Gujarati News

Gujarati News

News of Saturday, 2nd February 2019

રાજકોટના ૯૬ હજાર કુટુંબોને સારવાર માટે વ્યકિત દિઠ ૫ લાખ અપાશે : આયુષ્યમાન કાર્ડ વિતરણ

૧૦મીએ ધર્મેન્દ્ર કોલેજ ગ્રાઉન્ડમાં 'મા વાત્સલ્ય' - 'મા અમૃતમ' અને 'આયુષ્યમાન' કાર્ડનો મેગા વિતરણ કેમ્પ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેશે : પત્રકાર પરિષદમાં વિગતો રજૂ કરતા મેયર બીનાબેન, આરોગ્ય ચેરમેન જૈમનભાઇ, કમિશ્નર બંછાનિધી

રાજકોટ તા. ૨ : કેન્દ્ર સરકારની આયુષ્યમાન કાર્ડ, માઁ અમૃતમ અને માઁ વાત્સલ્ય કાર્ડ હેઠળ નિઃશુલ્ક આરોગ્ય સેવા તથા આરોગ્ય સંદર્ભની સુવિધાની સરકારી સહાય માટે આગામી તા. ૧૦ના રોજ રાજકોટમાં આ તમામ કાર્ડનો મેગા વિતરણ કેમ્પ યોજવામાં આવનાર છે. જેમાં રાજકોટમાં ૯૬ હજાર કુટુંબોને વ્યકિત દીઠ રૂ. ૫ લાખની સહાય આપતા 'આયુષ્યમાન કાર્ડ'નું વિતરણ ગુજરાતમાં સૌ પ્રથમ વખત રાજકોટમાં થઇ રહ્યું છે.

રાજકોટ મહાનગરપાલીકા દ્વારા તા.૧૦ના રવિવારના રાજકોટ શહેરના લોક લાડીલા તથા  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની ઉપસ્થિતિમાં રાજકોટ શહેર ના વધુ માં વધુ  શહેરીજનોને આરોગ્ય ની સેવાઓનો લાભ મળી રહે તેવા ઉમદા હેતુથી ધર્મેન્દ્રસિંહજી લોં (ડી.એચ.)કોલેજ, યાજ્ઞિક રોડ ના ગ્રાઉન્ડ ખાતે 'આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત ભ્પ્-થ્ખ્ળ્)' અને 'મુખ્યમંત્રી અમૃતમ/વાત્સલ્ય  યોજના'ના કાર્ડ માટેનો મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, તેમ મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને આજે યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં જાહેરાત કરવામાં આવી હતી.

આ પત્રકાર પરિષદમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષના નેતા શ્રી દલસુખભાઈ જાગાણી, દંડક શ્રી અજયભાઈ પરમાર, મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી જયમીનભાઇ ઠાકર, તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતાં.

આ પ્રસંગે મેયર શ્રી બિનાબેન આચાર્યે એમ જણાવ્યું હતું કે, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો શહેરના મહત્તમ નાગરિકો લાભ લઇ શકે તે હેતુથી ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા આ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં 'મુખ્યમંત્રી અમૃતમ/વાત્સલ્ય  યોજના'ને પણ આવરી લેવામાં આવેલ છે. મેયરે વિશેષમાં એમ કહ્યું હતું કે, આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓને ઘેર ઘેર પત્રિકા પહોંચાડી આ વિશે જાણકારી આપવામાં આવી રહી છે.

