Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

જગતનું પ્રથમ મોક્ષકાર્ય શ્રી કૃષ્ણએ કર્યું હતું : દાદા પંડયાઃ દરેક જીવને મૃત્યુ સમયે પોતાની ભ્રમણકક્ષા હોય છે : મહેશ રાવળઃ કયાંયને કયાંય પિતૃતત્ત્વ છે, જીનેટીકલ કોડ એમની સાથે જોડાયેલો છે : યોગેશ ઠાકર

કયારેય પોતાના માતા-પિતા-વડીલ કોઇને નડે ખરા ? છોરું - કછોરું થાય, માવતર - કમાવતર થાય ? વિવાદો છતાં પ્રત્યેક હિન્દુની પરમ આસ્થાઃ પ્રેત યોનિમાંથી પિતૃ યોનીમાં ગતિ કરાવવા માટે શ્રાધ્ધ જરૂરી : કૃષ્ણ ભગવાને સોમનાથ - ત્રિવેણી સંગમમાં મોક્ષકર્મ કરાવેલ

ભાવનગર પાસે માલણકા ગામ નજીક એક નાના ગામનો માનવામાં ન આવે એવો કિસ્સો છે. એક ખેતરના તળમાં દસેક ફૂટની ઊંડાઇએ પાણી. ખેડુત જે વાવે એ સરસ સારી રીતે ઉગે.પણ લણવાનું ટાણું થાય એટલે ઉભો પાક બળી જાય. બધા ઊપાય કર્યા. કોઇએ તો વળી માલણકા ગામે રહેતા માતાજીના એક ઉપાસકની સલાહ લેવાનું કહ્યું અને એમાં તારણ એ આવ્યું કે એ ભાઇના કોઇ તદ્દન નજીકના વડીલ અવસાન પામ્યા ત્યારે કંઇક ઇચ્છા કે કોઇ દુઃખ એમને હશે. એટલે આવું બનતું હતું. આજના સમયમાં આ વાત તદ્દન આવાસ્તવિક લાગે એવી છે પરંતુ સત્યઘટના છે. અંધશ્રધ્ધા ન ફેલાય એટલે વિગત ટૂંકી કરી છે. મૂળ વાત તો ઘણી લાંબી છે.

કોઇ પણ બુધ્ધિવાદીને હંમેશા થતો આવ્યો છે એ પ્રશ્ર્ન થાય કે કયારેય પોતાના માતા-પિતા કે વડીલ કોઇને નડે ખરાં? પિતૃ તો હંમેશા આપણને સહાય કરે? છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર થાય? છતાં દર વર્ષે લાખો લોકો પોતાના પિતૃને તૃપ્ત કરવા માટે શ્રાધ્ધકાર્ય કરે છે. આધુનિક યુગમાં પણ પુરાતન એવી આ પરંપરા જીવે છે.

ગુજરાતી તારિખીયાંના ભાદરવા મહિનાના કૃષ્ણપક્ષ એટલે કે વદમાં પંદર દિવસ ચાલતાં આ શ્રાધ્ધ સાદી પરિભાષામાં કહીએ તો કુટુંબમાં કોઇ વડીલનું અવસાન થાય એમની પાછળ શા સ્ત્રના સૂચન મુજબ કરવામાં આવતું ધર્મકાર્ય છે. એમાં પિંડદાન, બ્રહ્મભોજનથી લઇને કોઇ ચોક્કસ સ્થળે પાણી રેડવા સહિતની વાત આવી જાય. શ્રધ્ધાર્થ મિદં શ્રાધ્ધ- મૃતપિતૃગણના મોક્ષના ઉદ્દેશ્યથી શ્રધ્ધાપૂર્વક થયેલા કાર્યને શ્રાધ્ધ કહે છે.  મહર્ષિ પરાશરે કહ્યું છે, દેશ,કાળ મુજબ પાત્રમાં હવિષ્યાદિ વિધી દ્વારા જે કર્મ તલ, દર્ભ અને મંત્રો દ્વારા શ્રધ્ધાથી થાય એ શ્રાધ્ધ.

