Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

પત્નિ અને સાસુ સાથે મોતને ભેટેલા નાડોદાનગરના કમલભાઇ દરજી માતા-પિતાનો એક જ આધાર હતાં : જેતપુર નવાગઢથી માંગરોળ જતી જાનની કારને સ્કોર્પિયોએ ટક્કર મારતાં લગ્નની ખુશીનો માહોલ શોકમાં પરિણમ્યો

દરજી યુવાન કમલભાઇએ આઠ વર્ષ પહેલા સોની યુવતિ નિશા સાથે લવમેરેજ કર્યા હતાં: નિશાબેન સાથે તેના માતા મીનાબેન વાલજીભાઇ ધકાણ (ઉ.૫૦) (રેલનગર)નું પણ મોતઃ દરજી અને સોની પરિવારમાં કલ્પાંત

કમલભાઇ સોલંકી અને તેમના ધર્મપત્નિ નિશાબેનનો ફાઇલ ફોટો

રાજકોટ તા. ૨: ગઇકાલે માંગરોળના લોએજ ગામ પાસે જેતપુર નવાગઢના દરજી પરિવારની જાનની કારને સ્કોર્પિયોએ ઉલાળતાં કારમાં બેઠેલા રાજકોટ કોઠારીયા રોડ નાડોદાનગરના દરજી યુવાનનું તેના પત્નિ અને સાસુ સાથે મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. આ અકસ્માતમાં બીજા નવ જાનૈયાઓને ઇજા થઇ હતી. કરૂણતા એ છે કે પત્નિ-સાસુ સાથે કાળનો કોળીયો બનેલા રાજકોટનો દરજી યુવાન તેના વૃધ્ધ માતા-પિતાનો એક જ આધારસ્તંભ હતો.

જાણવા મળેલી માહિતી મુજબ નાડોદાનગર-૩માં રહેતાં અને જ્વેલર્સના શો રૂમમાં નોકરી કરતાં કમલભાઇ અમરતલાલ સોલંકી (ઉ.૩૫) નામના દરજી યુવાનના કાકા કે જે જેતપુર નવાગઢ રહે છે તેના લગ્ન હોઇ ગુરૂવારે કમલભાઇ તથા તેના પત્નિ નિશાબેન સોલંકી (ઉ.૨૮) અને કમલભાઇના સાસુ મીનાબેન વાલજીભાઇ ધકાણ (ઉ.૫૦-રહે. રેલનગર સાઇબાબા સોસાયટી) રાજકોટથી જેતપુર નવાગઢ ગયા હતાં. ત્યાંથી ગઇકાલે કાકાની દિકરાની જાન માંગરોળ તરફ ગઇ હતી.

માંગરોળ માંડવી ગેઇટ નજીક બજરંગવાડીમાં લગ્ન પ્રસંગ હતો. અહિ બપોરે જમણવાર પુરો થતાં વરરાજાના પિત્રાઇ ભાઇ કમલભાઇ સોલંકી, તેના પત્નિ નિશાબેન, સાસુ મીનાબેન ધકાણ સહિતના લોકો જીજે૩કેએફ-૧૭૮૩ નંબરની મારૂતિ કારમાં બેસી લોએજ ગામે સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા ગયા હતાં. ત્યાંથી પરત માંગરોળ જતી વેળાએ રસ્તો ભુલી જતાં કાર શીલ ગામ તરફ વળી ગઇ હતી. એ વખતે સામેથી આવતી સ્કોર્પિયો કાર જીજે૩સીઇ-૮૯૭૯ના ચાલકે મારૂતિ કાર સાથે અકસ્માત સર્જતા કમલભાઇ, તેના પત્નિ નીશાબેન અને સાસુ મીનાબેનના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતાં. જ્યારે કારમાં બેઠેલા કંચનબેન વિરમભાઇ સોલંકી, રચના હમીરભાઇ સોલંકી, ઇશાબેન નારણભાઇ, વિરજીભાઇ સોલંકી સહિતને ઇજા થઇ હતી.

કરૂણતા એ છે કે મૃત્યુ પામનાર કમલભાઇના મોટા ભાઇનું અગાઉ અવસાન થયું હોઇ પોતે વૃધ્ધ માતા રંજનબેન અને પિતા અમરતલાલના એક માત્ર આધાર હતાં. કમલભાઇની સાથે જ અગાઉ નિશાબેન સોની નોકરી કરતાં હોઇ બંને વચ્ચે આઠ વર્ષ પહેલા પ્રેમસંબંધ બંધાતા પરિવારજનોની મરજીથી બંનેએ લવમેરેજ કર્યા હતાં. તેમને સંતાન નથી. નિશાબેન પણ તેમના માતા મીનાબેન ધકાણના એકના એક દિકરી હતી. મીનાબેન રેલનગર સાઇબાબા સોસાયટીમાં પોતાના બહેન રેખાબેન સાથે રહેતાં હતાં. દિકરીના સાસરિયામાં લગ્ન પ્રસંગ હોઇ મીનાબેન પણ સાથે જોડાયા હતાં. દિકરી અને જમાઇની સાથે તેમનો પણ ભોગ લેવાતાં દરજી અને સોની પરિવારોમાં શોક છવાઇ ગયો છે.

કમલભાઇ સોલંકી, તેમના પત્નિ અને સાસુની નાડોદાનગરમાંથી એક સાથે અંતિમયાત્રા નીકળી

.કમલભાઇ સોલંકી (દરજી), તેમના પત્નિ નિશાબેન સોલંકી તથા કમલભાઇના સાસુ મીનાબેન ધકાણની અંતિમયાત્રા સવારે નાડોદાનગરમાંથી નીકળી હતી. મીનાબેનને દિકરી સિવાય આગળ-પાછળ બીજુ કોઇ ન હોઇ તેમની અંતિમયાત્રા પણ દિકરી-જમાઇના ઘરેથી જ કાઢવામાં આવી હતી. આ વખતે કરૂણ દ્રશ્યો સર્જાયા હતાં.

(3:55 pm IST)