Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

પોલીસનું કડક ચેકીંગ કામ કરી ગયું-થર્ટી ફર્સ્ટ નાઇટની શાંતિથી ઉજવણીઃ ૧૮ નશાખોરો ઝડપાયાઃ નાણાવટી ચોકમાં કાર પલ્ટી ગઇ, તેમાંથી પાંચ પીધેલા મળ્યા

ડીસીપી મનોહરસિંહ જાડેજા અને ટીમોએ સતત દોડધામ કરીઃ ઠેકઠેકાણે બ્રેથએનલાઇઝરથી ચેકીંગ કરાયું: ડ્રાઇવીંગ લાયસન્સ વગર નીકળનારાઓને જાહેરમાં ઉઠબેસ કરાવાઇઃબે શખ્સ છરી-ધોકા સાથે પકડાયાઃ ૧૫ બોટલ દારૂ સાથે ૩ પકડાયાઃ ડાન્સ-ડીજે-ડીનર પાર્ટીના આયોજનો પર સતત ચેકીંગ કરવામાં આવ્યુું : નશાખોરોનો આંકડો જોતાં એવું લાગે કે કાં તો કોઇએ પોલીસના ડરથી પીધો જ નહોતો, કાં તો છટકબારી શોધવામાં સફળ રહ્યા હતાં...કાં પીધા પછી બહાર જ નીકળ્યા નહિ હોય!?

નાણાવટી ચોકમાં રાતે એક કાર પલ્ટી મારી જતાં તેમાં ભારે નુકસાન થયું હતું. તેમજ આ કાર અથડાતાં બીઆરટીએસની  રેલીંગનો પણ કડૂસલો બોલી જતાં તેમાં પણ નુકસાન થયું હતુ. કારમાંથી પાંચ લવરમુછીયા પોલીસને મળ્યા હતાં, જે તમામ નશો કરેલા હોઇ પોલીસે તે અંગે અને દારૂ પી વાહન હંકારી અકસ્માત સર્જવાનો તેમજ પબ્લીક પ્રોપર્ટીને નુકસાન કરવાનો ગુનો નોંધી પાંચેયની ધરપકડ કરી હતી.

રાજકોટ તા. ૧: શહેરમાં ૩૧મી ડિસેમ્બર-થર્ટી ફર્સ્ટ નાઇટની શાંતિપૂર્વક આનંદ ઉલ્લાસથી નગરજનો ઉજવણી કરી શકે અને કયાંય કોઇ છમકલા ન થાય કે દારૂ પીને કોઇ તત્વો છાંકટા ન બને તે માટે પખવાડીયાથી પોલીસ સતત મહેનત કરી રહી હતી. ૩૧મીની રાતે પણ પોલીસે ચુસ્ત બંદોબસ્ત અને પેટ્રોલીંગ ચાલુ રાખતાં મહેનત લેખે લાગી હતી અને કોઇપણ જાતના છમકલા વગર શાંતિથી ઉજવણી પુરી થઇ હતી. પોલીસે બ્રેથએનલાઇઝરનો ઉપયોગ કરી ઠેકઠેકાણે વાહન ચાલકોને અટકાવી તેણે નશો કર્યો છે કે કેમ? તેની તપાસ કરી હતી. અલગ-અલગ સ્થળોએથી પોલીસે દારૂ પી વાહનમાં નીકળેલા ૧૩ને પકડ્યા હતાં. જ્યારે નાણાવટી ચોકમાં એક કાર પલ્ટી ખાઇ જતાં તેમાંથી પાંચ શખ્સો નીકળ્યા હતાં એ પણ નશો કરેલા હતાં. આમ કુલ ૧૮ નશાખોરો ૩૧મીના રોજ 'પોલીસ મથકના મહેમાન' બન્યા હતાં. આ ઉપરાંત દારૂની ૧૫ બોટલો સાથે ૩ પકડાયા હતાં. જ્યારે છરી-ધોકા સાથે બે શખ્સ ઝપટે ચડી ગયા હતાં. નશાખોરોનો આંકડો જોતાં એવું લાગે કે કાં તો કોઇએ પોલીસના ડરથી પીધો જ નહોતો, કાં તો છટકબારી શોધવામાં સફળ રહ્યા હતાં...કાં તો પીધા પછી બહાર જ નીકળ્યા નહોતાં!

ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં ગાડી પલ્ટીઃ પાંચ પીધેલા મળ્યા

ગાંધીગ્રામ ૧૫૦ રીંગ રોડ પર નાણાવટી ચોક સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે રાત્રીના બે વાગ્યા આસપાસ જીજે૦૩એચઆર-૦૦૬૪ નંબરની એક સફેદ કલરની હુન્ડાઇ વેર્ના કાર પલ્ટી મારી જતાં તેમાં ભારે નુકસાન થયું હતું. કાર ગોથુ ખાઇ બીઆરટીએસની રેલીંગ તોડી પલ્ટી ગઇ હતી. આ વખતે ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ નજીકમાં જ હોઇ દોડી આવ્યો હતો. કારમાંથી પોલીસને પાંચ શખ્સો મળ્યા હતાં. આ તમામના મોઢા સુંઘતા તેણે નશો કર્યો હોવાનું જણાતાં પાંચેયને અટકાયતમાં લીધા હતાં.

ઝડપાયેલા શખ્સોમાં કારચાલકનું નામ સાહિલ અશોકભાઇ રાજાણી (ખોજા) (ઉ.વ.૨૧-અભ્યાસ, રહે. શિવાજી પાર્ક-૪, એરપોર્ટ રોડ) હોવાનું ખુલ્યું હતું. તેણે પણ નશો કર્યો હતો. સાથેના બીજા ચાર શખ્સોએ પોતાના નામ થોથવાતી જીભે જણાવ્યા હતાં. જેમાં યશ પ્રદિપભાઇ મહેતા (વણિક) (ઉ.૨૪-અભ્યાસ, રહે. પેન્ટાગોન એપાર્ટમેન્ટ ફલેટ નં. ૨૦૧-બીજો માળ, અંબિકા ટાઉનશીપ), યશરાજસિંહ દિનેશસિંહ રાજપૂત (ઉ.૨૧-અભ્યાસ, રહે. ગોવર્ધન એપાર્ટમેન્ટ, પ્રથમ માળ જંકશન પ્લોટ ગેબનશાપીરની દરગાહ પાસે), મોઇન ફઝલભાઇ તાયાણી (ઉ.૨૨-અભ્યાસ, રહે. વિમાનગર-૧, નહેરૂનગર પાસે રૈયા રોડ) તથા યશ રોહિતભાઇ મહેતા (વણિક) (ઉ.૧૯-અભ્યાસ, રહે. અરોદય, ન્યુ જાગનાથ પ્લોટ, મહાકાળી મંદિર પાસે)નો સમાવેશ થાય છે. 

પોલીસે આ પાંચેય સામે દારૂ પીવાનો અને સાહિલ સામે દારૂ પી ડ્રાઇવીંગ કરી અકસ્માત સર્જી બીઆરટીએસની રેલીંગમાં નુકશાન કરવા સબબ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ હેઠળ કાર્યવાહી કરી હતી. પી.આઇ. કે. એ. વાળા, પીએસઆઇ એમ. બી. જેબલીયા, સંતોષભાઇ રબારી, રાહુલભાઇ વ્યાસ, શૈલેષભાઇ કગથરા, અશ્વિનભાઇ પોપટભાઇ, કોન્સ. અમીનભાઇ કરગથરા સહિતની ટીમ ૩૧મી સંદર્ભે નાઇટ પેટ્રોલીંગમાં નીકળી ત્યારે જ આ અકસ્માત સર્જાયો હતો અને કારમાંથી પાંચ પીધેલા મળતાં કાર્યવાહી કરાઇ હતી. સદ્દનસિબે કોઇને ઇજા થઇ નહોતી.

આ ઉપરાંત અલગ-અલગ સ્થળોએથી દારૂ પી વાહન હંકારતા, છરી સાથે, ધોકા સાથે અને દારૂની બોટલો સાથે તેમજ હદપાર ભંગ સબબ જેને પકડ્યા તેની વિગતો અહિ આપી છે.