જે પ્રચલિત રીત છે એ અનુસાર શ્રાધ્ધના દિવસોમાં બ્રહ્મભોજન કરાવવામાં આવે છે કે પછી જરુરતમંદ લોકોને, કયારેક પશુ-પક્ષીઓને આહાર આપવામાં આવે છે.ખીર અને લાડુ શ્રાધ્ધના ભોજનની મુખ્ય વાનગી છે. રેશનાલિસ્ટ્સ હંમેશા એક સવાલ કરતા રહે છે કે કોઇ બ્રાહ્મણને ભોજન કરાવવાથી કે કાગડાને ખીર ખવરાવવાથી એ આપણા પિતૃને કેવી રીતે પહોંચે, શા સ્ત્ર કહે છે માણસ જે શરીર ધારણ કરીને જીવ્યા હોય એના અંત એટલે કે મૃત્યુ પછી એ સુક્ષ્મશરીરે જીવિત હોય, કારણ શરીર હોય અને પછી એને અન્ય જન્મ કે અન્ય યોનિ પ્રાપ્ત થાય. પૃથ્વીલોક પર જે સ્વરુપે હોય એ સ્વરુપે એને આપણું અર્પેલું પ્રાપ્ત થાય. કોઇ વ્યકિત પિતૃને કંઇ પણ અર્પણ કરે અને જો પિતૃ દેવ થયા હોય તો એને અમૃત સ્વરુપે એ મળે. યક્ષ થયા હોય તો પાન સ્વરુપે પ્રાપ્ત થાય જો બીજા જન્મમાં પણ એ મનુષ્ય જ હોય તો અર્પણ કરેલી વસ્તુ એને અન્ન સ્વરુપે પ્રાપ્ત થઇ જાય છે.

બ્રાહ્મણ જમાડ્યે પિતૃ કેમ સંતુષ્ટ થાય એ રેશનલ પ્રશ્ર્નનો જવાબ આપતાં કૂર્મ પુરાણ કહે છે, મનુષ્ય પોતાના કર્મવશ અંતરિક્ષમાં વાયવીય શરીર ધારણ કરે છે અને બ્રાહ્મણોની સાથે ભોજન કરે છે એટલે કે શ્રાધ્ધના દિવસો દરમિયાન પિતૃ પરકાયા પ્રવેશ કરીને એમના સંતાન-વંશજનું ભોજન આરોગે છે. એક મત એવો પણ છે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં જયારે શ્રાધ્ધ આવે એ સમય કાગડાનો પ્રજનન સમય છે. ત્યારે જો એનૈ પૌષ્ટિક આહાર મળે તો સારું. એ દ્રષ્ટિકોણથી શ્રાધ્ધપક્ષમાં કાગવાસ નાંખવામાં આવે છે.

 રાજકોટ સ્થિત પ્રખર જયોતિષાચાર્ય, માતાજીના ઉપાસક દાદા બિપિનભાઇ પંડ્યા ચિત્રલેખાને કહે છે, 'સતયુગમાં આવી કોઇ પ્રણાલિ નહોતી. મહાભારતના યુધ્ધ પછી કૃષ્ણને ગાંધારીએ આપેલા શ્રાપ અનુસાર કૃષ્ણનો યદુવંશ પણ લડીને નાશ પામ્યો. આખરે કૃષ્ણે જયારે એવી ઇચ્છા વ્યકત કરી કે મારે લીલા સમાપ્ત કરવી છે ત્યારે એને એક ઋષિએ સંકેત આપ્યો કે તમારા કેટલાય વડવાઓ મૃત્યુ પછી પણ શાંતિ પામ્યા નથી. પ્રેતયોનિમાં છે એમને પિતૃયોનિમાં ગતિ આપ્યા પછી તમે પ્રયાણ કરો. જગતનું પ્રથમ મોક્ષકાર્ય  કૃષ્ણે સોમનાથ પાસે ત્રિવેણી સંગમ ખાતે કર્યું. જયાં ત્રણ નદીનો સંગમ હોય એવા સ્થળે આ કાર્ય થઇ શકે એટે કાશી, ત્રંબકેશ્વરમાં પણ થાય છે. પરંતુ સોમનાથનું મહત્વ વધારે છે કારણ કે નદી સામાન્ય રીતે પૂર્વ થી પશ્ર્ચિમ વહેતી હોય, સોમનાથમાં નદી પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરે છે અને મહાસાગરમાં સીધી ભળે છે.'

