Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

ઇંધણનો સમજીને ઉપયોગ કરશો તો પૈસા પણ બચશે અને પર્યાવરણ પણ સુધરશે : મેયર

પેટ્રોલીયમ કન્ઝર્વેશન રીસર્ચ એસો.ના ઇંધણ બચાવો રથને કરાવાયું પ્રસ્થાન

રાજકોટ તા ૦૧  : પેટ્રોલીયમ કન્ઝર્વેશન એસોસીએશન દ્વારા બળતણ કાર્યક્ષમતા વધારવા અને ઇંધણનો વધુ વપરાશ ન થાય, પર્યાવરણનો બચાવ થાય તે માટે તૈયાર કરવામાં આવેલ, પર્યાવરણ બચાવો રથનો પ્રારંભ મેયર બીનાબેન આચાર્ય દ્વારા સ્ટે.ક. ચેરમેન ઉદયભાઇ કાનગડ, પી.સી.આર.એ. ના. ડેપ્યુટી ડાયરેકટર પ્રતિક સાહની, તુષાર પંચોલી, વર્ષાબેન તથા પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યો હતો.

પેટ્રોલીયમ કન્ઝર્વેશન રીસર્ચ એસોસીએશન ના ડેપ્યુટી ડાયરેકટર પ્રાતિક સાહની તથા તુષાર પંચોલીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે બળતણ કાર્યક્ષમતા વધારવા માટે પી.સી.આર.એ મહત્વની ભૂમિકા ભજવી રહયું છે. ઇંધણનો વધુ વપરાશ ન થાય અને પર્યાવરણનો બચાવ થાય તે હેતુથી એક વિશેષ રથનું નિર્માણ કરવામાં આવ્યું છે. વિવિધ વિસ્તારોમાં ફરશે.

પી.સી.આર.એ. દ્વારા ખેડુતો માટે ઉત્કૃષ્ટ ટીપ આપતા પ્રતિક સાહની અને તુષારભાઇ પંચોલીએ જણાવ્યું હતું કે,ખેડુતો માટે સંસ્થા દ્વારા વિવિધ પ્રકારની તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં ટ્રેકટરમાં ડીઝલ બચાવવા માટે ખેડુતોને ટીપ્સ અપાશે.

પર્યાવરણ રથનો પ્રારંભ કરાવતા મેયર બીનાબેન આચાર્ય એ જણાવ્યું હતું કે, બળતણ કાર્યક્ષમતા વધારવા માટે પેટ્રોલીયમ કન્ઝર્વેશન રીસર્ચ એસોસીએશનને ખુબ ખુબ ધન્યવાદ આપુ છું અને તેમણે ઇંધણ વધુ ન વપરાય અને પર્યાવરણનો બચાવ થાય તે માટે આપણે જાગૃત થવા અપીલ કરી હતી. તેમણે આ પી.સી.આર.એ. ને આ માટે ધન્યવાદ આપ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે તુષારભાઇ પંચોલી, અનિલભાઇ બારોટ, વર્ષાબેન, પી.સી.આર.એ. ના  કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

પર્યાવરણ બચાવો રથ ૩૦ દિવસ સુધી સોૈરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ફરી પર્યાવરણ જાગૃતિ માટે કાર્યક્રમો આપતો રહેશે અને વિવિધ પ્રકારનું સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવશે.

(3:41 pm IST)