તેમજ બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ મોહસીનખાન તથા મુકેશભાઇ સહિતે મોરબી રોડ જકાતનાકા પાસેથી દારૂ પી જીજે.૩એચ જે.૫૫૫૧નંબરનું બાઇક લઇને નિકળેલા રમેશ નાથાભાઇ જાડા(ઉ.વ.૫૨) (રહે.રાજગઢ ગામ)ને, તથા મોરબી રોડ ઓવરબ્રીજ પાસેથી જી.જે.૩ઇકયુ-૬૦૯૩  નંબરના બાઇક પરથી દિપક જેસીંગભાઇ રોજાસરા (ઉ.વ.૩૮) (રહે. જય જવાન જય કિશાન સોસાયટી)ને, તથા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ.વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ હેડકોન્સ રણજીતસિંહ પઢારીયા, મયુરસિંહ પરમાર સહિતે ગાયત્રીનગર મેઇન રોડ જીલ હોલ ચોક પાસેથી દારૂ પી જી.જે.૧૪એએફ ૩૮૪૫ નંબરનું બાઇક લઇને નીકળેલા અશ્વિન શંભુભાઇ વાઘેલા (ઉ.વ.૨૮) (રહે.ભકિતનગર રેલ્વે પોલીસ સ્ટેશન પાસે ઝુંપડામાં મૂળ સાવરકુંડલા)ને, આનંદનગર મેઇન રોડ આર.એમ.સી. કોમ્યુનિટી હોલ પાસેથી જી.જે.૩કેઆર-૫૯૨૩ નંબરના બાઇક સાથે ઇન્દલાલ લાલચંદ્ર રાજભર (ઉ.વ.૫૧) રહે. બાબરીયા કોલોની શેરી નં.ર) ને તથા કોઠારીયા કોલોની મેઇન રોડ કોટેશ્વર મહાદેવના મંદિર પાસેથી દારૂ પી જી.જે.૩એમકયુ-૧૦૨ નંબરનું બાઇક લઇને નીકળેલા કિશન કીરીટભાઇ ( (ઉ.વ.૨૯) (રહે.નવલનગર શેરી નં.૮/૧૨, મવડી રોડ)ને, આનંદનગર મેઇન રોડ પરથી જીજે-૩કેએલ-૧૪૬ નંબરનું એકટીવા સાથે અલ્પેશ બળવંતભાઇ પારેખ (ઉ.વ.૪૨) (રહે. આનંદનગર કવાટર નં.ઇ-૮૩ કવાટર નં.૧૩૨)ને, સહકાર રોડ ઘનશ્યામનગર મેઇન રોડ પરથી દારૂ પી જીજે૩જેપી ૩૫૨૪ નંબરનું બાઇક લઇને નીકળેલા રવીપરી કિશોરપરી ગોસ્વામી (ઉ.વ.૩૦) (રહે.દેવપરા સિંદુરીયા ખાણ પાસે)ને તથા બાપુનગર મેઇન રોડ પર દારૂ પી જીજે-૩ ઇએસ-૪૧૦૫ નંબરનું બાઇક લઇને નીકળેલા પરેશ મગનભાઇ ગોહેલ (ઉ.વ.૪૧) (રહે.આનંદનગર કોલોની બે માળીયા કવાટર નં.૩૯૨)ને પકડી લીધા હતા.

જયારે કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ બુટાભાઇ, જગમાલભાઇ, નીલેષભાઇ, મનીષભાઇ અને દીલીપભાઇ સહિતે નવાગામ પટેલ વિહાર રેસટોરન્ટ પાછળથી દારૂ પી જી.જે.૧૦બીએલ-૧૬૨૯ નંબરનું બાઇક લઇને નીકળેલા પ્રદિપ લક્ષ્મણભાઇ મેસુરીયા (ઉ.વ.૪૮) (રહે.નવાગામ)ને (સોખડા ચોકડી પાસેથી જીજે.૩ પી.પી.૫૨૩ નંબરના બાઇક પરથી દિલીપ દામજીભાઇ મકવાણા (ઉ.વ.૨૮) (રહે.સાગરનગર-પ)ને  અને માલીયાસણ બાયપાસ ચોકડી પાસેથી દારૂ પી જી.જે.૩ એલએલ-૫૭૨૨ નંબરનું બાઇક લઇને નીકળેલા બાબુ જીવાભાઇ બાંભવા (ઉ.વ.૨૫) (રહે.માલીયાસણ) ને પકડી લીધા હતા.