સોમપુરા બ્રાહ્મણ આજે પણ સોમનાથમાં આ વિધી કરાવે છે. દાદા બિપિનભાઇ ઉમેરે છે, 'અનફોર્ચ્યુનેટ ડેથ-અકાળે અવસાન પામ્યા હોય એવા જીવની સદગતિ થોડી મોડી થવાની શકયતા રહે છે અથવા તો એમની કોઇ ઇચ્છા અતૃપ્ત હોય છે. લાંબું સંતોષકારક જીવન જીવીને ને મૃત્યુ થાય ત્યારે એ શકયતા ઘટી જાય. એટલે અકસ્માત કે નાનીવયે અચાનક થયેલાં મોત પછી જીવને પ્રેતગતિ પ્રાપ્ત થાય. એને બીજો જન્મ સરળતાથી ન મળે એવું બની શકે. આપણા શાસ્ત્રોએ આ બધી વાત માટે જે ઉપાય સૂચવ્યા છે એમાંનો એક ઉપાય આ શ્રાધ્ધ છે. મારી પાસે આજની તારીખે એવા અનેક દાખલા છે કે મેં પોતે એમની કૂંડળી જોઇને કહ્યું હોય કે એમના કયા પિતૃના કારણે એમને કઇ મુશ્કેલી છે અને પછી એનું નિરાકરણ પણ મળ્યું છે. આખરે આ અંગત આસ્થાની વાત છે. શ્રાધ્ધ કરવું તો જોઇએ. જીવનશૈલી ગમે એટલી આધુનિક હોય એમાં વાંધો નહીં પરંતુ એને લીધે આ પરંપરા ભૂલવી ન જોઇએ.'

ગોંડલ સ્થિત મહેશ રાવળ પણ એવા જ જાણતલ અને શકિતના ઉપાસક છે શ્રાધ્ધપ્રથા વિશે એ કહે છે, 'દરેક જીવને મૃત્યુ સમયે પોતાની ભ્રમણ કક્ષા હોય. પ્રેતયોનિ,પિતૃયોનિ અને દેવયોનિ એમ ત્રણ કક્ષા છે. અને પ્રેત માંથી પિતૃયોનિ માટે મોકલવા માટે શ્રાધ્ધ કરવામાં આવે છે. એની કોઇ ઇચ્છા પૂર્તિ ન થઇ હોય, એને ગમતું કોઇ કાર્ય બાકી રહ્યું હોય તો એ પૂર્ણ કરવાનું કામ શ્રાધ્ધ દ્વારા થાય.મંત્રના સ્પષ્ટ અને સાચાં ઉચ્ચારણના વાઇબ્રેશન્સ એને વધુ દ્રઢ બનાવે. પરંતુ સૌથી મહત્વનો તો છે શ્રાધ્ધ કરનારનો ભાવ. એ જેટલો તીવ્ર હોય એટલું ફળ સારું મળે. આપણે કરેલું શ્રાધ્ધ પિતૃને પહોંચે છે કે નહીં એ તો સંપૂર્ણ પણે આસ્થાનો વિષય છે પરંતુ આપણને પોતાને એનો ઘણો સંતોષ થાય છે.' બ્રહ્મપુરાણ,ગરુડપુરાણમાં શ્રાધ્ધ વિશે વિશદ ચર્ચા છે. મહર્ષિ સુમંતુ કહે છે, શ્રાધ્ધથી શ્રેષ્ઠ અન્ય કોઇ કલ્યાણપ્રદ ઉપાય નથી. બુધ્ધિમાન મનુષ્યે શ્રાધ્ધ કરવું જોઇએ. માર્કન્ડેય પુરાણ પણ કહે છે, શ્રાધ્ધથી  સંતુષ્ટ થઇને પિતૃ દીર્ઘ આયૂ, સંતતિ,ધન,વિદ્યા, સ્વર્ગનું સુખ અને મોક્ષ આપે છે.

