Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના સંયુકત માહિતી નિયામક શરદભાઇને ભાવસભર નિવૃતિ વિદાય

વર્ગ-૪ના રસિક મહેતા પણ નિવૃતઃ રસિકભાઇની ૩૭ વર્ષ સુધી નિષ્‍ઠાપૂર્વક ફરજ

રાજકોટ તા.૧: પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના સંયુકત માહિતી નિયામક શરદભાઇ બુંબડિયા અને વર્ગ ૪ ના કર્મચારીશ્રી રસિકભાઇ મહેતા વયનિવૃત્તિ થતાં તેમનો ભાવભીનો વિદાય સમારંભ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે ભાવવિભોર સ્‍વરમાં સંયુક્‍ત માહિતી નિયામક શરદભાઈ બુબડીયાએ  ૩૮ વર્ષની સુદીર્ધ કારકિર્દીના સંસ્‍મરણો વાગોળતા કહયુ હતું કે સરકારી સેવામાંથી ભલે નિવૃત થતો હોઉ પંરતુ માહિતી પરિવાર સાથેનો મારો નાતો આજીવન રહેશે.

બુબડિયાએ તા.૧-૧૦-૧૯૮૩ના બનાસકાંઠામાં જૂનીયર કલાર્ક તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. ત્‍યારબાદ તેઓ સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, ભાવનગર, જામનગર, વડોદરા અને રાજકોટમાં ઉતરોતર બઢતી મેળવીને સયુંકત માહિતી નિયામક સુધીના ઉચ્‍ચ હોદા ઉપર પહોંચ્‍યા હતા.

રસિકભાઇ મહેતાએ ૩૭ વર્ષ સુધી રાજકોટની કચેરી ખાતે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. શ્રી બુબડિયાએ શ્રી રસિકભાઇની ચાર દાયકાથી પણ વધુ લાંબી સરકારી સેવાને બિરદાવીને તેઓનું નિવૃત્તિ જીવન આરોગ્‍યપ્રદ અને દીર્ઘ આયુષ્‍યવાળું રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે રસિકભાઇ મહેતાએ તેમના માહિતી પરિવાર સાથેના સંસ્‍મરણો વાગોળ્‍યા હતા.

નાયબ માહિતી નિયામક નિરાલા જોષીએ નિવૃત થતાં અધિકારી અને કર્મચારીશ્રીને નિવૃતિ જીવનની શુભકામના પાઠવી હતી.  તેમજ બુંબડિયાની વહીવટી કામગીરીની કુશળતા અને શિસ્‍તબદ્ધતા વિશેના સંસ્‍મરણો વાગોળ્‍યા હતા. તેમજ રસિકભાઇએ કરેલી કામગીરીને બિરદાવી હતી.

નિવૃત સહાયક માહિતી નિયામકશ્રી જગદીશભાઈ સત્‍યદેવ અને સહાયક માહિતી નિયામકશ્રી પ્રિયંકા પરમારે  પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.

શરદભાઇ બુંબડિયા અને રસિકભાઇ મહેતાને  સાકરનો પળો, ફૂલહાર તથા સાલ ઓઢાડીને સન્‍માન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલનશ્રી કેતનભાઇ દવેએ કર્યુ હતું.     

આ પ્રસંગે શરદભાઇ બુંબડિયાના ધર્મપત્‍ની ચંપાબેન સહિત રસિકભાઇ મહેતાના પરિવારજનો, સહાયક માહિતી નિયામક સોનલબેન જોષીપુરા,જયેશભાઇ પુરોહિત સહિતના અધિકારી-કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(10:33 am IST)