Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ખેત ઉપજના ભાવ દોઢા ન મળ્યા પણ ખેડૂતોને ખર્ચ દોઢો થઈ ગયો

રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય નાનજીભાઈ ડોડિયાએ સરકારને ઢંઢોળીઃ મગફળીના ભાવ રૂ. ૬૦૦ થી ૬૫૦: ખેડૂતો લૂંટાઈ રહ્યા છેઃ ખાતર મોંઘુ થતા પડયા પર પાટુ

રાજકોટ, તા. ૨ :. ચરખડી મતક્ષેત્રના કોંગ્રેસના જિલ્લા પંચાયતના સભ્ય નાનજીભાઈ માધાભાઈ ડોડિયાએ ખેત ઉપજના વધેલા ખર્ચ અને પોષણક્ષમ ભાવના અભાવ અંગે ગઈકાલે મુખ્યમંત્રીને પત્ર પાઠવી ખેડૂતોની વેદનાને વાચા આપી છે.

નાનજીભાઈએ પત્રમાં લખ્યું છે કે, હાલ ખેડૂતોને પાક જેવા કે કપાસ-મગફળીનો અને કઠોળનો પાક પાકી ગયેલ છે અને હાલ પાક પણ ૧૦ થી ૨૫ ટકા જેવો પાકેલ છે. હાલ અમારા તાલુકામાં ભયંકર દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે. અધુરામાં અમારા માલના તળીયાના ભાવ છે. મગફળી હાલ ૬૦૦ થી ૬૫૦ માં ખેડૂતો પાસેથી લુંટાઈ છે અને કઠોળનાં તો કોઈ ભાવ જ નથી. સરકારે જાહેર કરેલ હતુ કે ખેડૂતોના ટેકાના ભાવ કરતા દોઢા ભાવ અપાવશે તો દા.ત. મગફળીનો ટેકાનો ભાવ ૯૭૫ છે, તો દોઢો ભાવ ૧૪૬૫ જેવો થાય છે. હાલ મગફળી અડધા ભાવમાં એટલે કે ૬૦૦થી ૬૫૦માં વહેંચાય છે, તો અમારા માલના દોઢા ભાવ ન મળે તો કાંઈ નહિ પણ ટેકાના ભાવ અપાવો, હાલ સિઝન ચાલુ છે. જો સરકાર વિલંબ કરશે તો ખેડૂતો લુંટાઈ જશે અને પછી વચેટીયા માલામાલ થઈ જશે. ખેડૂતોને પડીયા પર પાટુ જેવી પરિસ્થિતિ છે. ખેતીના માલનો ભાવ અડધો થયો ને અને ડીએપી ખાતર, ડીઝલ, બિયારણના અને દવાના ભાવ દોઢા કરેલ છે તો આનો અર્થ એ થાય છે કે, ખેડૂતોના માલના નહિ પણ ખેડૂતોનો ખેત જરૂરીયાતના ભાવ (ખર્ચ) દોઢા થયેલ અને ખેડૂતોની હાલત વધુ ખરાબ થયેલ છે તો વહેલી તકે ન્યાય અપાવવા રજૂઆત છે.(૨-૩)

(10:38 am IST)