Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

કોઠારીયા રોડ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવઃ કોંગ્રેસ દ્વારા રજુઆત

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં. ૧૮નાં વિવિધ વિસ્તારમાં પાણી, સફાઇ સહિત પ્રાથમિક સુવિધા પ્રશ્ને યોગ્ય કરવા કોંગ્રેસના પુર્વ કોર્પોરેટર સતુભા જાડેજા, કોંગીયુવા અગ્રણી મયુરસિંહ જાડેજાની આગેવાની હેઠળ વિસ્તારવાસીઓ દ્વારા ડે. કમિશ્નર ચેતન નંદાણીને રજુઆત કરવામાં આવી હતી. આ અંગે કોંગી અગ્રણી મયુરસિંહ એ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, શહેરનાં વોર્ડ નં. ૧૮ માં આવેલ કોઠારીયા વિસ્તારમાં પાણીનું વિતરણ આજે પણ એકાંતરા કરવામાં આવે છે. અને એ પણ સમયસર આપવામાં આવતું નથી તેમજ સફાઇ કામદારો પૂરતી સંખ્યામાં નથી જયાં ૩૦૦ સફાઇ કામદારોની જરૂરીયાત છે ત્યાં માત્ર ૧પ૦ સફાઇ કામદારો મુકવામાં આવ્યા છે જેથી વિસ્તારમાં ગંદકીનો માહોલ બની રહે છે અને આના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલીઓ ઉઠાવી પડે છે તેમજ બીમારીઓનો સામનો કરવો પડે છે. રોડ-રસ્તાની પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે લોકોને અવર-જવર કરવામાં તકલીફ પડે છે તેમજ કોઠારીયા વિસ્તારમાં રોડ રસ્તાની સુવિધા નામે શુન્ય છે તો કોઠારીયામાં આવેલ તમામ સોસાયટીમાં ચોમાસા પહેલા તાત્કાલીક ધોરણે કામગીરી હાથમાં લઇ અમારો રોડ-રસ્તા સહિતના વિવિધ પ્રશ્ને યોગ્ય કરવા માંગ કરી છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:26 pm IST)