Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

પુષ્કરધામ પાસે આર.એમ.સી.કવાટર્સ પાસે થયેલ આહીર શખ્સની હત્યાના ગુનામાં બે આરોપીઓને આજીવન કેદ

આરોપીઓની ખુનના ગુનામાં સીધી સંડોવણી ફલિત થાય છેઃ સ્મિતાબેન અત્રી

રાજકોટ તા.૧: રાજકોટમાં આર.એમ.સી.કવાટર્સ પુષ્કરધામ પાસે થયેલ ખુનના ગુન્હામાં આરોપીઓને આજીવન સજાનો હુકમ ફરમાવતી રાજકોટની સેશન્સ અદાલતે હુકમ કર્યો હતો.

આ બનાવની ટુંકમાં હકિકત એવી છે કે આ કામના ફરીયાદી અજયકુમાર રાયધનભાઇ લાવડીયા તેઓ તથા તેના મીત્રો સાથે આર.એમ.સી.આવાસ યોજનાના કવાટર્સ કે જે કાલાવાડ રોડ પુષ્કરધામ પાસે આવેલ છે ત્યા રહેતા હતા ત્યારે તા.૧૧-૨-૨૦૧૬ના રોજ રાત્રીના ૧૦:૦૦ થી ૧૦:૩૦ વાગ્યા દરમીયાન આ કામના આરોપી નં.૧ જયદીપ વિજયભાઇ ચૌહાણ તેઓની ગાડીમાંથી પેટ્રોલ ચોરી કરતો હોય તેવું લાગતા નીચે આવેલ તેને સમજાવતા બોલાચાલી થયેલ જેમાં આરોપી જયદીપે આરોપી નં.૨ કુલદીપસિંહ હેમંતસિંહ ઝાલાને ફોન કરીને બોલાવેલ જે બોલાચાલી વધુ વણસી જતા ફરીયાદીના મોટાબાપુના દીકરા ગોવિંદભાઇ જેસીંગભાઇ ફરીયાદીને તેના કવાર્ટસમાં જવાનું કહેતા આ કામના આરોપી નં.૨ એ મરણજનાર ગોવિંદભાઇને પકડી રાખેલ અને આરોપી નં.૧એ મરણજનારને છાતીના મર્મ ભાગે છરી વડે ઇજા પહોંચાડેલ અને આ ઉપરોકત બંને આરોપીએ આ કામના ફરીયાદીને પણ પીઠના પાછળના ભાગે છરીના ઘા મારેલ. બનાવ બાદ તુરંત જ ગોવિંદભાઇને વોકહાર્ડ હોસ્પીટલે લઇ જતા હાજર ડોકટરશ્રીએ તેઓને મરણ જાહેર કરેલ જેથી આ કામના ફરીયાદીને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં તા.૧૨-૨-૨૦૧૬ના રોજ સદરહું બનાવ અંગેની ફરીયાદ નોંધાવેલ હતી.

સદરહું બનાવના અનુસંધાને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને તેઓ વિરૂધ્ધ પુરતો પુરાવો મળી આવતા તપાસનીશ અધિકારીએ અદાલત સમક્ષ આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ કરેલ. સદરહું કેસ સેશન્સ ટ્રાયેબલ હોય જેથી સેશન્સ કોર્ટમાં કેસની કાર્યવાહીઓ ચાલેલ. સદરહું કામમાં ફરીયાદ પક્ષ તરફથી કુલ ૨૦ સાહેદો તથા ૩૨ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજુ રાખી તેના ઉપર આધાર રાખવામાં આવેલ. વધુમાં ફરીયાદ પક્ષ તરફથી એવી પણ રજુઆત કરવામાં આવેલ કે ફરીયાદ પક્ષ તેનો કેસ નિઃશંક પણ સાબીત કરવામાં સફળ નીવડેલ હોય અને ફરીયાદી તથા દાર્શનીક સાહેદો દ્વારા બનાવની હકિકતને સમર્થન મળતુ હોય તેથી આરોપીઓને સજા કરવા અરજ કરેલ છે. સરકારી વકીલ સ્મિતાબેન અત્રીએ રજુઆત કરેલ કે, નજરે જોનાર સાહેદની જુવાની અને મેડીકલ એવીડન્સથી આરોપી સીધા  ખુનના ગુનામાં સંડોવાયાનું પુરપાટ થાય છે. તેથી કલમ ૩૦૨ હેઠળ મહત્તમ સજા કરવી જોઇએ.

આ કામમાં મુળ ફરીયાદી તરફે લેખીતમાં દલીલ કરવામાં આવેલ કે આ કામમાં ફરીયાદી નજરે જોનાર સાહેદ છે તેમજ અન્ય દાર્શનીક સાહેદો પણ બનાવની સંપૂર્ણ હકિકતને સમર્થન આપે છે. સદરહું બનાવને મેડીકલ એવીડન્સ દ્વારા પણ સમર્થન મળે છે અને આરોપીઓને કાયદાની બીક રાખ્યા વગર જાહેરમાં આવો ગંભીર પ્રકારનો ગુન્હો આચરેલ હોય જેથી મહત્તમ સજા કરવા અરજ કરેલ હતી.

કોર્ટે તમામ સાહેદોની જુબાનીઓ, દસ્તાવેજી પુરાવાઓ તથા રજુ રાખવામાં આવેલ કાયદાકીય આધારોને લક્ષમાં લઇ રાજકોટના અધિક સેશન્સ જજશ્રી પી.એન.દવે એવા મંતવ્ય ઉપર આવેલ કે આ કામમાં ફરીયાદ પક્ષ તેનો કેસ સાબીત કરવામાં સફળ થયેલ હોય સાથોસાથ સદરહું બનાવને દાર્શનીક સાહેદો દ્વારા પણ સમર્થન મળે છે. અદાલત દ્વારા લેવામાં આવેલ ડોકટરશ્રીની જુબાનીને લક્ષમાં લેવામાં આવે તો મરણજનારને થયેલ ઇજા તથા ગુન્હામાં કબ્જે કરવામાં આવેલ હથીયારને સમર્થન મળે છે તેમજ બચાવપક્ષ દ્વારા એવો કોઇ પુરાવો રેકર્ડ ઉપર લાવવામાં આવેલ નથી કે મરણજનાર દ્વારા આ કામના આરોપીઓને ઉશ્કેરાટ કરવામાં આવેલ હોય જેથી ઉપરોકત તમામ સંજોગોને લક્ષમાં લેતા આરોપીઓ વિરૂધ્ધ પુરતો પુરાવો મળી આવતા બંને તહોમતદારોને ખુનના ગુન્હામાં આજીવન કેદની સજા ફરમાવતો હુકમ કરવામાં આવેલ હતો.

આ કામમાં મુળ ફરીયાદી વતી એડવોકેટ દરજજે રાજકોટના શ્રી લલિતસિંહ જે.શાહી, ભુવનેશ એલ.શાહી, કૃણાલ એલ.શાહી, સી.એમ.દક્ષિણી, યોગેશ બારોટ, સુરેશ ફળદુ, હીતેષ ગોહેલ, મનીષ ગુરૃંગ, નિશાંત જોષી તથા સરકારી વકીલશ્રી તરીકે રાજકોટના પ્રશાંતભાઇ પટેલ તથા સ્મીતાબેન અત્રી રોકાયેલા હતા.

(4:33 pm IST)