Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

રી-સર્વે રેકોર્ડ પ્રમોલગેશન પછીની ક્ષતિ સુધારવાની મુદ્દત ૩૧ માર્ચ સુધી લંબાવાઈ

રાજકોટ, તા. ૧ :. મહેસુલ વિભાગે રી-સર્વે રેકોર્ડ પ્રમોલગેશન બાદ માલૂમ પડેલ ક્ષતિઓ સુધારવા માટે વાંધા અરજી રજુ કરવાની મુદ્દત તા. ૩૧ માર્ચ સુધી લંબાવી છે. આ અંગે મહેસુલ વિભાગના ઉપસચિવ પ્રવીણ ધંધુકિયાની સહીથી ગઈકાલે પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

પરિપત્રમાં જણાવાયુ છે કે, રાજ્યમાં ખેતીની જમીન રી-સર્વે માટે ડીઝીટલ ઈન્ડીયા લેન્ડ રેકર્ડઝ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ (ડીઆઈએલઆરએમપી) હેઠળ ખેતીની જમીનની માપણી કરી પ્રમોલગેશન કરવાની કામગીરી કુલ ૩૩ જિલ્લામા હાથ ધરવામાં આવેલ છે. પ્રમોલગેશન પછી રી-સર્વે રેકર્ડમાં ખાતેદારો દ્વારા રેકર્ડની ક્ષતિઓ સુધારવાની રજૂઆતો આવે છે. કાયદાકીય જોગવાઈ હેઠળ પ્રમોલગેશન પછી રેકર્ડમાં ક્ષતિઓ સુધારવા નારાજ અરજદારે જમીન મહેસુલ અધિનિયમની કલમ-૨૦૩ હેઠળ અપીલ કરવાની જોગવાઈ છે. આવી અપીલ રાહે દાદ મેળવવામાં વિલંબ અને ખાતેદારોની હેરાનગતિ, વકીલાત ફી અન્ય ખર્ચ અને હાડમારી ભોગવવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે પ્રમોલગેશન પછી ક્ષતિ સુધારણાની અરજીઓ પરત્વે અપીલ કરવાને બદલે સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકર્ડ્ઝશ્રીને સાદી અરજી આધારે નિકાલ કરવાની સત્તા એનાયત કરવામાં આવેલ છે.

આ બાબતે મહેસુલ વિભાગ દ્વારા ખેડૂત ખાતેદારોને રી-સર્વે પ્રમોલગેશનમાં થયેલ ક્ષતિ સુધારવા માટે સાદી અરજી કરવાની સમયમર્યાદા તા. ૩૧-૧૨-૨૦૧૯ નક્કી કરવામાં આવેલ હતી.

બાકી ખેડૂત ખાતેદારોને પણ અરજી કરવાની તક મળી શકે તેમજ પ્રમોલગેશન પછી ક્ષતિ સુધારવામાં હેરાનગતિ ન થાય, વકીલ ફી ખર્ચ ન થાય અને અન્ય હાડમારી ભોગવવી ન પડે તે હેતુથી અરજીઓ માટે નિયત કરેલ સમયમર્યાદા વધારી તા. ૩૧-૩-૨૦૨૦ સુધી લંબાવવામાં આવે છે.

(1:24 pm IST)