શાસ્ત્રો અને વિદ્વાન ગણાતા લોકોની વાત સામે વિજ્ઞાન જાથાના અગ્રણી, અંધશ્રધ્ધા સામે સતત લડતા જયંત પંડ્યા ચિત્રલેખાને કહે છે, 'મને કોઇની શ્રધ્ધા સામે વાંધો નથી પરંતુ અમે લોકો સ્પષ્ટ માનીએ છીએ કે મૃત્યુ પછીની તમામ ક્રિયા તદ્દન અવૈજ્ઞાનિક, આતાર્કિક, અવાસ્તવિક છે. માણસને માનસિક હતાશા તરફ દોરી જનારી છે. ખર્ચના ખાડામાં ઉતરીને, દેણું કરીને લોકો વિધિ કરાવે છે. જો ખરેખર પિતૃને સંતુષ્ટ કરવા હોય તો કોઇ સારા કાર્યમાં, સ્કૂલમાં, સંસ્થામાં પૈસા આપો. જમણવારમાં ખોટું ખર્ચ ન કરાય. જે લોકો માને છે એમને જ આ બધું નડે છે. જે નથી માનતા એમને કોઇ દુઃખ નથી. માનસિક રીતે નબળા લોકોએ આ બધું કરવું પડે છે. મૃત્યુ પછીની વિધિ એ બધી ખોખલી વાત છે. એને કોઇ વૈજ્ઞાનિક સમર્થન નથી. પિતૃઓ શું હિન્દુને જ છે, મુસલમાન-ક્રિશ્ચયનમાં કોઇ મૃત્યુ પામે એમના સંતાનના એ પિતૃ નથી, આ બધી વાત ખોટી છે.'

ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રના ખોજી યોગેશ ઠાકર જો કે આ વાતનો પણ જવાબ આપતાં કહે છે, 'આપણા ધર્મ સિવાય કયાંય આ વિઝન જ નથી. હિન્દુ-સનાતન ધર્મ પૂરાતન છે. બીજા કોઇ ધર્મે આવી કોઇ વાત કદાચ એટલે જ નથી કરી. હું તો ત્યાં સુધી કહું છું કે આ લોકમાં પિતૃ સંપૂર્ણ તૃપ્ત થઇને ગયા હોય પરંતુ એ લોકો જયાં છે ત્યાં પણ એમની કેટલીક ઇચ્છા હોય તો એ કોણ પુરી કરે, એમના વંશજ. અને એટલા માટે આ શ્રાધ્ધ છે. જિનેટિકલ કોડ એમની સાથે જોડાયેલો છે. એ અસર કરે. આપણા મૂડ કયારેક સારા,કયારેક ખરાબ હોય. અણધારી આફત આવે કે આફતમાંથી આપણે સારી રીતે ઉગરી જઇએ. આ બધાંમાં કયાંક આ પિતૃતત્વ છે. આપણને જાણીએ નહીં કે માનીએ નહીં એટલે વાત ખોટી જ છે એમ ન કહી શકાય.'

શ્રાધ્ધ માટેની આ ચર્ચા બન્ને પક્ષે ઘણી લાંબી ચાલે અને કદાચ કોઇ છેડો ન આવે એવું બને. જે લોકો માને છે એ બધું માને છે અને નથી માનતા એ લોકો અનેક તર્ક કરે છે. કેટલાક પ્રશ્ર અસ્થાને પણ નથી. કોઇ વળી એમ પણ કહે કે જીવતાં જ માતા-પિતાની જેટલી થાય એટલી સેવા કરીએ એ કામનું. અવસાન પછી શું, કોઇને ગમતું કામ, કોઇનું અધુરું કામ કરીએ એ પણ તર્પણ જ છે. કોઇ સારું કામ લઇને નીકળ્યું હોય અને એ અધૂરું રહે તો એ પણ શ્રાધ્ધ છે એવું પણ માનનારા લોકો છે. પરંતુ બુધ્ધિવાદ એક તરફ છે ધર્મ-શાસ્ત્ર એક તરફ. રવિવારે શ્રાવણ માસનો છેલ્લો દિવસ હતો ત્યારે જૂનાગઢના દામોદર કૂંડમાં સેંકડો લોકોએ પિતૃતર્પણ કર્યું. હજી ય શ્રાધ્ધના દિવસો દરમિયાન મેદની ઉમટી પડશે. સૌરાષ્ટ્રમાં સોમનાથ પાસે પ્રાચીતીર્થ પણ શ્રાધ્ધ માટે પ્રખ્યાત છે અને ત્રિવેણી સંગમ પણ. બાળકોનું શ્રાધ્ધ મોરબી પાસે રફાળેશ્રરમાં થાય છે અને  સ્ત્રીઓનું શ્રાધ્ધ સિધ્ધપુર પાટણમાં થાય એવી માન્યતા છે. સમય અને જીવનની રીત બદલાઇ છે. પરંતુ શ્રાધ્ધ પરથી લોકોની શ્રધ્ધા હજીય છે.

જવલંત છાયા

મો. ૯૯૦૯૯ ૨૮૩૮૭નો હેવાલ

ચિત્રલેખામાંથી આભાર

(12:16 pm IST)