Gujarati News

Gujarati News

News of Wednesday, 1st January 2020

થર્ટીફર્સ્ટની મદમસ્ત ઉજવણીઃ નવા વર્ષના વ્હાલથી વધામણા

રાત્રીના ૧૨ના ટકોરે વેલકમ ૨૦૨૦ની શુભેચ્છાની આપ-લેઃ ડીજે-ડાન્સની પાર્ટીઓમાં માનવ મહેરામણ ઉમટયું : વોટસએપ-ફેસબુકમાં હેપ્પી ન્યુયરના મેસેજ શેર થયા : ફરવા લાયક સ્થળોએ કિડીયારૂ ઉભરાયું : બોલીવુડના ગીતો સતત ગુંજતા રહયા

બાય...બાય...૨૦૧૯... વેલકમ.....૨૦૨૦ : રાજકોટઃ કોઇપણ પર્વ હોય ઉજવણીમાં હમેંશા તત્પર રહેલા રાજકોટીયનોને થર્ટીફસ્ટની ધમાકેદાર ઉજવણી કરી હતી. બાય....બાય....૨૦૧૯ અને વેલકમ....૨૦૨૦...ને  આવકારવા શહેરના હોટલ, રીસોર્ટ સહિતના સ્થળોએ નવા વર્ષની ઉજવણી કરી હતી. બોલીવુડના અવનવા ગીતો ઉપર ઝુમતુ યુવાધન જોવા મળે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટઃ તા.૧, રંગીલા રાજકોટીયન્સે નવા વર્ષના આગમનને ધામધુમથી વધાવ્યું હતુ.મોજ મસ્તીનો મંતર ફુંકાયો હતો. થર્ટીફર્સ્ટની ઉજવણીમાં રાજકોટ શહેર રસતરબોળ બની ગયુ હતુ. બાય....બાય...૨૦૧૯ અને વેલકમ ૨૦૨૦... યુવાધન ઉમટી પડયું હતુ. શહેરની હોટલો, રીસોર્ટો, પાર્ટીપ્લોટોમાં ડીજે વીથ ડાન્સના કાર્યક્રમો યોજાયા હતા. આંખ મારે વો લડકી આંખ મારે... કયોકી તુમ હી...હો.. બાલા...બાલાા... શૈતાન કા શાલા.. ઓ. શાકી....શાકી.. રે... જેવા બોલીવુડના નવા-જુના ગીતો રીમીકસમાં સતત ગુંજતા જોવા મળ્યા હતા. તો શહેરમાં ઠેકઠેકાણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો હતો.

એકાદ બે ઘટના સિવાય લોકોએ નવા વર્ષને આનંદ અને હર્ષોલ્લાસથી આવકાર્યું હતુ. થર્ટીફર્સ્ટની રાત્રીના ૧૨ના ટકોરે આતશબાજી અને સંગીતના સથવારે લોકોએ નવા વર્ષને વધાવ્યું હતુ. શહેરના કાલાવડ રોડ ઉપર આવેલ પ્રેમ મંદિર અને મોચીનગર નજીક આવેલ ચર્ચમાં અને મંદિરોમાં પૂજન અર્ચન, ધુન ભજનના કાર્યક્રમો યોજાયા હતા.

ખિસ્ત્રી બિરાદરોએ ચર્ચમાં પ્રાર્થના કરી નવલા નવ વર્ષને આવકાર આપ્યો હતો. તેમણે ઇસુના નવા વર્ષની એકબીજાને શુભેચ્છા પાઠવી મોં મીઠા કરાવ્યા હતા. રાજકોટના ઇમેકયુલેશન ચર્ચ (મોચીબજાર), સીએનઆઇ ચર્ચ (આઇપીમીશન સ્કુલ), ક્રાઇસ્ટ ચર્ચ (જામટાવર) અને કાલાવડ રોડ ઉપર આવેલ પ્રેમમંદિરે રાત્રીના સમયે ભારે ધસારો જોવા મળ્યો હતો. પ્રેમમંદિરમાં સૌ ખ્રિસ્તી ભાઇ-બહેનોએ એકબીજા નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી હતી. સૌ ખ્રિસ્તી શ્રધ્ધાળુઓએ પ્રભુ ઇસુ સમક્ષ આરાધના વંદના કરી હતી બધા એકબીજા શુભેચ્છા પાઠવી નુતનવર્ષના નવા સ્પંદનો લઇ ઘરે પરત ફર્યા હતા.

શહેરના કાલાવડ રોડ,  ૧૫૦ ફુટ રીંગ રોડ, યાજ્ઞિક રોડ સહિતના જાહેર માર્ગો  ઉપર આખીરાત ભારે ટ્રાફીક જોવા મળ્યો હતો. ડાન્સ-ડી.જે-ડીનરના જલ્સા સાથે શોખીનોએ ડ્રીન્કસની ચુસ્કીઓ પણ લગાવી હતી.

રાત્રીના ૧૨ના ટકોરે આતશબાજી સાથે નવા વર્ષને વધાવાનું હતુ. મોડીરાત સુધી યુવાધન ગીત સંગીતના સથવારે ઝુમી ઉઠયો હતો.

આ વર્ષ દરમિયાન સારા નરસા બનાવો અને ખાટા મીઠા અનુભવોનું ભાથુ લઇને શહેરજનોએ આખરી વિદાય આપવા સજજ થયા હતા અને મધરાતે ન્યુયરના ઉન્માદ સાથે નવા વર્ષની વધામણી કરવા નગરજનો ઠેકઠેકાણે ઉમટી પડયા હતા.

ડાન્સ ડીજેની ધમાલ વચ્ચે ડીનરના અવનવા સ્વાદની કમાલ પણ જોવા મળી હતી. શહેરના કાલાવડ રોડ, રેસકોર્ષ રીંગ રોડ, જામનગર રોડ તેમજ હાઇવે ઉપર આવેલી હોટલોમાં પણ થર્ટીફર્સ્ટના કાર્યક્રમો યોજાયા હતા. તમામ હોટલો અને રીસોર્ટમાં યુવાધન ડીજે તેમજ હિન્દી-ગુજરાતી રીમીકસ ગીતો ઉપર ડોલ્યુ હતુ. હોટલોમાં કપલ ડાન્સ, બાળકો માટે વિવિધ ગેમ્સ તેમજ પરીવારજનો ઉજવણી કરી શકે તેવા પણ આયોજનો થયા હતા.

 નવા વર્ષની ઉજવણીમાં ખાસ કરીને યુવા વર્ગ ઘેલુ બન્યુ હતુ. શહેરમાં વિવિધ રાજમાર્ગો તેમજ હોટલો રિસોર્ટમાં કલાકારોએ  જમાવટ કરી હતી. શહેરની ભાગોળે ફાર્મહાઉસોમાં છાનેખુણે દારૂની મહેફીલો પણ જામી હતી.

જાણે રાત્રીના દિવસ ઉગ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. માનવ મહેરામણ ઉમટી પડયું હતુ. કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ સહિતના સ્થળોએ માનવ મહેરામણ ઉમટી પડયુ હતુ. રાત્રીના ૧૨ના ટકોરે આતશબાજી, સંગીતના તાલે એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

(11:34 am IST)