Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

ઓપરેટરોના પગાર-PF જમા નહી કરનાર એજન્સી બ્લેકલીસ્ટ

ટ્વીટર ઉપર આવેલ માહિતી બાદ કલેકટર રેમ્યા મોહનનું આકરૂ પગલુઃ તમામ મામલતદારો પાસેથી રીપોર્ટ મંગાવી નિર્ણય લીધો : મિડીએટ રિક્રુટ પ્રા.લિ.નું ટેન્ડર જૂન-૨૧માં પુરૂ થતુ'તું ત્યાં બ્લેકલીસ્ટઃ સંખ્યાબંધના ૩ થી ૪ મહિનાના પગાર-પીએફ બાકીઃ અમુકના પીએફના ખાતા જ ખોલ્યા નથી

રાજકોટ, તા. ૨ :. જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને એક આકરૂ પગલુ લઈ આઉટ સોર્સીસવાળા કોમ્પ્યુટર ઓપરેટરોના ૩ થી ૪ મહિનાથી પગાર નહિ કરનાર-પીએફ જમા નહિ કરનાર અને કેટલાયના પીએફ ખાતા નહિ ખોલનાર કોન્ટ્રાકટર એજન્સી મિડીએટ રિક્રુટ પ્રા.લિ.ને ગઈકાલે બ્લેકલીસ્ટ કરતો આદેશ કરતા સનસનાટી મચી જવા પામી છે. આશ્ચર્ય અને નવાઈની વાત એ છે કે ઉપરોકત એજન્સીનું આ મહિનાની ૨૧ તારીખે ટેન્ડર પુરૂ થતુ હતુ ત્યાં ગઈકાલે સાંજે કલેકટરે બ્લેકલીસ્ટ કરતો હુકમ કર્યો છે.

ગયા મહિને એક કોમ્પ્યુટર ઓપરેટર મીતુલ પટેલે કલેકટરને ટ્વીટર ઉપર પગાર આપવા બાબતે રજૂઆતો કરી હતી, પગાર-પીએફ અંગે માહિતી આપી હતી. આ પછી કલેકટરે ઉપરોકત કોન્ટ્રાકટર એજન્સીને ૩ દિવસમાં પગાર કરવા જણાવ્યુ હતુ, પણ પગાર નહિ આપતા આકરી કાર્યવાહી કરી હતી.

કલેકટરે ટ્વીટર ઉપર આવેલ માહિતી બાદ જીલ્લાના તમામ ૧૧ મામલતદારો પાસેથી ઓપરેટરોની કામગીરી, પગાર, પીએફ અંગે વિગતવાર માહિતી મંગાવી હતી. તમામ મામલતદારોએ લેખીતમાં કલેકટરને ઓપરેટરોના લીસ્ટ સાથે અહેવાલ આપ્યો હતો. જેમા એજન્સીએ કોઈપણ ઓપરેટરના પગાર કર્યા ન હોવાની ચોંકાવનારી વિગતો ઉજાગર કરતા કલેકટરે એજન્સીને બ્લેકલીસ્ટ કરતો હુકમ કરી દીધો છે.

પશ્ચિમ મામલતદારે પોતાને ત્યાં રહેલ ૫ ઓપરેટરો ગીરીરાજસિંહ જાડેજા, રીકેશ હરસોડા, પ્રતિક કણસાગરા, પવિત્રા ત્રાડા, નાદિયા માવાણી અંગે ૩ થી ૪ મહિનાનો પગાર બાકી હોવાનું અને એકનું જ પીએફ ખાતુ ખોલ્યાનું અને તેમા પીએફ જમા નહિ થયાનું ઉમેર્યુ હતું.

તો ગોંડલ મામલતદારે ઓપરેટર હિરલ ગોસ્વામીનો ફેબ્રુઆરીથી એપ્રિલ-મે નો પગાર બાકી હોવાનું અને ૯ મહિનાનું પીએફ બાકી હોવાનું રીપોર્ટમાં જણાવ્યુ છે.

કોટડાસાંગાણી મામલતદારે ઓપરેટરો પૂજાબેન પરમાર, ભાવિન ધોળકીયા, ચૂડાસમા વિશ્વરાજસિંહ, ચૂડાસમા ધર્મેન્દ્રસિંહનો ૩ થી ૪ મહિનાનું વેતન અને ૧૦ મહિનાનું એજન્સીએ પીએફ જમા નહિ કરાવ્યાની ચોંકાવનારી વિગતો કલેકટરને આપી છે. આમ તમામ મામલતદારના રીપોર્ટ આવ્યા બાદ કલેકટર રેમ્યા મોહને ગઈકાલે સાંજે આકરા પગલા લઈ મિડીએટ રિક્રુટ પ્રા.લી. કંપનીને બ્લેકલીસ્ટ કરી તમામ મામલતદાર-ઓપરેટર તથા સરકારને જાણ કરી દીધી છે.

(3:12 pm IST)