Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

ન્યુ રાજકોટમાં સૌથી વધુ ૭II ઈંચ-મધ્ય શહેરમાં ૩II ઈંચ અને સામાકાંઠે માત્ર ૨II ઈંચ વરસાદ

રાજકોટ આઈ-વે પ્રોજેકટના સેન્સરમાં સવારે ૬ વાગ્યે નોંધાયા મુજબ જુદા જુદા વિસ્તારમાં વધુ-ઓછો વરસાદ પડયો : ખોખડદડીના પૂરથી આજી નદી બે કાંઠે થઈઃ આજી ઓવરફલો થયો અને નદીમાં પાણી વધ્યુઃ નદી કાંઠે એલર્ટઃ શહેરમાં બપોરે પાણી ઓસરી જતા જનજીવન ધબકતુ થયુ

રાજકોટ, તા. ૨ :. ગઈરાત્રે ખાબકેલો ૭IIથી ૮ ઈંચ જેટલા વરસાદ દરમિયાન રાજકોટ મ્યુ. કોર્પોરેશને આઈ-વે પ્રોજેકટ હેઠળ જુદા જુદા ચાર વિસ્તારના ઈલેકટ્રોનિકસ સેન્સરોમાં વરસાદના આંકડા જુદા જુદા વિસ્તારમાં વધુ-ઓછા પ્રમાણમાં નોંધાયા છે.

મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ જાહેર કર્યા મુજબ ગઈરાતથી આજે સવારે ૬ વાગ્યા સુધીમાં નાનામૌવા ચોકના સેન્સરમાં ૭II ઈંચ વરસાદ નોંધાયેલ એટલે કે ન્યુ રાજકોટનો નાનામૌવા, રૈયા, મવડી, કાલાવડ રોડ સુધીના પટ્ટામાં ગઈરાત્રે સૌથી વધુ વરસાદ પડયો હતો.

જ્યારે માધાપર ચોકડી અને હોસ્પીટલ ચોકમાં મુકાયેલા સેન્સરમાં ગઈરાતથી સવારે ૬ વાગ્યા સુધીમાં ૩II ઈંચ વરસાદ નોંધાયેલ એટલે કે મધ્ય શહેરના માધાપર ચોકથી શરૂ કરી મોચીબજાર, ત્રિકોણબાગ, બસ સ્ટેન્ડ, ગોંડલ ચોકડી, રેસકોર્ષ, જાગનાથ, સદર, જંકશન પ્લોટ, પોપટપરા, રેલનગર, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, સોરઠિયાવાડી, કોઠારિયા રોડ વગેરે વિસ્તારોમાં રાત્રે ૨થી ૪ દરમિયાન જે ધોધમાર વરસાદ થયો તેટલોજ ૩II ઇંચ વરસાદ નોંધાયેલ અને પ્રદ્યુમનપાર્ક ઝું ખાતે મૂકાયેલ સેન્શરમાં સવારે ૬ વાગ્યા સુધીમાં માત્ર ૨II ઇંચ વરસાદ નોંધાયો હતો. એટલે કે સામાં કાંઠાના દુધની ડેરી વિસ્તાર, સંતકબીર રોડ, ભગવતીપરા સુધીના પટ્ટામાં રાત્રે વરસાદનુ જોર ઓછુ રહ્યાનુ નોંધાયુ હતુ.

નોંધનીય છે કે રાત્રે ન્યુ રાજકોટ વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછુ હોવાથી પાણી ભરાવાની સમસ્યા બહુ નડી ન હતી સવારે પાણી ઓસરી જતાં બપોરે ૧૧ વાગ્યાથી જનજીવન ધબકતુ થઇ ગયુ હતુ. જયારે આજી નદી બે કાંઠે થવાનુ મુખ્ય કારણ ખોખડદડી નદીમાં પુર આવ્યાનુ છે કેમકે કોઠારિયાથી ખોખડનદી આજીમાં સમાઇ જાય છે આથી સવારે ૭ વાગ્યે આજી નદી બેકાંઠે આવી ગયેલ અને અધુરામાં પુરૂ આજી-૧) ડેમ ઓવર ફલો થતાં આ ડેમનુ પાણી પણ આજીમાં ઠલવાઇ રહયુ હતુ પરિણામે આજી નદીનુ લેવલ સવારે ૧૧ વાગ્યાથી વધી રહ્યુ હતુ આથી સાવચેતીના પગલા રૂપે નદી કાંઠે ફાયરબ્રીગેડ અને પોલીસ ત્થા ઇજનેરોની ટીમ તૈનાત કરી દેવાયેલ.

(3:12 pm IST)