Gujarati News

Gujarati News

News of Thursday, 2nd March 2023

રાજકોટમાં મહેન્‍દ્રસિંહ ધોની ક્રિેકેટ એકેડમીની સ્‍થાપના

ગ્રીનવુડ સ્‍કુલ અને શ્રીકાંત ક્રિકેટ એકેડમીના સહયોગથી ઉગતા ક્રિકેટરોને પ્‍લેટફોર્મ અપાશે : ગુજરાતમાં અમદાવાદ પછી રાજકોટમાં ત્રીજી શાખા : આંતરરાષ્‍ટ્રીય ભૂતપૂર્વ ખેલાડીઓ અને કોચનું માર્ગદર્શન પ્રાપ્‍ત થશે

રાજકોટ તા. ૨ : ઉગતા ક્રિકેટરોને પ્‍લેટફોર્મ મળી રહે તે હેતુથી રાજકોટમાં ગ્રીનવુડ ઇન્‍ટરનેશનલ સ્‍કુલ અને વિક્રાંત ક્રિકેટ એકેડમીના સહયોગથી મહેન્‍દ્રસિંહ ધોની ક્રિેકેટ એકેડમીની સ્‍થાપના કરાઇ છે.

આ અંગે આજે યોજાયેલ પત્રકાર પરિષદમાં ગ્રીનવુડ સ્‍કુલ અને રોજર મોટર્સના ડાયરેકટર ક્રિપાલસિંહ જાડેજા, મહેન્‍દ્રસિંહ ધોની ક્રિકેટ એકેડમીના પ્રતિનિધિ સોહેલ રૌફ, ભૂતપૂર્વ મુખ્‍ય કોચ કેશબ રંજન બેનર્જી અને સિધ્‍ધાર્થ રેડીએ વિગતો વર્ણવી હતી.

તેઓએ જણાવ્‍યુ હતુ કે એમ એસ ધોની ક્રિકેટ કોચીંગ એકેડમી આધુનિક ટેકનોલોજી, ઉચ્‍ચ કક્ષાની કોચીંગ સુવિધા અને પ્રમાણિત કોચથી સજજ છે. ગુજરાતમાં અમદાવાદ ખાતે સારૂ પરફોર્મ આપી રહી છે અને હવે ત્રીજી શાખા સૌરાષ્‍ટ્રમાં રાજકોટ ખાતે શરૂ થવા જઇ રહી છે. જે આનંદની વાત છે. સૌરાષ્‍ટ્રમાંથી ક્રિકેટમાં કારકીર્દી બનાવવા માંગતા ખેલાડીઓને ઉજવળ તક પ્રદાન થશે.

અહીં ભારતીય અને આંતરરાષ્‍ટ્રીય ભૂતપૂર્વ ખેલાડીઓ અને કોચ દ્વારા સુવ્‍યવસ્‍થિત અને અધ્‍યતન વિશ્વસ્‍તરીય ક્રિકેટનો અભ્‍યાસ કરાવાશે. યોગ્‍ય ફિટનેસ માટે પોષણ અને આહાર સંબંધી માર્ગદર્શન ડાયેટીશીયન દ્વારા પુરૂ પાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં કાલાવડ રોડ ખાતે આવેલ ગ્રીનવુડ ઇન્‍ટરનેશનલ સ્‍કુલ બાળકોને ઉચ્‍ચ કક્ષાનું પ્રશિક્ષણ પુરૂ પાડી રહી છે. ત્‍યારે રમત ગમત ક્ષેત્રે પણ કૌશલ્‍ય વિકસાવવા હવે એમ.એસ.ધોની ક્રિકેટ એકેડમી સાથે જોડાણ કરેલ છે.

સંસ્‍થામાં પહેલેથી જ મહેશ ભૂપતિ ટેનિસ એકડેમી કાર્યરત છે જ જેમાં હવે ક્રિકેટનો ઉમેરો થશે. આ સ્‍કુલમાં ૬ ક્રિકેટ પીચ તથા ર ટર્ફ પીચ, આધુનિક બોલીંગ મશીન, પીચ વિઝન ટેકનોલોજી, ફીટનેસ ઇકવીપમેન્‍ટસ, અનુભવી કક્રિકેટ કોચની સુવિધા છે. ત્‍યારે હવે એમ.એસ. ધોની ક્રિકેટ એકેડમી સાથેના જોડાણથી નવુ સિમાચિન્‍હ હાંસલ કરશે. દેશમાં મહત્‍વકાંક્ષી ક્રિકેટરો તૈયાર કરાશે.

તસ્‍વીરમાં પત્રકાર પરિષદ સંબોધતા સોહેલ રૌફ, કેશબ રંજન બેનર્જી, ક્રિપાલસિંહ જાડેજા, સિધ્‍ધાર્થ રેડ્ડી નજરે પડે છે. પત્રકાર પરિષદનું સંચાલન ભરતભાઇ જોષી (સીમ્‍પલ એડ્‍) દ્વારા કરાયુ હતુ. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(4:13 pm IST)