Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

કાલથી બે દિવસ વાદળો છવાશે : ૭મી સુધી ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળશે : અશોકભાઈ પટેલ

શિયાળુ પવન ફૂંકાશે : તા.૬ના ઝાકળની શકયતા : પવનો અલગ - અલગ વિસ્તારમાં ૫ થી ૨૫ કિ.મી.ની ઝડપે ફૂંકાશે

રાજકોટ, તા. ૧ : છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીએ માઝા મૂકી છે ત્યારે આગામી દિવસોમાં ઠંડીમાં હાલ કરતાં આંશિક રાહત થશે. હાલમાં જે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તેના કરતાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળશે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે કે, ગત આગાહી મુજબ નવા વર્ષમાં જોરદાર ઠંડી પડશે તે મુજબ આજે ભુજ - ૭, અમરેલી - ૮.૬, રાજકોટ - ૮.૭, કેશોદ - ૮.૮ અને કંડલા એરપોર્ટ ખાતે ૯.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયેલ છે. તા. ૧ થી ૭ જાન્યુઆરી સુધીની આગાહી કરતાં અશોકભાઈએ જણાવ્યુ છે કે આવતા બે દિવસ વાદળોનું પ્રમાણ જોવા મળશે. જે તા.૩ થી ચોખ્ખુ થઈ જશે. દિવસ દરમિયાન ટાઢોડુ લાગે તેમ છતાં આવતીકાલે સવારે અલગ અલગ વિસ્તારોમાં હાલ કરતાં તાપમાનમાં આંશિક વધારો થશે. આજે કરતાં આવતીકાલે ઠંડીનો અનુભવ ઓછો થશે. બે થી ત્રણ ડિગ્રીની રાહત જોવા મળશે.

પવન મુખ્યત્વે શિયાળુ ફૂંકાશે. તા.૬  જાન્યુઆરીના ઉત્તર પશ્ચિમના ફૂંકાશે અને ઝાકળની પણ સંભાવના છે. આવતીકાલ ગુરૂવાર અને શુક્રવારે બે ઁદિવસ ભેજનું પ્રમાણ જોવા મળશે. ૫ થી ૨૫ કિ.મી.ની ઝડપે અલગ અલગ વિસ્તારોમાં વેરીએશન મુજબ પવન ફૂંકાશે. આગાહીના દિવસો દરમિયાન ૧૦ થી ૧૧ ડિગ્રી તાપમાન રહેશે. ટુંકમાં હાલમાં જે ઠંડી છે તેના કરતા બે થી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળશે. ઠંડીમાં આંશિક ઘટાડો જોવા મળશે.

(3:34 pm IST)