Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

રૂ.૪ લાખના ચેક રિટર્ન કેસમાં હરીઓમ એન્જીનિયર્સના માલિક વિરૂદ્ધ અદાલતમાં ફરીયાદ

રાજકોટ : શહેરમાં સમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં હરીઓમ એન્જીનિયર્સના નામે ધંધો કરતા વસંતભાઈ શિવાભાઈ સાકરીયાએ રાજકોટમાં મહાદેવવાડી મવડી પ્લોટમાં હાઈટેક ડિઝલ સ્પેર્સના નામે છકડો રીક્ષાના ડીઝલ ઓટો પાર્ટ્સનું મેન્યુફેકચર કરતા ફરીયાદી રસીકભાઈ કાબાભાઈ અકબરી પાસેથી ધંધા માટે લીધેલ રકમ રૂ.૪,૦૦,૦૦૦ પરત કરવા ઈસ્યુ કરી આપેલ ચેક રીટર્ન થતાં ફરીયાદીએ રાજકોટના મહે. એડી. ચીફ જ્યુડી. મેજી. સાહેબની કોર્ટમાં આરોપી વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરતા અદાલતે આરોપી વસંત શિવાભાઈ સાકરીયા વિરૂદ્ધ અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.

કેસની હકીકત જોઈએ તો, રાજકોટ શહેરમાં સમ્રાટ ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં હરીઓમ એન્જીનિયર્સના નામે ધંધો કરતાં વસંતભાઈ શીવાભાઈ સાકરીયાએ રાજકોટમાં મહાદેવવાડી મવડી પ્લોટમાં હાઈટેક ડિઝલ સ્પેર્સના નામે છકડો રીક્ષાના ડીઝલ પાટ્ર્સનું મેન્યુફેકચર કરતા ફરીયાદી રસીકભાઈ કાબાભાઈ અકબરી પાસેથી ધંધા માટે રકમ રૂ.૪,૦૦,૦૦૦ સંબંધના દાવે મેળવેલ. બાદમાં ફરીયાદીએ તેઓની કાયદેસરની લેણી રકમની માંગણી કરતા તહોમતદારે કારખાનુ બંધ કરી દેતા તેનો સંપર્ક કરતા ધંધામાં ખોટ ગયેલ હોવાનું જણાવી મશીનરી બેન્કે લઈ લીધેલ હોવાનું જણાવી વહેલામાં વહેલી રકમ ચૂકવી આપવા જણાવ્યા બાદ રકમની માંગણી કરતા ફરીયાદીની કાયદેસરની લેણી રકમ અદા કરવા તહોમતદારે તેઓની બેન્કમાં ફરીયાદી જોગનો ચેક ઈસ્યુ કરી આપી ચેક પરત ફરશે નહિં, તેવા વચન, વિશ્વાસ, ખાત્રી આપી તે ભરોસે ફરીયાદીએ તેઓની બેન્કમાં ચેક રજૂ રાખતા ચેક અપૂરતા ભંડોળના કારણોસર રીટર્ન થતા તે સંબંધે ડીમાન્ડ નોટીસ પાઠવવા છતાં ફરીયાદીની રકમ આપવા બદલે ઉડાવ જવાબ આપી ફરીયાદીનું કાયદેસરનું લેણું અદા ન કરતા ફરીયાદીએ દસ્તાવેજી પુરાવા સાથે આરોપી વિરૂદ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરી રજૂઆત કરેલ કે, રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલીત થાય છે કે આરોપીએ ફરીયાદી પાસેથી પોતાના ધંધા અર્થે લીધેલ રકમ પરત કરવા ચેક આપી, તે પાસ થવા ન દઈ આરોપીએ ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે. જે રજૂઆતો ધ્યાને લઈ આરોપીને કેસમાં અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં ફરીયાદી રસીક અકબરી વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલા હતા.

(3:26 pm IST)