Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

રાવળદેવ સમાજને સમાધીની જમીન નહી ફાળવી ભારે અન્યાય

જમીન મહેસુલ અધિનિયમ હેઠળ જમીન ફાળવવા જોગવાઇ છતાં છેલ્લા ૧ વર્ષથી સરકાર આ પ્રશ્નને ટલ્લે ચડાવે છેઃ ૧ મહીનામાં જમીન નહીં ફાળવાયતો આંદોલનઃ જ્ઞાતિ પ્રમુખ ચિરાગભાઇ બોરાણાની આગેવાની હેઠળ રાવળદેવ સમાજે રેલી યોજી મ્યુ. કમિશ્નરને આવેદન પાઠવ્યું

રાવળદેવ સમાજના જ્ઞાતિજનોએ જ્ઞાતિ પ્રમુખ ચિરાગભાઇ (ગોપાલ)ની આગેવાની હેઠળ જ્ઞાતિને સમાધીની જમીન ફાળવવા રેલી યોજી સુત્રોચ્ચાર અને પ્લેકાર્ડ સાથે મ્યુ. કમિશનરને સંબોધેલુ આવેદનપત્ર પાઠવ્યું હતું તે વખતની તસ્વીર (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧: શહેરમાં વસતા રાવળદેવ સમાજને અંતિમવિધી માટે સ્મશાન-સમાધીની જમીન આપવામાં તંત્રવાહકો ભારોભાર અન્યાય કરતા હોવાના આક્ષેપો સાથે આજે સમસ્ત રાવળદેવ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ચિરાગભાઇ આર. બોરાણા (મો. ૯૭ર૬૦ ૦૦૦૪૪) અને મ્યુ. કમિશનરને આવેદન પત્ર પાઠવી જો ૩૦ દિવસમાં જમીન નહીં ફાળવાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આજે સવારે જ્ઞાતિના પ્રમુખ ચિરાગભાઇ (ગોપાલ)ની આગેવાનીમાં રાવળદેવ સમાજના પ૦થી વધુ જ્ઞાતિજનોએ રેલી યોજી અને કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં જઇને સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ આવેદનપત્રમાં જણાવાયું છે કે સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા મ્યુ. કમિશનરને સમસ્ત રાવળ સમાજના સમાધિ સ્થાન માટે રાજકોટ રેવન્યુ સર્વે નં. ર૧૮ પૈકીમાં જગ્યા નીમ કરવા અંગે માંગણી કરતી અરજી કરેલ અને સમર્થનકારી દસ્તાવેજો રજૂ કર્યા હતાં. તદ્ઉપરાંત સબંધીત ધારાસભ્યશ્રીઓના અભિપ્રાયો રજૂ કર્યા બાદ કોર્પોરેશન કચેરીમાં પ્રકરણ ચાલી ગયા બાદ રીવરફ્રન્ટની એન.ઓ.સી.ની અવશ્યકતા ઉભી થતાં તે પ્રશ્ન પણ હાલ હલ થઇ ગયેલ છે અને હવે કોઇ જ હકીકતો ખૂટતી ન હોય કે પુર્તતાની હવે કોઇ આવશ્યકતા રહેતી ન હોય તેમ છતા છેલ્લા ઘણા સમયથી કોઇને કોઇ બહાનાઓ હેઠળ કોઇ કારણોસર જમીન ફાળવવા હુકમ થતો ન હોય જેથી આવેદનપત્ર આપવા ફરજ પડેલ છે.

આ માંગણી અન્વયેની અરજીના નિકાલ માટે મસય મર્યાદા નિયત થયેલ હોય જે નિયત થયેલ સમય મર્યાદા અનુસંધાને ૯૦ દિવસમાં ન્યાયીક નિર્ણય કરવાનો હોય છે, પરંતુ અરજી તા. ૧પ-૧૦-૧૮ના રોજ કરવામાં આવેલ જેને એક વર્ષથી વધુ સમય વીતી ગયેલ હોવા છતાં કોઇ અગમ્ય કારણોસર આજદિવસ સુધી કોઇ ન્યાયીક નિર્ણય ફરમાવવામાં આવેલ નથી તેથી રાવળદેવ સમાજ તે કારણોસર પારાવાર મુશ્કેલીઓ વેઠી રહેલ છે.

