Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

કલેકટર કચેરીમાં વિશ્વ વિક્રમ સર્જતો 'ફલેગ ઓફ યુનિટી' બનાવવાનું શરૂ

કલેકટર રેમ્યા મોહન દ્વારા ઉદ્ઘાટનઃ રિટાયર્ડ આઈપીએસ શ્રી બી.કે. જાડેજાના પુત્રી વીરાજબા જાડેજા ૨૨ દિ'માં ફલેગ બનાવશે : કલેકટર દ્વારા ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રજીસ્ટર કરાયું: રોજના ૧૦ કલાક કામગીરીઃ ૪૨ હજાર કાગળો જોડી ૧૦ x ૬II ફૂટનો ત્રિરંગો બનશે : શહેરની વિદ્યાર્થીનીઓ - યુવતિઓ ઉમટી પડીઃ રાજકોટના ૩૫ થી ૪૦ હજાર લોકોનો સહકાર લેવાશેઃ વીરાજબાની અદ્ભૂત કલાગીરી

કલેકટર કચેરીમાં વિશ્વ વિક્રમ સર્જતો ફલેગ ઓફ યુનિટી બનાવવાનું શરૂ કરાયું છે. તસ્વીરમાં કલેકટર શ્રી રેમ્યા મોહને રીબન કાપી ઉદ્ઘાટન કર્યા બાદ ફલેગ બનાવવાના શ્રીગણેશ કર્યા હતા. બાજુમાં એડીશ્નલ કલેકટરશ્રી પરિમલ પંડયા. ફલેગ જે બનાવશે તે રાજપીપળાના શ્રી વીરાજબા જાડેજા, ડે. કલેકટરો પૂજા બાવળા, પૂજા જોટાણીયા અન્ય સ્ટાફ તથા ઉમટી પડેલ વિદ્યાર્થીનીઓ નજરે પડે છે

રાજકોટ, તા. ૧ :. રાજકોટમાં ૨૬મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે અને તે માટે કલેકટર તંત્રે વિશાળ તૈયારીઓ શરૂ કરી છે. તાજેતરમાં પ્રથમ કાર્યક્રમ સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલનું લોકાર્પણ બાદ હવે આજે બીજો વિશ્વ વિક્રમ સર્જતો કાર્યક્રમ શરૂ કરી દેવાયો છે.

રાજકોટ કલેકટર શ્રી રેમ્યા મોહન ૧૧ દિ'ની રજા બાદ આજે હાજર થયા છે અને તેમની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના ગ્રાઉન્ડ ફલોર ઉપર વિશ્વ વિક્રમ સર્જતો ફલેગ ઓફ યુનિટી બનાવવાનું શરૂ કરાયુ હતું. કલેકટરે રીબન કાપી ઉદ્ઘાટન કર્યા બાદ ૧૦ બાય ૬II ફુટના વિશાળ ત્રિરંગાના કટ આઉટ ઉપર ફલેગ બનાવવા અંગે શ્રીગણેશ કર્યા હતા.

આ પ્રસંગે એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડયા, ડે. કલેકટરો ડીએસઓ શ્રી પૂજા બાવળા, શ્રી પૂજા જોટાણીયા, મામલતદારો, ના. મામલતદારો અન્ય સ્ટાફ ઉપરાંત શહેરની ૨૦૦થી ૩૦૦ વિદ્યાર્થીઓ અને યુવતીઓ ઉપસ્થિત રહી હતી.

આ વિશાળ ૧૦ બાય ૬II ફુટનો ત્રિરંગો  - વીથ અશોકચક્ર રાજપીપળાના શ્રી વીરાજબા જાડેજા રાજકોટના ૩૫ થી ૪૦ હજાર વિદ્યાર્થી ભાઈ-બહેનો, લોકો, આગેવાન, નાગરીકો, અધિકારીઓની મદદથી બનાવશે.

અત્રે એ નોંધનીય છે કે રાજપીપળાના શ્રી વીરાજબા જાડેજા, રાજ્યના રિટાયર્ડ આઈપીએસ - આઈજીપી શ્રી વી.કે. જાડેજાના પુત્રી થાય છે. તેમણે આ પહેલા યુનાઈટેડ આરબ અમીરાતનો ૯.૫નો ફલેગ બનાવ્યો હતો. જે હાલ વિશ્વ વિક્રમ છે.

શ્રી વીરાજબાએ આજે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ કે આ આપણો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ-અશોકચક્ર સાથે રોજના ૧૦ કલાક વર્ક સાથે ૨૨ દિ'માં બનાવી લેવાશે.

તેમણે જણાવેલ કે આ મારો શોખ છે અને આ ત્રિરંગો બની જતાની સાથે જ આપણે નવો કિર્તીમાન - વિશ્વ વિક્રમ સ્થાપીશું.

શ્રી વીરાજબા જાડેજાએ જણાવેલ કે શહેરના જેટલા લોકો આવે તેટલાની મદદથી જાડા ૪૨ હજાર કાગળોનો ઉપયોગ કરી રાષ્ટ્રધ્વજ બનાવાશે. માત્ર કાગળ જ અન્ય કોઈ ગુંદર કે કાતર કે કટર કે કોઈ અન્ય ચીપકુ વસ્તુનો ઉપયોગ નહી કરાય... ૪૨ હજાર કાગળને જોડવાની આ એક અદ્ભૂત કળા બની રહેશે.

દરમિયાન એડીશ્નલ કલેકટર શ્રી પરિમલ પંડયાએ પત્રકારોને જણાવેલ કે આ ફલેગ ઓફ યુનિટી બની ગયા પછી અને ૨૬મી જાન્યુઆરીની ઉજવણી બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મોકલી દેવાશે. અંદાજે ૧ થી ૧II લાખના ખર્ચે આ ફલેગ બનશે. તેમણે ૨૦ થી ૨૨ દિવસમાં ફલેગ તૈયાર થઈ જશે તેમ ઉમેર્યુ હતું.

(4:14 pm IST)