આ અવસરે મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એમ કહ્યું હતું કે, નાગરિકો માટે અત્યંત આશીર્વાદરૂપ એવી આયુષ્યમાન ભારત યોજના તેમજ 'મુખ્યમંત્રી અમૃતમ'  અને 'માં વાત્સલ્ય  યોજના'થી વધુ ને વધુ લોકો માહિતગાર થાય અને એક જ સ્થળે એક જ સમયે સૌ લાભાર્થીઓને આ યોજનાના કાર્ડ આપવા માટેની પ્રક્રિયા થઇ શકે તેવા શુભ હેતુથી આ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી જયમીનભાઇ ઠાકરે વિશેષ માહિતી એમ કહ્યું હતું કે, શહેરના તમામ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ ખાતે આયુષ્યમાન ભારત યોજના તેમજ 'મુખ્યમંત્રી અમૃતમ' અને 'માં વાત્સલ્ય  યોજના'ના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવેલ છે. આ ઉપરાંત મેગા કેમ્પ વખતે પણ દિવ્યાંગ ભાઈ-બહેનોને કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે તેવા આશયથી તેઓ માટે અલગથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સામાજિક, આર્થિક અને જાતિ આધારીત SECC સર્વેક્ષણ ૨૦૧૧અંતર્ગત નોધયેલા અને નિયત માપદંડો ધરાવતા ગ્રામ્ય અને શહેરી વિભાગના લાભાર્થીઓને ગુજરાત તેમજ અન્ય કોઈ પણ રાજયમાં આયુષ્માન  ભારત અંતર્ગત જોડાયેલ ખાનગી હોસ્પિટલોમાં, સરકારી, અર્ધ સરકારી હોસ્પિટલોમાં વાર્ષિક કુટુંબદીઠ રૂ. ૫,૦૦,૦૦૦ (પાંચ લાખ ) સુધીની વિના મુલ્યે આશરે ૧૭૯૫ પ્રકારની  પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી બીમારીઓ સામે આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવે છે.રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આ યોજના અંતર્ગત આશરે ૯૬૦૦૦ જેટલા લાભાર્થીઓને લાભ મળવા પાત્ર છે. રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તાર માં ૨૫ જેટલી ખાનગી હોસ્પિટલો આ યોજના હેઠળ સંલગ્ન છે.

મેગા કેમ્પ અગાઉનાં દિવસોમાં રાજકોટનાં મર્યાદિત લાભાર્થીઓને આરોગ્ય શાખા નાં આશા વર્કર અને એ.એન.એમ દ્વારા રાજયમાંથી ફાળવેલ પ્રધાનમંત્રી પત્ર (સ્લીપનું) વોર્ડ વાઈસ ઘરે ઘરે જઈને વહેચણી કરશે.

આ સ્લીપ મળેલ કુટુંબના દરેક સભ્યે આ પ્રધાનમંત્રી પત્ર (સ્લીપનું) સાથે પોતાનું અસલ આધારકાર્ડ અને  બારકોડેડ રેશન કાર્ડ લઈને કેમ્પના સ્થળે તા.૧૦.૨.૨૦૧૯ ના સવારે ૮.૩૦વાગ્યે આવાનું રહેશે. આ કાર્ડ લાભાર્થી એનરોલ થયા બાદ ૧મહિના પછી મળશે.

આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ગંભીર પ્રકારની બીમારીઓમાં કેશલેસ સારવાર, એક ઉત્તમ પ્રકારની  ગુણવત્ત્।ાસભર તબીબી સારવાર મને ઉંચા તબીબી ખર્ચ સામે નાણાકીય સુરક્ષા મળી રહે તે માટે ગુજરાત રાજયના તમામ જીલ્લાઓમાં  ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો માટે મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજનાનો લાભ મળશે. 'મા' અને 'મા વાત્સલ્ય' યોજનાના તમામ લાભાર્થીઓને યોજના હેઠળ નિયત કરેલ ગંભીર બીમાંરીઓ અને પ્રોસીજરો માટે વાર્ષિક રૂ. ૩,૦૦,૦૦૦ સુધીની કેશલેસ સારવાર મળવાપાત્ર રહેશે.

આ યોજના નો લાભ વાર્ષિક ૩ લાખથી ઓછી આવક ધરાવતા માધ્યમવર્ગીય કુટુંબો તેમજ વાર્ષિક ૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા સીનીયર સીટીઝનને મળશે

તા.૧૦ના રવિવારના મેગા કેમ્પના આયોજનના ભાગ રૂપે આ યોજનાનું કાર્ડ કઢાવવા માટે રાજકોટ શહેર ની ૧૮ મુખ્ય વોર્ડ ઓફીસ પરથી ફોર્મ મળશે જે લાભાર્થી એ ફોર્મ ની વિગત ભરી ને ૧) બારકોડેડ રેશન કાર્ડ  ૨) આધારકાર્ડ/ ચુંટણી કાર્ડ ૩) મામલતદાર નો ૩,૦૦,૦૦૦ થી ઓછીં આવકનો દાખલો આટલા ડોકયુમેન્ટ સાથે તા. ૬ સુધીમાં લાગત વોર્ડ ઓફીસમાં જમા કરવાનું રહેશે.