વિચરતી વિમુકત જાતીમાં સમાયેલ રાવળ સમાજ કે જેની રાજકોટ શહેરમાં જ વસતી આશરે ૧૦ થી ૧પ હજારની હોય ત્યારે આ સમાજ સાથે અન્યાય ન થાય તે જોવાની જવાબદારી સરકારની પણ છે.

સ્મશાન અને સમાધિ સ્થાન તે દરેક જ્ઞાતિમં પરાપુર્વથી વર્ષોથી ચાલી આવતી પરંપરા હોય અને તે પરંપરા મુજબ કોઇ જ્ઞાતિમાં મૃતકને સમાધિ આપવામાં આવતી હોય અને કોઇ જ્ઞાતિમાં અજ્ઞીદાહ આપવામાં આવતો હોય એ રીતે રાળવદેવ સમાજમાં મૃતકને સમાધિ આપવામાં આવતી હોય અને હાલ અમારા રાવળ સમાજના સમાધિ સ્થાનવાળી જગ્યામાં હવે સમાધિ આપી શકાય તેવા સંજોગો રહેલ  હોય ત્યારે આ જગ્યાની બાજુમાં જ વર્ષોથી આવેલ જગ્યા રેવન્યુ સર્વે-ર૧૮ પૈકીની હોય જે સમાજને  સહેલાઇથી અન્યાય દુર કરવા આપી શકાય તેમ હોય અને તે જગ્યા આપવા માટે હવે કોઇ વિધ્ન પણ રહેલ ના હોય અને તમામ પ્રક્રિયા, પ્રોસીઝર પુર્ણ થઇ ગયેલ હોય છતાં વર્ષોથી ચાલી આવતી માગણી પ્રત્યે દુર્લક્ષ સેવી માત્ર અમો વિચરતી વિમુકત જાતીના હોવાના કારણોસર જાણે આ જ્ઞાતી પ્રત્યે સુગ હોય તે રીતે કોઇ ને કોઇ કારણોસર અમારી માગણી ન સંતોષી ઘણા સમયથી અમોને અન્યાય કરવામાં આવી રહેલ છે જે ખુબ જ દુઃખદ બાબત ગણી શકાય, કારણ કે જયારે સરકાર સૌનો સાથ સૌનો વિકાસ વાત લઇ આગળ ચાલતી હોય. ત્યારે માત્ર સાથ લઇ બાદમાં વિકાસના માત્ર વાયદા કરવામાં આવે ત્યારે થઇ રહેલ અન્યાય સબંધે સ્વભાવિક રીતે ન્યાયની અપેક્ષાએ સતત ઘણા સમયથી લડત લડી રહેલ હોવા છતાં આજદિવસ સુધી આ જ્ઞાતિને ન્યાય મળી રહેલ નથી જે પુરાપૂર્વથી ચાલી આવતી રસમ છે અને તે રસમ નિભાવવા અને પડતી અગવડતા દૂર કરવા સરકારની પણ જવાબદારી છે.

આમ રાવળદેવ સમાજના લોકોને પડતી પારાવાર મુશ્કેલીઓના કારણે જમીન ફાળવવા હુકમ ન થવાના કારણે સમાજની ધીરજ ખુટી ગયેલ છે. તેથી આ માંગણી સબંધે દિન-૩૦માં યોગ્ય ન્યાયીક નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા રાહે આગળની કાર્યવાહીઓ કરવા ફરજ પડશે તેવી ચીમકી આવેદનપત્રના અંતે ઉચ્ચારાઇ છે.

(4:20 pm IST)