Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

તમે કેમ મારી બિમાર પત્નિની સારવાર નથી કરતાં?...કહી હાડવૈદ વૃધ્ધાને પડોશી મિરાજ ફકીરે છરીના ઘા ઝીંકયા

૬૫ વર્ષના આદિવાસી વૃધ્ધા રંજનેબને પોતે માત્ર ભાંગતૂટ હોય તો જ સારવાર કરી શકે તેમ, તારી પત્નિ પાંચ વર્ષથી પથારીમાં છે તેની સારવાર હું ન કરી શકું તેવું કહેતાં ઉશ્કેરાયો, જતો રહ્યો ને ફરીથી સામુ જોઇ ડખ્ખો કરી હુમલો કરી ભાગી ગયો

રાજકોટ તા. ૧: જામનગર રોડ પર પરાપીપળીયા ૨૫ વારીયા કવાર્ટરમાં રહેતાં હાડવૈદ વૃધ્ધાને પડોશી મુસ્લિમ શખ્સે 'તમે કેમ મારી બિમાર પત્નિની સારવાર નથી કરતાં?' તેમ કહી માથાકુટ કરતાં વૃધ્ધાએ પોતે માત્ર હાડકાની ભાંગતૂટ હોય તો તેનું જ કામ કરી શકે તેવું જણાવતાં તેણે ઉશ્કેરાઇ જઇ ઝઘડો કરી જતાં રહ્યા બાદ વૃધ્ધા એંઠવાડ ફેંકવા નીકળ્યા ત્યારે છરીથી હુમલો કરી દેતાં તેમને સારવાર માટે દાખલ કરાયા છે.

બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ પરા પીપળીયા એકતા સોસાયટી ૨૫ વારીયા કવાર્ટર નં. ૭૦૨માં રહેતાં રંજનબેન બિહારીલાલ તડવી (આદિવાસી) (ઉ.વ.૬૫) નામના વૃધ્ધાની ફરિયાદ પરથી તેના પડોશમાં જ રહેતાં મિરાજ સુલેમાનભાઇ ફકીર સામે આઇપીસી ૩૨૬, ૧૩૫ તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે.

રંજનબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારા પતિ સાથે રહુ છું અને હાડવૈદ્ તરીકે કામ કરુ છું. મારા પતિ કલરકામની છુટક મજૂરી કરે છે. મારે સંતાનમાં એક દિકરો છે  જે વતન તણખલા (રાજપીપળા) રહે છે. હું છેલ્લા બાવીસ વર્ષથી રાજકોટમાં અમારા ઘરના મકાનમાં રહુ છું. મંગળવારે મારા પતિ ઠંડીને કારણે અમારા ઘર બહાર તડકામં બેઠા હતાં ત્યારે પડોશી મિરાજ ફકીર મારી પાસે આવ્યો હતો અને મને કહ્યું હતું કે મારી પત્નિ એક વર્ષથી સતત બિમાર છે, દવા કરાવવા છતાં ફરક પડતો નથી. તમે હાડવૈદ્  છો તો તેની તબિય તજોઇને સારવાર કેમ નથી કરી આપતાં? તેમ કહેતાં મેં તેને જણાવેલ કે તમારા પત્નિ પાંચેક વર્ષથી પથારીવશ છે તેની સારવાર મારાથી થઇ શકે નહિ. હું માત્ર હાડકામાં ભાંગતૂટ થઇ હોઇ અને મુંઢ માર હોય તો તેની સારવાર કરુ છું.

આ વાત સાંભળી મિરાજ ઉશ્કેરાઇ ગયો હતો અને જેમ તેમ બોલીને જતો રહ્યો હતો. એ પછી ફરીથી હું એંઠવાડ નાંખવા નીકળી ત્યારે મિરાજ ઉભો ઉભો સામે જોતો હોઇ મેં તેને સામે જોવાની ના પાડતાં તે ઉશ્કેરાઇને દોડીને આવ્યો હતો નેફામાંથી છરી કાઢી મારા પર હુમલો કરતાં મેં ડાબો હાથ આડો રાખી દેતાં હથેળી-અંગુઠા વચ્ચે ઘા લાગી ગયો હતો. લોહી નીકળતાં બૂમાબૂમ કરતાં તેણે મને ગાલ પર બીજો ઘા મારી દીધો હતો. ત્યાં  મારા પતિ આવી જતાં તે ભાગી ગયો હતો. મને સિવિલ હોસ્પિટલે ખસેડાવામાં આવી હતી.

ગાંધીગ્રામ પી.આઇ. કે.એ. વાળાની રાહબરીમાં પીએસઆઇ એચ. વી. સોમૈયાએ ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:22 pm IST)