Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

જિલ્લા પંચાયતની સામાન્ય સભા હેમખેમ પાર પાડવા પ્રદેશ કોંગીએ ઝંપલાવ્યુ : હાલ સમિતિઓમાં માત્ર સભ્યોના નામ જ નકકી થશે

અર્જુન ખાટરિયા અને હિતેષ વોરાને અમદાવાદ બોલાવીને પ્રદેશ પ્રમુખે આકરી ટકોર કરી :અધ્યક્ષ પદ માટે ભાવનાબેન ભૂત, મધુબેન નસિત, મનોજ બાલધા, નાનજીભાઇ, પરસોતમભાઇના નામની ચર્ચા

રાજકોટ, તા. ૧ :. જિલ્લા પંચાયતમાં બે સમિતીઓની રચના સહિતના મુદ્દે તા. ૪ જાન્યુઆરીએ સામાન્ય સભા મળનાર છે. જિલ્લા પંચાયતમાં અત્યારે કોંગ્રેસ અને ભાજપ પ્રેરીત બાગીઓ વચ્ચે સંખ્યા બળની ગળાકાપ સ્પર્ધા છે. બાગીઓએ સિંચાઈ અને સહકાર તથા મહિલા બાળ કલ્યાણ સમિતિ કબ્જે કરવા સક્રિયતા બતાવતા તેની વાત પ્રદેશ કોંગ્રેસ સુધી પહોંચેલ. ચૂંટણીના વર્ષમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન બચાવવા અને તાકાત બતાવવા પ્રદેશ કોંગ્રેસે સીધો રસ લેવાનુ શરૂ કર્યુ છે. ગઈકાલે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા અને પંચાયતના શાસક જુથના નેતા અર્જુન ખાટરિયાને રૂબરૂ બોલાવી ભેગા મળીને કામ કરવા માટે આકરી ટકોર કર્યાનું જાણવા મળે છે. શનિવારની સામાન્ય સભાને કોંગ્રેસ માટે વિનાવિઘ્ને પાર પાડવ પ્રદેશ પ્રભારી ધારાસભ્ય બ્રિજેશ મેરજાને જવાબદારી સોંપાયાનું જાણવા મળે છે.

જિલ્લા પંચાયતના વર્તુળોએ જણાવેલ કે ગઈકાલે ખાટરિયા અને વોરા પ્રદેશ કાર્યાલયે ગયા હતા જ્યાં બન્ને સમિતિઓની રચના સહિતના મુદ્દે વિશદ ચર્ચા થયેલ. બન્ને વચ્ચેના મતભેદો બાબતે પ્રદેશ પ્રમુખે ચિમકીરૂપ ટકોર કરીને ભેગા ચાલવા અનુરોધ કર્યો હતો. સમિતીના અધ્યક્ષ નક્કી કરવામાં ખેંચતાણ જણાતા હાલ શનિવારે માત્ર સભ્યોના નામ જ જાહેર કરવાનુ નક્કી થયુ છે. સમિતિઓની રચના પછી ચેરમેનની ચૂંટણી વખતે તે અંગેનો નિર્ણય જાહેર કરવામાં આવશે. મહિલા અને બાળ કલ્યાણ સમિતિ માટે ભાવનાબેન ભૂત તથા મધુબેન નસિતના નામની ચર્ચા થયેલ. સિંચાઈ સમિતિ માટે નાનજીભાઈ ડોડીયા, મનોજ બાલધા, પરસોતમભાઈ લુણાગરીયા વગેરે નામ ચર્ચામાં આવ્યાનું કહેવાય છે. પ્રદેશ પ્રમુખે જિલ્લા પંચાયત તોડવા માટેના ભાજપના વારંવારના પ્રયાસો સામે પાર્ટી હિત ધ્યાને રાખી કામ કરવા બન્ને અગ્રણીઓને સમજાવ્યા હતા.

(3:34 pm IST)