબલીયાને ૧૫ હજાર મત મળ્યા હતા. ત્યારે ભાજપના ઉમેદવાર કશ્યપ શુકલનો ૪ હજાર મતે હારનો સામનો કરવો પડયો હતો. ગત વિધાનસભા૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપના અરવિંદ રૈયાણીનો કોંગ્રેસના  મિતુલ દોંગા સામે  ૨૩ હજાર મતોએ વિજય થયો હતો.

રાજકોટ-૬૯

રાજ્યમાં હંમેશા જે દર વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો-નાગરીકોનું ધ્યાન આકર્ષે છે તે રાજકોટ-૬૯ની બેઠક ઉપર બરાબરી જંગ છે. ભાજપે ઉચ્ચ શિક્ષિત અને હાલ મનપાના ડેપ્યુટી મેયર ડો.દર્શીતાબેન શાહને મેદાનમાં ઉતાર્યા હતી. રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે રાજયની સૌથી સુરક્ષીત બેઠક ઉપર મહિલા ઉમેદવારની પસંદગી કરી હતી.

બીજી તરફ કોંગ્રેસ પણ અનુભવી એવા મનસુખભાઇ કાલરીયાને ટીકીટ આપી હતી. મનસુખભાઇ પૂર્વ કોર્પોરેટર છે. તેઓએ ફોર્મ ભરવા સમયે પણ સાદગી દર્શાવી સ્કુટર ઉપર આવ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીએ આ વિધાનસભામાં સૌથી વધુ મતદાર ધરાવતા બ્રાહ્મણ સમાજના યુવાન દિનેશ જોષીને અપસેટ સર્જવાની જવાબદારી સોંપી હતી.

કુલ ઉમેદવારો

આ વખતે ભાજપ અને કોંગ્રેસે ગત વખતની ચૂંટણીના ઉમેદવારોને રીપીટ નથી કર્યા. આમ આદમી પાર્ટી દ્વારા પણ નવા ચહેરાને ટીકીટ આપવામાં આવી છે. આજે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસના અંતે કુલ ૧૨ ઉમેદવારો ચૂંટણી જંગમાં નોંધાયા છે.  

૨૦૧૭માં ભાજપનો રેકોર્ડ મતે વિજય

ભાજપ માટે ગઢ ગણાતી રાજકોટ-૬૯ની છેલ્લી બે ચૂંટણીના પરિણામો ઉપર નજર કરીએ તો, વિધાનસભા ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપના વજુભાઇ વાળા સામે કોંગ્રેસના અતુલ રાજાણી ચૂંટણી લડ્યા હતા. જેમાં ભાજપના વજુભાઇ વાળા ૨૫,૦૦૦ મતથી વિજય થયા હતા. અત્રે નોંધનીય છે કે, ૨૦૧૫માં વજુભાઇ વાળાને કર્ણાટકના રાજ્યપાલ બનાવ્યા હતા. આ બેઠક ખાલી થતા પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં ભાજપના વિજયભાઇ રૃપાણ અને કોંગ્રેસના જયંતિભાઇ કાલરીયા ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં વિજયભાઇ ૨૪,૦૦૦ મતથી વિજય થયા હતા. નોંધનીય છે કે , આ બેઠકમાંથી વિજયી થયેલા બે-બે ઉમેદવારોએ ગુજરાતના મુખ્યમંત્રીની જવાબદારી સંભાળી છે. ઉપરાંત ૨૦૧૭ સામાન્ય ચૂંટણીમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઇ સામે કોંગ્રેસ ઇન્દ્રનીલ રાજ્યગુરૃને ટીકીટ આપી હતી. જો કે વન સાઇડેડ રહેલ આ ચૂંટણીમાં વિજયભાઇનો ૫૪ હજાર કરતા વધુ મતોથી ભવ્ય વિજય થયેલ.