આ ફોર્મ જમા કરાવ્યા બાદ વોર્ડ ઓફીસમાંથી કેમ્પના અગાઉના દિવસોમાં ટોકન નં. લાભાર્થીને મળશે જે લઈને કેમ્પ સ્થળ પર તા.૧૦ના સવારે ૮.૩૦ વાગ્યે  દર્શાવેલ ટોકન ની જગ્યાએ જવાનું રહેશે. આ કાર્ડ લાભાર્થી એનરોલ થયા બાદ ૧૫ થી ૨૦ દિવસ પછી મળશે. 

રાજકોટ મહાનગરપાલિકાના માન. મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, માન. આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર તેમજ સર્વે પદાધિકારીઓ દ્વારા શહેરીજનોને આ મેગા કેમ્પનો લાભ લેવા ખાસ અપીલ કરવામાં આવે છે.

પત્રકાર પરિષદના પ્રારંભે આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકરે ઉપસ્થિત સૌ મહાનુભવો તેમજ પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ, તસવીરકારો અને કેમેરામેનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે નાયબ કમિશનર ડી. જે. જાડેજા અને નાયબ કમિશનર ચેતન ગણાત્રા ઉપરાંત ઈ.ચા. આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.(૨૧.૨૨)

માં અમૃતમ - માં વાત્સલ્ય અને આયુષ્યમાન કાર્ડમાં  સારવારની કોઇ હોસ્પિટલ ના પાડે તો જિલ્લા પંચાયતના પ્રોજેકટ ઓફિસરનો સંપર્ક કરો

રાજકોટ તા. ૨ : રાજ્ય સરકારના માં અમૃતમ - માં વાત્સલ્ય અને આયુષ્યમાન કાર્ડ જે હોસ્પિટલમાં માન્ય છે ત્યાં લાભાર્થીઓને સારવાર આપવાની ના પાડવામાં આવે તો જિલ્લા પંચાયતના ડિવીઝન પ્રોજેકટ ઓફિસર નિખિલ જાદવનો મો.નં. ૯૭૨૭૭ ૧૭૧૯૩ ઉપર ફરિયાદ કરવા કોર્પોરેશનના નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડે જાહેર કર્યું હતું.

રાજકોટની આ ૨૫ હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ મફત સારવાર

વેદાંત હોસ્પિટલ અને પ્રસુતિ ગૃહ

ડો. વિવેક જોષી, યુરોલોજીકલ હોસ્પિટલ

યુરોકેર હોસ્પિટલ

બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ

કેશીભાઈ મહેતા આંખની હોસ્પિટલ

સદભાવના હોસ્પિટલ, મેડીકલ રીસર્ચ સેન્ટર

ક્રિષ્ના પ્રસુતિ ગૃહ અને ગાયનેક હોસ્પિટલ

શાંતિ મલ્ટી સ્પેશિયાલિસટી હોસ્પિટલ

રાજકોટ કેન્સર સોસાયટી અને એલાઈડ હોસ્પિટલ

વેદાંત હોસ્પિટલ

હરીલાલ જેચંદ દોશી હોસ્પિટલ ટ્રસ્ટ

ઓલ્ય્મ્પાસ હોસ્પિટલ તન્ના હેલ્થ પ્રા. લી.

શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ

સહયોગ હોસ્પિટલ પ્રા.લી.

ક્રાઈસ્ટ હોસ્પિટલ

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ

એચ.સી.જી. હોસ્પિટલ

યુનીકેર હોસ્પિટલ

સ્ટર્લિંગ હોસ્પિટલ

શ્રેયાંસ હોસ્પિટલ

સહયોગ હોસ્પિટલ

નેત્રદીપ આંખની હોસ્પિટલ પ્રા.લી.

દીવ્યમ હોસ્પિટલ

પી.ડી.યુ. સરકારી હોસ્પિટલ

પદ્મકુંવરબા હોસ્પિટલ

(3:46 pm IST)