Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd January 2019

ખબરદાર

ટોઇલેટ નથી ! તો દંડ ભરવો પડશે : મ્યુ. કમિશ્નરનું ચેકીંગ

સ્કુલ - ખાનગી સોસાયટીઓ અને જાહેર સ્થળોએ ટોઇલેટની વ્યવસ્થાનું ચેકીંગ : બહારના મુલાકાતીઓ માટે ટોઇલેટની વ્યવસ્થા ફરજીયાત : પાની

રાજકોટ તા. ૨ : શહેરમાં દરેક સ્થળોએ ટોઇલેટની સુવિધા ફરજીયાત બનાવવા માટે મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ આજે વિવિક સ્થળોએ ટોઇલેટ અંગે ચેકીંગ કરી અને જે સ્થળે ટોઇલેટની સુવિધા નહી હોય તે સ્થળનાં સંચાલકોને દંડ ફટકારવાનું જાહેર કર્યું છે.

આ અંગે સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્થિત વિવિધ ખાનગી સોસાયટીઓ તેમજ તમામ શાળાઓમાં ટોઇલેટ સંબંધી આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ છે કે કેમ તેનું ઇન્સ્પેકશન કરવામાં આવી રહયું છે. આજે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જે તે સોસાયટીઓ અને સ્કૂલોમાં ટોઇલેટનિ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. સ્કૂલો અને સોસાયટીઓ ઉપરાંત શહેરમાં કાર્યરત્ત્। કોમ્યુનિટી ટોઇલેટ, પબ્લિક ટોઇલેટની પણ રૂબરૂ મુલાકાત લઇ ટોઇલેટની પરિસ્થિતિ અને ઉપલબ્ધ સુવિધાઓની મ્યુનિ. કમિશનરશ્રીએ સમીક્ષા કરી હતી. આ તકે રાજકોટ મહાનગરપાલિકાના જે તે ઝોનના નાયબ કમિશનરશ્રી, સિટી એન્જિનિયરશ્રી, ટીપીઓશ્રી, સહાયક કમિશનરશ્રી, નાયબ પર્યાવરણ ઈજનનેરશ્રી તથા અન્ય સંબંધિત શાખાઓના અધિકારીશ્રીઓ પણ હાજર રહયા હતાં.

આ સ્થળ મુલાકાત અંગે વાત કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, શહેરમાં બનેલી તમામ ખાનગી સોસાયટીઓમાં ફેરિયાઓ, ડ્રાઈવરો તેમજ અન્ય બહારી મુલાકાતીઓ માટે ટોઇલેટની અલાયદી સુવિધા હોવી આવશ્યક છે. માત્ર એટલું જ નહી, આ ટોઇલેટ ઉપયોગમાં લઇ શકાય તેવી સ્થિતિમાં અને પાણીનું કનેકશન, લાઈટ, વેન્ટીલેશન અને ડોર કલોઝર સહિતની વ્યવસ્થા પણ એટલી જ જરૂરી છે. આ જ રીતે શહેરની તમામ સ્કૂલોમાં બોયઝ અને ગર્લ્સ માટે અલગ અલગ ટોઇલેટની સુવિધા તેમજ અન્ય આનુસંગિક વ્યવસ્થાઓ પણ હોવી જરૂરી છે. જે સોસાયટી અને શાળામાં આ મુજબની સુવિધાઓનો અભાવ હશે તેની પાસેથી મહાનગરપાલિકા દ્વારા પેનલ્ટી વસૂલ કરવામાં આવશે.

કમિશનરશ્રીએ વિશેષમાં કહ્યું હતું કે, કોમ્યુનિટી ટોઇલેટ અને પબ્લિક ટોઈલેટમાં બાળકો, મહિલાઓ, હેન્ડીકેપ અને પુરૂષો માટે આવશ્યક એવી અલગ અલગ સુવિધાઓ અને વ્યવસ્થાઓ છે કે કેમ તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.(૨૧.૨૪)

ખુલ્લામાં શૌચક્રિયા મુકત શહેરના ચેકીંગ માટે કાલે ટીમ આવશે

રાજકોટ : શહેરને ખુલ્લામાં શૌચક્રિયા મુકત કરવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા ગરીબોને ટોઇલેટ માટે આર્થિક સહાય તથા ઝુંપડપટ્ટીમાં કોમ્યુનિટી ટોઇલેટ, બજારોમાં સુલભ શૌચાલયો વગેરે સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે અને જનરલ બોર્ડમાં ઠરાવ પણ કરાયો છે ત્યારે હવે ખરેખર રાજકોટ ખુલ્લામાં શૌચક્રિયા મુકત શહેર (ઓડી ફ્રી) છે કે કેમ તેના ચેકીંગ માટે આવતીકાલે રાજકોટમાં સરકારની ટીમ આવી રહી છે અને આ ચેકીંગ બાદ રાજકોટને ખુલ્લામાં શૌચક્રિયા મુકત શહેરનું ગ્રેડેશન અપાશે તેમ જાણવા મળ્યું છે.(૨૧.૨૩)

(4:00 pm IST)