રાજકોટ-૭૦

રાજકોટ ૭૦(દક્ષિણ) બેઠક પર પાટીદાર , સુવર્ણ, ઓબીસી સહિતના મતદારો ધરાવતા આ મતક્ષેત્રમાં આ વખતે ભાજપે ખોડલધામનાં પુર્વ ટ્રસ્ટી, ઉદ્યોગપતી રમેશ ટીલાળાને ટીકીટ આપી હતી. તો કોંગ્રેસ રાજકોટ જીલ્લાનાં પુર્વ પ્રમુખ અને યુવા નેતા હિતેષ વોરાને લડાવ્યા. તોે 'આપ'એ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ્રસ્ટીઝનાં પુર્વ પ્રમુખ અને ખોડલધામનાં પુર્વ ટ્રસ્ટી શિવલાલ બારસીયાને જંગમાં ઉતાર્યા છે. ત્રણેય ઉમેદવારો વિધાનસભાની ચૂંટણી પ્રથમ વખત લડી રહ્યા છે અને ત્રણેય લેઉવા પટેલ છે.

વોર્ડ નં. ૧૩, ૧૪, ૧૭ અને ૧૮માં પાટીદાર મત વધુ છે. તો અન્ય ઓબીસી અને ઉજળીયાત જ્ઞાતિના મતદારો પણ એટલી જ સંખ્યામાં રહેલા છે. જુના રાજકોટના વોર્ડ નં. ૭ના ૪૨ હજારથી વધુ મત મહત્વના છે. કોઠારીયા રોડના વોર્ડ નં.૧૭ના ૬૨ હજાર અને વોર્ડ નં.૧૮ના ૨૦ હજાર મત પરિણામમાં મહત્વનો ભાગ ભજવી શકે છે. માલવીયા કોલેજ પાછળના ભાગ સહિતના વોર્ડ નં.૧૩ના અર્ધો લાખ અને કેનાલ રોડથી સોરઠીયાવાડી વચ્ચેના વોર્ડ નં.૧૪ના ૬૦ હજાર જેટલા મત પણ મુખ્ય છે. આ બંને વોર્ડમાં વેપાર ધંધા સાથે જોડાયેલી તમામ જ્ઞાતિના મતદાર પરિવારો રહે છે.

વિધાનસભામાં ૫૩ હજાર લેઉવા પટેલ અને સાતેક હજાર કડવા પટેલના મત છે. આમ પાટીદાર મતની સંખ્યા ૬૦ હજાર જેવી છે. બ્રહ્મસમાજના ૧૬ હજાર, જૈન સમાજના ૧૩ હજાર, લોહાણા સમાજના ૧૪ હજાર, સોની સમાજના ૧૨ હજાર, ક્ષત્રિય સમાજના સાડા સાત હજાર સહિતની ઉજળીયાત જ્ઞાતિના પણ ૫૦ હજારથી વધુ મત રહેલા છે. તે સિવાય ઓબીસી સમાજના મતદારોનો સરવાળો પણ મોટો થાય છે. આમ રાજકોટ-૭૦ની ચૂંટણી હોય કે કોર્પોરેશનના જુદા જુદા વોર્ડની, તમામ જ્ઞાતિના મતદારો નિર્ણાયક રહેશે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર શિવલાલ બારસીયા પણ વેપાર જગતમાંથી આવ્યા છે. તેમને પ્રચારનો વધુ સમય મળ્યો હતો. તો કોંગ્રેસના ઉમેદવાર હિતેષ વોરા પણ લેઉવા પટેલ સમાજમાંથી આવે છે. આમ ત્રણે મુખ્ય પક્ષ અહીં લેઉવા પટેલ ઉમેદવારને ટીકીટ આપી, આ બેઠક પરનો ચૂંટણી જંગ એટલો સરળ હતી તેવો મત છે.

રાજકોટ-૭૦ના કુલ મતોમાંથી ભાજપના ગોવીંદભાઇ પટેલને ૯૮,૬૦૧ મતો મળેલ અને અન્ય ૮ ઉમેદવારોની ડીપોઝીટો ડુલ થઇ હતી. ગોવીંદભાઇનો ૪૦ હજાર આસપાસ મતોથી વિજય થયો હતો.