જયારે યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ એસ.એસ.ગોસાઇ, હરપાલસિંહ, મેહુલસિંહ અને જેન્તીગીરી સહિતે વાહન ચેકીંગ દરમ્યાન મુંજકા ગામ ચોકડી પાસે દારૂ પી જી.જે.-૩ એચ.એન-૮ નંબરનું એકસેસ લઇને નીકળેલા રણજીત ભુપતભાઇ કલાણીયા (ઉ.વ.૨૭) (રહે.ખોડીયારનગર શેરી નં.૧/૬)ને રૈયાગામ બસસ્ટેન્ડ પાસેથી દારૂ પી જી.જે.૩ કેએચ-૩૩૧ નંબરની ઇકો કાર લઇને નીકળેલા જશા કરશનભાઇ ડઢચ્યા (ઉ.વ.૩૧) (રહે.નવા ૧૫૦ ફૂટ રોડ ઘંટેશ્વર નવા રેસકોર્ષ સામે વિરાભાઇ હુંબલની વાડીમાં મૂળ રણછોડગઢ)ને પકડી લીધો હતો.

૧પ બોટલ સાથે ત્રણ ઝડપાયા

કુવાડવા પોલીસ મથકના પીએસઆઇ આર.એલ.ખટાણા તથા નિલેશભાઇ સહિતે બેડીગામ સ્મશાન પાસે દરોડો પાડી દારૂની ૧૨ બોટલ કિંમત રૂ.૩૬૦૦ સાથે હિતેષ ભીમજીભાઇ સાગઠીયા (ઉ.વ.૧૯) (રહે.શ્રી રામ સોસાયટી શેરી નં.૨૮) આર.ટી.ઓ ઓફીસ પાછળ) ને પકડી લઇ તેની પાસેથી છરી કબ્જે કરી હતી જયારે ઋત્વિક ઉર્ફે ટેંગો મેવાડાની શોધખોળ આદરી છે.

બીજા દરોડામાં આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ આસુન્દ્રા સહિતે માંડાડુંગર ભવાની કોમ્પલેક્ષ નીચેથી યોગેશ જેસીંગભાઇ રાતડીયા (ઉ.વ.૧૮) (રહે.સત્યમ પાર્ક શેરી નં.૨ બ્લોક નં.૧ પ્લોટ નં.૩૦)ને દારૂની ૧ બોટલ સાથે અને સાગરનગર મેઇન રોડના ખુણા પાસેથી દારૂની બે બોટલ સાથે હિતેષ ભોલાભાઇ સાથડીયા (ઉ.વ.૨૧) (રહે.સાગરનગર-૧ માર્કેટયાર્ડ પાસે)ને પકડી લીધો હતો. જયારે નરેશ ઉધરેજીયા (રહે.યુવરાજ નગર પાછળ ખાડામાં)ની શોધખોળ આદરી છે.

ત્રણ હદપાર પકડાયા

ભકિતનગર પોલીસ સમર્થક હેઠળ વિસ્તારમાંથી હદ પાર કરાયેલા ત્રણ શખ્સોને પકડી લીધા છે. જેમાં હેડ કોન્સ રણજીતસિંહ તથા દિવ્યરાજસિંહ સહિતે બાબરીયા કોલોનીમાંથી રીયાઝ ઉર્ફે બાપુડી નજીરભાઇ સર્વદી (ઉ.વ.૨૪) (રહે.પીપળીયા ગામ નવીનનગર સોસાયટી), રીઝવાન ઇકબાલભાઇ ખીચી (ઉ.વ.૨૫) (રહે.બાબરીયા કોલોની)ને અને સુખરામનગર શેરી નં.૨માંથી ધર્મેશ ઉર્ફે ઉદીયા રાજુભાઇ રાઠોડ (ઉ.વ.૨૨) (રહે.સુખરામનગર શેરી નં.૩)ને પકડી લીધા હતા. જયારે ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ આમ્રપાલી પાર્ટી પ્લોટ પાસેથી ભાવીન નંદાભાઇ પરમાર (ઉ.વ.૨૨) (રહે.વૈશાલીનગર શેરી નં.૯ રૈયા રોડ)ને લાકડાના ધોકા સાથે પકડી લીધો હતો.

(3:46 pm IST)