Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

એચડીએફસી બેંકના ભરણામાં ફરીથી ૧૪૧ જાલીનોટ ઘુસાડી દેવાઇ

સપ્ટેમ્બર માસમાં ૨૦-૫૦-૧૦૦-૫૦૦-૨૦૦૦ના દરની નકલી નોટો જુદી-જુદી શાખામાં મળીઆવીઃ બેંક અધિકારી હિતેષભાઇ જોષીએ ભકિતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ તા. ૨: એચડીએફસી બેંકના ભરણામાં અવાર-નવાર જાલીનોટો ઘુસાડી દેવામાં આવે છે. વધુ એક વખત આ બારામાં પોલીસ ફરિયાદ થઇ છે. ગત સપ્ટેમ્બર માસમાં એચડીએફસી બેંકની ભકિતનગર સર્કલ પાસે આવેલી કરન્સી ચેસ્ટ શાખામાં અન્ય શાખાઓમાંથી આવેલા ભરણાની નોટો તપાસતા કુલ ૧૪૧ જાલીનોટ મળી આવી છે.

આ બારામાં રામકૃષ્ણનગર-૧૪માં રોયલ પેલેસ એપાર્ટમેન્ટ ૩૦૪ ખાતે રહેતાં એચડીએફસી બેંકના અધિકારી હિતેષભાઇ ચંદ્રશંકરભાઇ જોષી (ઉ.૪૭)એ ભકિતનગર પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે આઇપીસી૪૮૯ (ખ) મુજબ ગુનો નોંધ્યો છે. બેંકના ભરણામાં જે જાલીનોટો મળી છે તેમાં રૂ. ૨૦ના દરની ૧, રૂ. ૫૦ના દરની ૧૬, રૂ. ૧૦૦ના દરની ૧૦૫, રૂ. ૫૦૦ના દરની ૭ તથા રૂ. ૨૦૦૦ના દરની ૧૨ નોટો સામેલ છે. એસઓજી પી.આઇ. એસ. એન. ગડુ અને ટીમે વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ આ રીતે આ બેંકના ભરણામાં જાલીનોટો આવતાં ગુના દાખલ કરાવાયા છે.

(3:27 pm IST)