રાજકોટ-૭૧ ખરાખરીનો જંગ

રાજકોટ ગ્રામ્યની બેઠક ઉપર બરાબરીનો જંગ જામ્યો છે. ભાજપે બે વખતના ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને ફરી ટીકીટ આપી હતી. તો કોંગ્રેસે પણ ઇલેકટ્રીક એન્જીનીયર અને જુના આગેવાન સુરેશભાઇ બથવારને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીએ રાજકીય આટાપાટામાં હોશીંયાર વશરામભાઇ સાગઠીયા ઉપર બેઠક જીતવાનો વિશ્વાસ મુકયો છે. ત્યારે ૩.૭૬ લાખ મતદારો  ધરાવતી આ બેઠક ઉપર ખરાખરીનો ખેલ જામવાનો છે. આ બેઠક અનામત છે.

અન્ય બેઠકોની જેમ આ બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવારનું નામ જાહેર થતા ઘણા લોકોને રીપીટ આશ્ચર્ય થયું હતું. પરંતુ રાજકોટમાં ચાર પૈકી બે બેઠક પર મહિલાને ટીકીટ આપવાના ભાજપના નવા વ્યુહના કારણે પણ ભાનુબેનને તક મળી ગઇ હતી. તેઓ હાલ વોર્ડ નં.૧ના કોર્પોરેટર પણ છે.

ગત ચૂંટણી વખતે છેલ્લી ઘડીએ સુરેશ બથવારનું નામ પડતું મુકીને કોંગ્રેસે વશરામભાઇ સાગઠીયાને ટીકીટ આપી હતી. ભાજપના ઉમેદવાર લાખાભાઇ સાગઠીયા સામે તેમનો પાતળી સરસાઇથી પરાજય થયો હતો. આ સાથે લાખાભાઇ સાગઠીયા પ્રથમ વખત ધારાસભામાં ચૂંટાયા હતા. ચાર બેઠક પૈકી આ એક બેઠક પર ભાજપ ઉમેદવારને રીપીટ કરશે તેવી વાત વધુ નિશ્યિત લાગતી હતી. પરંતુ તેમનું નામ પણ કપાઇ ગયું હતું અને લગભગ દર વખતે ઉમેદવાર બદલવાની પરંપરા ભાજપે ચાલુ રાખી હતી.

આ મતક્ષેત્રમાં શહેરી વિસ્તારની સુવિધા સાથે ગામડાની જરૃરીયાતોનો પણ પક્ષોએ ખ્યાલ રાખવો પડે છે. રાજકોટમાં લોકોને સ્માર્ટ સીટી જેવી સુવિધા પહોંચાડવી પડે છે. તો ગામડામાં રસ્તાથી માંડી જુદી જુદી પ્રાથમિક સુવિધાની વાત હજુ કરવી પડે છે. ગામડાના ટેસ્ટ મુજબ મતદારો સાથે ખાટલે અને પાથરણા ઉપર પણ બેસીને વાત કરવી પડે છે.

રાજકોટ-૭૧ ગ્રામ્યની બેઠક આમ તો વર્ષોથી અનામત રહેલી છે. શહેરના ત્રણ વોર્ડ ઉપરાંત શાપર-વેરાવળ, કોટડાસાંગાણી, લોધીકા તાલુકાનો સમાવેશ થયો છે.

ગ્રામ્ય મત ક્ષેત્રમાં શહેરના ૧.૯૧ લાખ અને ગ્રામ્યના મળી કુલ ૩,૭૬,૯૫૬ મતદારો રહેલા છે. મવડી વિસ્તારના વોર્ડ નં.૧૧, ૧૨ તથા ૧૮ ના મત નિર્ણાયક બનશે તેમ રાજકીય પંડીતો ગણિત માંડી રહ્યા છે.

(3:36 pm IST)